મહારાષ્ટ્રમાં મહાયુતિની ખીચડીમાં ઘી ઢોળાઈ ગયું છે. એકનાથ શિંદેએ ભાજપ માટે CMનો રસ્તો ક્લિયર કરી આપ્યો. શિંદેએ ભાજપને વચન આપ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં શિવસેના અડચણરૂપ નહીં બને. હવે ફડણવીસ જ સીએમ બનશે કે સાવ નવો ચહેરો આવશે એ આવતીકાલે ખબર પડી જશે, પણ એક વાત ચોક્કસ છે કે શિંદે સમજુ ને શાણા છે. તેમણે ઉદ્ધવ ઠાકરેની જેમ મુખ્યમંત્રીની ખુરસી પર બેસી રહેવા હઠ ન કરી. શિંદેને લાંબા ગાળે આનો ફાયદો ચોક્કસ થવાનો છે. નમસ્કાર, ભાજપની એક પેટર્ન રહી છે, વિરોધ કરનારાના મોઢે જ વખાણ કરાવી નાખે. રાજસ્થાનમાં વસુંધરા રાજે વખતે જે થયું, હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર સાથે જે થયું એવું જ મહારાષ્ટ્રમાં શિંદે સાથે થયું. જેમને એમ હતું કે સત્તા મારા હાથમાં જ રહેશે અથવા સમર્થકોમાં સતત ચર્ચા થયા કરતી હતી, તેમની પાસે જ પ્રસ્તાવ મુકાવે કે અમને વાંધો નથી. વસુંધરા રાજેના હાથમાં રાજનાથ સિંહે એક ચિઠ્ઠી આપી ને રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે ભજનલાલને પસંદ કર્યા. એવું જ હરિયાણામાં થયું. પહેલીવાર મનોહરલાલ ખટ્ટરે રાજીનામું આપ્યું. પછી બીજીવાર ચૂંટણી આવી ત્યારે ફરીવાર ખટ્ટરને સીએમના દાવેદાર માનવામાં આવતા હતા, પણ ભાજપે ખટ્ટર પાસે જ તેની નિકટ મનાતા નાયબસિંહ સૈનીના નામની જાહેરાત કરાવી. ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવા શરદ પવારે બાજી પલટી
24 ઓક્ટોબર 2019ના દિવસે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે પહેલીવાર ચૂંટણી લડેલા ઉદ્ધવ ઠાકરે અને તેના દીકરા આદિત્ય ઠાકરે બંને પિતા-પુત્ર પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. ત્યારે પણ શિવસેના અને ભાજપનું ગઠબંધન હતું. 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાના ગઠબંધનનો વિજય થયો હતો. ભાજપ 105 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી હતી. શિવસેનાને 56 બેઠક મળી હતી. શરદ પવારની નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)એ 54 બેઠક જીતી અને કોંગ્રેસને 44 બેઠક મળી હતી. 288 બેઠકની વિધાનસભામાં 145 બેઠક મેળવવી બહુમતી સાબિત કરવા માટે પૂરતી હતી. શિવસેનાની 56 બેઠક અને ભાજપની 105 બેઠકના ઉમેરા સાથે કુલ બેઠકોની સંખ્યા 161 થઈ. દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેની વાતચીત અટકી ગઈ, પરંતુ ઉદ્ધવ અને શરદ પવાર વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ હતી. પવારે ઉદ્ધવને એમ કહીને આશ્વાસન આપ્યું કે ભાજપ સાથે સરકારમાં જોડાવા કરતાં શિવસેનાને મુખ્યપ્રધાન બનાવવી વધુ સારું છે. આ માટે તેમણે સમર્થન આપ્યું હતું અને કોંગ્રેસને પણ સાથે લાવવાનું વચન આપ્યું હતું. ઉદ્ધવે પવારની ઓફર સ્વીકારી અને જાહેરાત કરી કે શિવસેનાના મુખ્યમંત્રી બનશે. 22 નવેમ્બર 2019ની સાંજે શિવસેના, NCP અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ વચ્ચે વરલીના નહેરુ સેન્ટરમાં બેઠક યોજાઈ હતી. ઉદ્ધવ ઠાકરે મહાવિકાસ આઘાડી સરકારના મુખ્યમંત્રી બનશે એ નક્કી હતું. ઉદ્ધવનું નામ CM તરીકે ફાઇનલ હતું, પણ શપથ ફડણવીસે લઈ લીધા
23 નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર તત્કાલીન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પાસે શપથ લેવા પહોંચ્યા હતા. ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને અજિત નાયબ મુખ્યમંત્રી બન્યા. શિવસેનાના બદલાતા સૂરથી ભાજપ એલર્ટ થઈ ગયો હતો. દેવેન્દ્ર ફડણવીસે શરદ પવારના ભત્રીજા અજિત પવાર સાથે તેમની સરકાર બચાવવા માટે સમર્થન માટે વાત કરી હતી. અજિતે NCP સામે બળવો કર્યો હતો અને 12 ધારાસભ્યને પોતાની સાથે લીધા હતા. હવે દેવેન્દ્રએ બહુમતી સાબિત કરવાની હતી, પરંતુ 80 કલાકની અંદર અજિતને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી. 26 નવેમ્બરના રોજ દેવેન્દ્ર ફડણવીસે બહુમત સાબિત ન કરી શકવાના કારણે રાજીનામું આપી દીધું હતું. શિંદેએ બળવો કરતાં ઉદ્ધવને ખુરસી ગુમાવવાનો ડર લાગ્યો
