રાજ્યભરમાં ચકચાર જગાવનાર ખ્યાતિકાંડ મામલે મંગળવારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડેલા પાંચ આરોપીઓને આજે રિમાન્ડની માગણી સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ખ્યાતિકાંડ મામલે ફરાર આરોપીઓમાંથી પોલીસે એકને ઉદયપુરથી અને અન્ય ચારને ખેડાના કપડવંજ પાસે આવેલા એક ફાર્મમાંથી ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. રિમાન્ડ અરજી પર એક કલાક સુધી દલીલો ચાલ્યા બાદ પાંચેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા
(1) ચિરાગ સ/ઓ હિરાસિહ બગીસિંહ રાજપૂત
(2) મિલીન્દ સ/ઓ કનુભાઈ અમરતલાલ પટેલ
(3) રાહુલ સ/ઓ રાજેન્દ્રકુમાર શાંતીલાલ જૈન
(4) પ્રતિક સ/ઓ યોગેશભાઇ હિરલાલ ભટ્ટ
(5) પંકિલ સ/ઓ હસમુખભાઈ મોહનભાઈ પટેલ રિમાન્ડ માટે રજૂ કરાયેલા કારણો પાંચ આરોપીઓનો ખ્યાતિકાંડમાં રોલ
ચિરાગ ખ્યાતિ હોસ્પિટલમાં મહિને 7 લાખનો પગાર લેતો
ચિરાગ રાજપૂતે શરૂઆતમાં મેડીકલ રીપ્રેઝન્ટેટિવ તરીકે અલગ-અલગ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં કામ કરતો હતો. તેમજ અલગ-અલગ હોસ્પિટલમાં એડમીન/માર્કેટીંગ / ડિરેકટર / બ્રાન્ડિંગ જેવા હોદ્દા પર કામ કરતો હતો. હાલ તે ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેકટર તથા બ્રાન્ડિંગ માર્કેટીંગની જવાબદારી સંભાળે છે. જેનો માસિક પગાર રૂપિયા 7,૦૦,૦૦૦/- (સાત લાખ) નો છે. આ ગુન્હામાં દર્દીઓને સ્ટેન્ટની જરૂર ન હોય તો પણ તે આગ્રહપૂર્વક સ્ટેન્ટ મુકાવતો. તેમજ ડોકટરને પણ તેની સુચનાનુ પાલન કરવુ પડતુ હતુ. હોસ્પિટલની કેથલેબ ખાતે સ્ટેન્ટ મુકવાની પ્રોસીજર સમયે તે હાજર રહેતો. મિલિન્દ પટેલ જેલમાંથી છૂટ્યા બાદ ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયો હતો
સૌપ્રથમ એમ.આર. તરીકે વી.એચ.ભગત કંપનીમાં પાટણ ખાતે નોકરી કરેલ. બાદ કોરોના રેમેડીસ કંપનીમાં એમ.આર. તરીકે તેમજ સને 2010થી નિધી હોસ્પિટલ, નવરંગપુરા ખાતે માર્કેટીંગ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયેલ. 2017માં સાલ હોસ્પિટલ વસ્ત્રાપુર ખાતે જોડાયેલ જયાં ચિરાગ રાજપુત સાથે મુલાકાત થયેલ તેની સાથે માર્કેટીંગ એકઝી. તરીકે 2020 સુધી નોકરી કરેલ. 2020માં ચિરાગ રાજપૂતના કહેવાથી એશિયન બેરિયાટ્રીકસ હોસ્પિટલમાં નોકરી પર લાગેલ જ્યાં માર્કેટીંગ એક્ઝિક્યુટિવ તરીકે 2020 સુધી રહેલ. આ સમય દરમ્યાન તેને શેર બજારમાં નુકશાન થતા ઘર/પરિવારથી અલગ થયેલ તેના વિરૂધ્ધ નેગો. એકટ કલમ 138 મુજબના કેસ થયેલ. જેમાં એકાદ વર્ષ સુધી જેલમાં રહેલ. જેલમાંથી પરત આવ્યા બાદ ખ્યાતિ હોસ્પિટલમાં માર્કેટીંગ એકઝીકયુટીવ તરીકે જોડાયેલ ત્યારથી આજદિન સુધી માસિક રૂ. 4૦,૦૦૦/- ના પગારથી નોકરી કરે છે. ખ્યાતિ હોસ્પીટલમાં માર્કેટીંગ એકઝી. તરીકે તેણે અમદાવાદ શહેર તથા આજુબાજુ વિસ્તારના જી.પી. ડોકટર ને મળી તેમની પાસે આવતા દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલ ખાતે રીફર કરવા સહમત કરવાની કામગીરી કરવી. આ ઉપરાંત અલગ અલગ ગામોમાં કેમ્પ કરી હોસ્પિટલ માટે દર્દીઓ લાવવાની કામગીરી કરે છે. રાહુલ જૈન નાણાકીય બાબતો સંભાળતો હતો
