વડોદરા મહાનગરપાલિકા દ્વારા કપુરાઇ ટાંકીના ઓપરેશન એન્ડ મેન્ટનેન્સની કામગીરી જોતા ઇજારદાર દ્વારા પાલિકાની સૂચના પ્રમાણે કરવામાં આવતી ન હતી. આથી પાલિકા દ્વારા 15 વખત નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાંય ઇજારદારે જરૂરી સ્ટાફ નહીં મુકતા વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ પડી હતી. જેથી પાલિકા દ્વારા ઇજારદારને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમા આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેર નજીક OG વિસ્તારમાં સુવિધાઓ પૂરી પાડવા માટે પાલિકાએ ગત વર્ષે કપુરાઈ પાણીની ટાંકી માટે મેકેનિકલ ઇકવિપમેન્ટનું ઓપરેશન અને મેન્ટનેન્સ માટે ઇજારદારો પાસે ભાવો મંગાવ્યા હતા. પાંચ વર્ષના OM માટે 2.26 કરોડના અંદાજીત ખર્ચ સામે 5.92 ટકા ઓછા ભાવે 2.19 કરોડમાં ઇજારદાર મે.માઇક્રોન લેસર વેલ્ડીંગ ટેકનોલોજીને કામગીરી સોંપવામાં આવી હતી. 30 સપ્ટેમ્બર 2023થી ઇજારદારને વર્કઓર્ડર આપી દેવામાં આવ્યો હતો. જેમાં તેણે પાણી વિતરણ વ્યવસ્થા માટે સ્ટાફની નિયુક્તિ તેમેજ મશીનરીના મેન્ટનેન્સની જવાબદારી સંભાળવાની હતી. વર્કઓર્ડર મળ્યા બાદ ઇજારદારે જરૂરી મેનપાવર નહીં રાખતા સમયસર કામગીરી નહીં થવાને કારણે તેમજ પાણી વિતરણમાં વિલંબ થતા આખી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. જે અંગે પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા ઇજારદારને 15થી વધુ વખત નોટિસ આપવામાં આવી હતી. છતાં ઇજારદારે કામગીરી શરૂ કરવા મેનપાવરને કામ સોંપ્યું ન હતું. એક વર્ષથી ખોરવાયેલી પાણી વિતરણ વ્યવસ્થાને કારણે વિસ્તારના રહીશોને ભારે હાલકી ભોગવી રહ્યા છે. પૂરતી મશીનરી હોવા છતાંય તેની જાળવણી કરવામાં ઉણા ઉતરેલા ઇજારદારને કારણે એક વર્ષ સુધી વિસ્તારમાં પાણી મળ્યું નથી. જેથી પાણી પુરવઠા વિભાગ દ્વારા ઇજારદારને બ્લેક લિસ્ટ તેમજ ટર્મિનેટ કરવાની દરખાસ્ત આગામી સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવી છે. નવા ઇજારદારને કામગીરી ન સોંપાય ત્યાં સુધી પાણી વિતરણ વ્યવસ્થા ચાલુ રહે તે માટે ટાંકીના ઓપરેશનની કામગીરી દક્ષિણ ઝોનના માનવદિનના કોન્ટ્રાક્ટર દ્વારા કરાવવા તેમજ મેન્ટનેન્સની હંગામી કામગીરી અન્ય ઇજારદારો પાસે કરાવીને નવેસરથી ઓપરેશન અને મેન્ટનેન્સની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.