ગોધરાના નંદાપુરા પાસે આવેલી ખાનગી આરોગ્યમ કેન્સર હોસ્પિટલ ખાતે 60 વર્ષીય મહિલાના પેટમાંથી આશરે અગિયાર કિલો વજન ધરાવતી ગાંઠ હોવાનું નિદાન થયું હતું. જે બાદ સાત ડોક્ટરની ટીમ દ્વારા બે કલાકની જહેમત બાદ સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. એક તબક્કે જોખમી માનવામાં આવતા આ ઓપરેશનને ડૉ. રક્ષિત શાહની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું અને મહિલાને નવજીવન બક્ષ્યું હતું. સાત ડોક્ટરની ટીમે બે કલાકની જહેમત બાદ નવજીવન બક્ષ્યું
ડૉ. રક્ષિત શાહ દ્વારા મહિલાની તકલીફ નિહાળ્યા બાદ ઓપરેશન કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. જે બાદ પેટના ભાગે આવેલા કોઈપણ અવયવોને સહેજપણ નુકસાન પહોંચાડ્યા વિના જ ડોક્ટર રક્ષિત શાહ તેમજ ડોક્ટર ફાલ્ગુની દામા અને અન્ય છ જેટલી ટીમે બે કલાકની જહેમત પેટમાંથી આખી ગાંઠ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, આ વૃદ્ધ મહિલાને છેલ્લા કેટલાક સમયથી હરવા, ફરવા અને જમવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી. ત્યારે આ ઓપરેશન કર્યા બાદ મહિલાને તકલીફમાંથી મુક્તિ મળ્યા બાદ તે મહિલા આપમેળે જ હરતાં ફરતાં અને ખોરાક આરોગતાં થયા છે. 60 વર્ષીય મહિલા પેટમાં 11 કિલોની ગાંઠ
પંચમહાલ જિલ્લાના શહેરા પંથકની સાઈઠ વર્ષીય મહિલાને પેટમાં અંડાશયની ગાંઠ થઈ હતી, જેનું વજન એટલી હદે વધી ગયું હતું કે, મહિલાને જમવા અને હરવા ફરવામાં ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો. દિનપ્રતિદિન આ ગાંઠ મોટું સ્વરૂપ ધારણ કરતી હતી. મહિલાનો પુત્ર અસ્થિર મગજનો છે, જેના કારણે આજુબાજુના લોકોએ મદદ કરી મહિલાને આરોગ્યમ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારે ડો.રક્ષિત શાહે મહિલાને પડતી તકલીફને જોઈ ઓપરેશન જોખમી હોવા છતાં તેને કરવા માટેની તૈયારી દર્શાવી હતી. ડોક્ટર રક્ષિત શાહ તેમજ ડોક્ટર ફાલ્ગુની દામા અને અન્ય છ જેટલી ટીમ દ્વારા બે કલાકની જહેમત બાદ ઓપરેશનને સફળ બનાવ્યું હતું અને મહિલાના પેટમાંથી એકપણ અવયવને નુકસાન થવા દીધા વિના 11 કિલોની ગાંઠને આખે આખી બહાર કાઢી હતી. બે બાળક પેટમાં હોય એટલું મોટું પેટ થઈ ગયું હતું
આ અંગે ડો.રક્ષિત શાહે વાતચીતમાં જણાવ્યું હતું કે, અંડાશયની આટલી મોટી ગાંઠને ઓપરેશન કરી આખી બહાર કાઢવામાં ખૂબ જ જોખમ રહેતું હોય છે કેમ કે, આંતરડા સહિતના અવયવો ગાંઠની નીચે દબાયેલા હોય છે. જેથી ગાંઠને ઓપરેશન કરી રિમુવ કરતી વેળાએ ખૂબ જ કાળજી લેવી પડે છે, કેટલાક સંજોગોમાં દર્દીનું મૃત્યુ થવાની શક્યતાઓ પણ રહેલી હોય છે, પરંતુ દર્દીના સગાની અપેક્ષાઓ અને દર્દીની સ્થિતિ નિહાળી અમે આ ઓપરેશન સફળ રીતે પાર પાડ્યું હતું. જોકે, દર્દીનું પેટ એટલું મોટું થઈ ગયું હતું કે જાણે બે બાળક પેટમાં હોય, જેના કારણે તેમને સામાન્ય જીવન જીવવામાં પણ ખૂબ તકલીફ પડતી હતી. જો કે આ ઓપરેશન બાદ મહિલા હેવ સ્વસ્થ છે, તેમને રજા પણ આપી દેવામાં આવી છે અને તે હવે સામાન્ય રીતે પોતાનું જીવન જીવવા સક્ષમ છે. જિલ્લાની એકમાત્ર અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ
બે મહિના પહેલાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે મધ્ય ગુજરાતની સૌથી મોટી અને અત્યાધુનિક સગવડો ધરાવતી આ હોસ્પિટલનો શુભારંભ કરાયો હતો. જે દરમિયાન મુખ્યમંત્રીએ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની એક માત્ર અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી આ હોસ્પિટલ જરૂરીયાતમંદ સ્થાનિક દર્દીઓ માટે આશાનું કિરણ બનશે અને નજીકમાં જ યોગ્ય સારવાર મળી રહેશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન હોસ્પિટલના ચેરમેન રક્ષિત શાહે પણ મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોને ખાતરી આપી હતી, જે હાલ પુરવાર થતી હોય એવું જોવા મળી રહ્યું છે.