રાહુલ જૈન હોસ્પિટલમાં સી.ઈ.ઓ. તરીકે કામ કરે છે. હોસ્પિટલના તમામ નાણાંકીય વ્યવહાર તથા ખરીદી કરવી તથા તમામ નાણાકીય વ્યવહારો રાહુલ જૈન કરતો હતો. હોસ્પિટલમાં તમામ ઓડીટો સાથે રહી કરાવતો હતો. ઓડીટમાં કોઇ ભૂલ હોય તો ડાયરેકટરો સાથે મળી સોલ્યુશન લાવતા હતા પંકિલ પટેલ અને પ્રતીક ભટ્ટ દર્દીઓને ડરાવી ઓપરેશન માટે તૈયાર કરતા
પંકિલ પટેલ તથા પ્રતિક ભટ્ટ બન્ને ચિરાગ રાજપૂત તથા મિલીન્દ પટેલની સુચનાઓ મુજબ કેમ્પ કરવા, દર્દીઓ લાવવા, દર્દીઓને સ્ટેન્ટ મુકવા માટે તેઓને સ્ટેન્ટ નહી મુકવાથી થનાર નુકશાનથી ડરાવવા, વિગેરે તમામ કાર્યવાહી કરતા હતા. ચિરાગ રાજપૂતનું લોકેશન રાજસ્થાનમાં, ઝડપાયો ખેડા પાસેથી
મળતી માહિતી મુજબ ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતના મોબાઈલનું છેલ્લું લોકેશન પોલીસે મેળવતા તે રાજસ્થાનમાં બતાવતું હતું. પરંતુ, ચિરાગ રાજપૂત અમદાવાદથી 60 કિમીના અંતરે ખેડા પાસે આવેલા એક ફાર્મહાઉસમાંથી ઝડપાયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ગેરમાર્ગે દોરાય તે માટે આરોપીઓએ પ્રયાસો કર્યા હતા પરંતુ, તેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. પાંચ ઝડપાયા, ત્રણ હજી પણ ફરાર
ખ્યાતિકાંડ મામલે ફરિયાદ નોંધાયા બાદ શરૂઆતમાં ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ અન્ય આરોપી ફરાર હોઇ તેઓની શોધખોળ ચાલી રહી હતી. તેમાં હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે હજી પણ આ મામલામાં હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને ડો. સંજય પટોળિયા હજી પણ ફરાર હોઇ તેઓની શોધખોળ યથાવત્ રાખવામાં રાખવામાં આવી છે. શું હતો સમગ્ર મામલો?
અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 11 નવેમ્બરના રોજ કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી અને તે પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાંથી બે દર્દીઓના મોત થતા હોસ્પિટલ પર હોબાળો થયો હતો. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરુર ન હોવા છતા ખોટી રીતે કરી નાખ્યા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી.તેના રિમાન્ડ પૂર્ણ થતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે. ત્યારબાદ મંગળવારે વધુ પાંચની ધરપકડ કરી લેવામાં આવી હતી જ્યારે ત્રણ હજી પણ ફરાર છે.