લગભગ 2 મહિના પછી કમબેક કરી રહેલા પૂર્વ કિવી કેપ્ટન કેન વિલિયમસને ઇંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં અડધી સદી ફટકારી છે. ઇંગ્લેન્ડના ન્યૂઝીલેન્ડ પ્રવાસની પ્રથમ મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહી છે. ગુરુવારે પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ન્યૂઝીલેન્ડે 8 વિકેટે 319 રન બનાવી લીધા હતા. ગ્લેન ફિલિપ્સ 41 અને ટિમ સાઉથી 10 રન બનાવીને અણનમ છે. કિવિઝ તરફથી કેન વિલિયમસને સૌથી વધુ 93 રનની ઇનિંગ રમી હતી. ઈજા બાદ તે ટેસ્ટમાં કમબેક કરી રહ્યો છે. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં શ્રીલંકા સામે રમી હતી. ઈજાના કારણે તે ભારત પ્રવાસમાં ટીમનો ભાગ નહોતો. વિલિયમસન 7 રનથી સદી ચૂકી ગયો, કેપ્ટન લાથમે 3 રને ફિફ્ટી ચૂક્યો
વિલિયમસન માત્ર 7 રનથી પોતાની સદી ચૂકી ગયો હતો. તે 93ના સ્કોર પર રમી રહ્યો હતો, જ્યારે ગોસ એટકિન્સનના એક્સ્ટ્રા બાઉન્સ લેતા બોલ પર જેક ક્રોલીના હાથે કેચ આઉટ થયો હતો. વિલિયમસન છેલ્લા 6 વર્ષમાં પ્રથમ વખત નર્વસ-90નો શિકાર બન્યો હતો. તે જ સમયે, કેપ્ટન ટોમ લાથમ (47 રન) બ્રાઈડન કાર્સે વિકેટકીપર ઓલી પોપના હાથે કેચ આઉટ થયો હતો. 4 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી, કોનવેએ માત્ર 2 રન બનાવ્યા
ટૉસ હાર્યા બાદ બેટિંગ કરી રહેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 4 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. ડેવોન કોનવે ગોસ એટકિન્સનના હાથે કેચ એન્ડ બોલ્ડ થયો હતો. યુવા રચિન રવીન્દ્રએ 34 રનનું યોગદાન આપ્યું હતું. ડેરીલ મિચેલ માત્ર 19 રન બનાવી શક્યો હતો. એટકિન્સન અને કાર્સને 2-2 વિકેટ મળી
ઇંગ્લેન્ડ તરફથી ગોસ એટકિન્સન અને બ્રાઈડન કાર્સે 2-2 વિકેટ લીધી હતી. શોએબ બસીરે એક વિકેટ લીધી હતી.