એકનાથ શિંદેએ 30 ધારાસભ્ય સાથે બળવો કરતાં ઉદ્ધવને તેમની સીટ ગુમાવવાનો ડર લાગવા લાગ્યો હતો. બધાની નજર શિંદે કેમ્પના આગળના પગલા પર હતી. દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ત્યારે ટ્વિટર) પર શિંદે તરફથી એક ટ્વીટ આવ્યું, ‘અમે બાળાસાહેબના વફાદાર શિવસૈનિક છીએ. બાળાસાહેબે અમને હિન્દુત્વ શીખવ્યું. અમે બાળાસાહેબના હિન્દુત્વ અને આનંદ દીઘેના આદર્શો સાથે સમાધાન કરી શકીએ નહીં. અમે ક્યારેય સત્તા માટે છેતરપિંડી કરી નથી. 21 જૂન, 2022ના રોજ ઉદ્ધવ ઠાકરેએ તેમના કાર્યકરો અને મહારાષ્ટ્રના લોકોને ફેસબુક લાઇવ પર સંબોધિત કર્યા. બહુમત સાબિત ન કરી શકવાને કારણે ઉદ્ધવ રાજીનામું આપવા જઈ રહ્યા છે એ સૌ સમજી ગયા હતા. ઉદ્ધવ લાઈવ આવ્યા અને ભાષણ આપ્યું કે તેઓ (ભાજપ) એ બાબતની ઉજવણી કરી રહ્યા છે કે તેમણે બાળાસાહેબ ઠાકરેના પુત્રને સીએમપદ પરથી હટાવ્યા અને શિવસેના પાસેથી સત્તા છીનવી લીધી. અમે તેમની પાસેથી આ ખુશી છીનવીશું નહીં. હું શિવસૈનિકોને અપીલ કરું છું કે તેઓ તેમના માર્ગમાં ન આવે. ઉદ્ધવ પાસે તક હતી કે શરદ પવારની વાતમાં ન આવીને ભાજપની સાથે રહીને સરકારમાં રહી શક્યા હોત, પણ મુખ્યમંત્રી બનવાની લાલસાએ ઠાકરેની સત્તા જ છીનવી લીધી, પણ શિંદેએ એવું ન કર્યું. તેમણે મુખ્યમંત્રીપદને મહત્ત્વ ન આપીને ભાજપની સાથે રહેવાનું પસંદ કર્યું. એકનાથ શિંદેએ મીડિયા સામે શું સ્પષ્ટતા કરી?
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પછી એકનાથ શિંદે પહેલીવાર મીડિયા સામે આવ્યા હતા. તેમણે કહ્યું, સામાન્ય માણસને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ હું સમજું છું. મેં ક્યારેય મારી જાતને મુખ્યમંત્રી નથી માન્યા. મેં હંમેશાં એક સામાન્ય માણસ તરીકે કામ કર્યું છે. હું જોતો આવ્યો છું કે પરિવારને કેવી રીતે ચાલાવાય. મેં વિચાર્યું કે જ્યારે મારી પાસે સત્તા આવશે ત્યારે જેઓ પીડિત છે તેમના માટે યોજનાઓ લાવીશું. હું લાડકી બહેન યોજના લાવ્યો. બીજી ઘણી યોજના લાવ્યો. CM તરીકે મેં 124 નિર્ણયો લીધા. અમે અઢી વર્ષ સુધી સરકાર ચલાવી. આ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારનો પૂરતો સપોર્ટ રહ્યો. અમારા દરેક પ્રસ્તાવને સમર્થન મળ્યું. રાજ્ય ચલાવવા માટે કેન્દ્ર સરકારનું સમર્થન જરૂરી છે. શિંદેએ આગળ કહ્યું, મેં મોદીજી – શાહજીને ફોન કર્યો. મેં તેમને કહ્યું કે તમે જે પણ નિર્ણય લેશો, અમે એને સ્વીકારીશું. ભાજપની બેઠકમાં મુખ્યમંત્રીપદ માટે તમારા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે એ પણ અમને સ્વીકાર્ય છે. સરકાર બનાવવામાં અમે અડચણરૂપ નહીં બનીએ. મને પદની ઝંખના નથી. અમે લોકો લડતા નથી. અમે કામ કરતા લોકો છીએ. મેં પીએમ અને ગૃહમંત્રીને પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોઈ સ્પીડબ્રેકર નથી, કોઈ ગુસ્સો નથી, કોઈ ગાયબ નથી. અહીં કોઈ મતભેદ નથી. એક સ્પીડબ્રેકર હતું, એ મહાવિકાસ આઘાડી હતું, એને હટાવી દેવામાં આવ્યું છે. જેના નામની ચર્ચા હોય તેના મુખે જ જાહેરાત થાય!
ભાજપની મોડેસ ઓપરેન્ડી એવી રહી છે કે જેના નામની ચર્ચા થઈ રહી હોય તેના જ મુખે બીજાના નામની જાહેરાત કરાવે અથવા પ્રસ્તાવ મુકાવે. કાં તો પછી સ્પષ્ટતા પણ કરાવી દે. ભાજપની આ સ્ટાઈલ છે. રાજસ્થાન, હરિયાણા અને હવે મહારાષ્ટ્રના દાખલા આપણી સામે છે. છેલ્લે, એકનાથ શિંદે જીત પછી પહેલીવાર મીડિયા સામે આવ્યા હતા. કોઈએ પૂછ્યું કે તમારો આગળનો પ્લાન શું છે? ત્યારે શિંદેએ એક પંક્તિથી જવાબ આપ્યો હતો… જીવન મેં અસલી ઉડાન અભી બાકી હૈ,
અભી તો નાપી હૈ સિર્ફ મુઠ્ઠીભર જમીન,
અભી તો સારા આસમાન બાકી હૈ. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી )