મિહિર ભટ્ટ
ખ્યાતિ હૉસ્પિટલમાં માત્ર 4 વર્ષમાં 5000 હજારથી વધુ ઓપરેશન કરાયાં છે. આ વટાણા પોલીસની પકડમાં આવેલા ડૉ. પ્રશાંત વજીરાણીએ વેરી દીધા છે. એટલું જ નહીં, ડૉ. વજીરાણીની કબૂલાત અને દસ્તાવેજી પુરાવા દર્દીઓનાં ખિસ્સાં કાપવાનું કતલખાનું ચાલતું હોવાના પુરાવા આપી રહ્યા છે. પુરાવાના આધારે પોલીસે માત્ર હાર્ટનાં ઓપરેશન જ નહીં, અહીં થયેલાં ની-રિપ્લેસમેન્ટ, સિસ્ટ (ગાંઠ) સર્જરી અને બેરિયાટ્રીક સર્જરીની પણ તપાસ શરૂ કરી છે. ખરેખર દર્દીને તેની જરૂર હતી કે રૂપિયા પડાવવા ઓપરેશન કરાયાં છે તેની તપાસ ક્રાઈમ બ્રાન્ચમાં જ બેસાડાયેલી 7 ડૉક્ટરોની પેનલ દ્વારા કરાવાઈ રહી છે.
ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી અજિત રાજીયાણે કહ્યું હતું કે હાલ ઓપરેશનની ચાર CD મળી છે જેની પેનલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ પછી જે અન્ય ઓપરેશનમાં PM-JAY હેઠળ કેટલા રૂપિયા ખોટી રીતે પડાવ્યા છે કે કેમ? તેની તપાસ કરાશે. ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રોનું કહેવું છે કે કુલ 23 લોકોને નોટિસ આપી જવાબ માટે બોલાવ્યા હતા તે પૈકી 6 ડોક્ટર્સ સરકારના આરોગ્ય વિભાગના અધિકારી છે. જેમની જવાબદારી હોસ્પિટલના ઓડિટની હતી. જે રીતે હોસ્પિટલના ઓપરેશનનાં બિલ મંજૂર થતાં હતાં તે જોઈને હેલ્થ વિભાગના પણ કેટલાક અધિકારીઓ શંકાસ્પદ છે. તેમની ભૂમિકા અંગે પણ ખાનગી રાહે તપાસ ચાલે છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓનું કહેવું છે કે ઓપરેશન પછી જે ટ્રીટમેન્ટ આપવાની હોય તે નહીં આપવાથી દર્દીઓનાં મોત નીપજ્યાં હોવાનું એક્સપર્ટ્સ ડૉક્ટર માની રહ્યા છે. તપાસમાં એવા ખુલાસા થયા છે કે ઓપરેશન પહેલાં અને ઓપરેશન પછી એટલે કે POM (પ્રી-ઓપરેશન મેજર) અને POC (પોસ્ટ ઓપરેશન કેર)ની સારવાર નહીં આપી દર્દીઓના જીવ જોખમમાં મૂકીને હોસ્પિટલના સંચાલકોએ રૂપિયા ઘરભેગા કર્યા છે. જોકે, સરકારમાંથી તે રૂપિયાનાં બિલ મંજૂર કરાવ્યાં જ છે. ક્રાઈમ બ્રાન્ચના ધ્યાનમાં આવ્યું છે કે મોટી જાહેરાતો કરતી આ હોસ્પિટલમાં કોઈ પણ ડોક્ટર બે કે ત્રણ મહિના માંડ ટકતા હતા. મોટા ભાગના ડોક્ટરો કે જે અહીં સેવા આપી ગયા છે તેમને હોસ્પિટલ દ્વારા ચાલતી ગેરરીતિની ગંધ આવી જતા તે હોસ્પિટલ છોડી દેતા હતા. ડો. પ્રશાંત વજીરાણીએ અગાઉ આ હોસ્પિટલમાં લાંબા સમય સુધી કામ કર્યું હતું. જોકે, તેને હોસ્પિટલ સંચાલકોએ પૈસા નહીં આપતા તેણે હોસ્પિટલ છોડી દીધી હતી પરંતુ અગાઉના રૂપિયા વ્યાજ સાથે અને નવા ઓપરેશનનાં મસમોટા કમિશનની લાલચ આપતા ડો. પ્રશાંત વજીરાણી ત્યાં જોડાયો હતો. જેના બેન્ક એકાઉન્ટમાં મહિને લાખો રૂપિયાનાં ટ્રાન્જેક્શન થયાં હોવાનું પણ પોલીસનું કહેવું છે. { મેડિકલ ઓડિટ થતું હતું તો આ કૌભાંડ કેમ ના પકડાયું? { આરોગ્ય વિભાગે હજુ કેટલીક વિગતો આપી નથી! { છેલ્લે ઓડિટ થયું ત્યારે શું તપાસ કરવામાં આવી? { કેટલીક જગ્યાએ ટૂંકા નામ વાપર્યા છે તેનો અર્થ શું? { PM-JAY સ્કીમ હેઠળ હોસ્પિટલ સાથે કેવી શરતો નક્કી થઈ હતી? ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો પૈકી કાર્તિક પટેલ દિવાળી પહેલાંથી ઑસ્ટ્રેલિયા હતો. પટેલ બે દિવસ પહેલાં જ દુબઈ પહોંચ્યાનું પણ પોલીસના ધ્યાનમાં છે. પોલીસનું કહેવું છે કે 22મી આસપાસ તેની વિઝા મુદ્દત પૂરી થતા તે ત્યાંથી ભાગીને દુબઈ આવ્યો છે. ખ્યાતિ હૉસ્પિટલ કૌભાંડના ફરાર મુખ્ય 5 આરોપીની 14 દિવસ બાદ ક્રાઈમ બ્રાન્ચે નાટ્યાત્મક રીતે ધરપકડ કરી હતી. હૉસ્પિટલના સીઈઓ તેમજ સીએ રાહુલ જૈનની ઉદયપુર જ્યારે ડિરેકટર ચિરાગ રાજપૂત, મેડિકલ એક્ઝિક્યુટિવ િમલિન્દ પટેલ તેમજ ચિરાગ માટે માર્કેટિંગનું કામ કરતા પ્રતીક ભટ્ટ અને પંકિલ પટેલની કપડવંજ પાસેના ઉકેરડીના મુવાડા ખાતેના ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે ધરપકડ ટાળવા આરોપીઓ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા નહોતા પરંતુ ડોંગલ અને વાઈફાઈની મદદથી ચાઈનીઝ અને રશિયન એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. જે ટ્રેક થઈ શકે તેમ ન હતી. તેમ છતાં ક્રાઈમ બ્રાંચની ટીમે તે એપ્લિકેશન ટ્રેક કરીને આરોપીઓને ઝડપી લીધા હોવાનો દાવો કર્યો હતો.