હાલમાં BZ ગ્રુપના કરોડો રૂપિયાના કૌભાંડનો મામલો સામે આવ્યો છે. આ દરમિયાન એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થઇ રહ્યો છે, જેમાં BZના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ ખુદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં ધવલસિંહ ઝાલા બોલી રહ્યા છે કે એકના બે અને બેના ચાર કેવી રીતે કરવા તે મિત્ર ભૂપેન્દ્રસિંહને સારું આવડે છે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. જેમને રૂપિયા ડબલ કરતા આવડે તે બધું જ કરી શકે છે. ધવલસિંહ ઝાલાએ વીડિયો વાઈરલ થયા બાદ કર્યો ખુલાસો
બીઝેડ ગ્રુપ પર દરોડા બાદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જે બાદ ધવલસિંહ ઝાલાએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, તમામ નાગરિકોને કહેવા માંગુ છે કે જે પ્રકારે મારો વીડિયો ચાલ્યો છે અને તેની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે તેમાં ક્યાંકને ક્યાંક ખોટી રીતે મારીમચડીને લોકો સમજી રહ્યા છે, તેમજ ક્યાંક બતાવી રહ્યાં છે. તો એવા સંજોગોમાં સ્પષ્ટીકરણ સાથે કહેવા માગુ છે કે એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે કે જે સંસ્થાની અંદર એકથી વધીને બે અને બેથી વધીને ત્રણ કે ચાર. એટલે 5 હજારથી લઈને 25 કે 50 હજાર સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે. હું એજ્યુકેશનનો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું. એટલે વિશ્વાસ અપાવી સંસ્થાનો ગ્રોથ થાય તેના માટેની ચર્ચા કરી છે. આ વાતને બીજી કોઈ રીતે ગણવી નહીં તેમ ધવલસિંહ ઝાલાએ બધાને અપીલ કરી હતી. BZ સંસ્કાર સ્કુલ નામની શાળા ચાર મહિના અગાઉ જ ખરીદી હતી
BZ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ ખરીદ્યા બાદ વધુ એક શૈક્ષણિક સંસ્થા ખરીદી હતી. હિંમતનગરના રાયગઢ ગામે બીઝેડ ગ્રુપે નવી ખાનગી શાળા અંદાજે 2 કરોડ જેટલી રકમમાં ખરીદી હતી અને તેનું નામ ‘બીઝેડ સંસ્કાર સ્કૂલ’ નામ રાખ્યું હતું. એકના ડબલ કરવા ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓનું વેચાણ બાદ શૈક્ષણિક સંસ્થાઓ પણ બીઝેડ ગ્રુપ ખરીદી રહ્યું હતું. BZ કંપનીની ઓફિસો પર મંગળવારે CID ક્રાઇમની રેડ
સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રોકાણકારોને આકર્ષતી તગડું વ્યાજ આપતી BZ કંપનીની ખાનગી ઓફિસો પર મંગળવારે CID ક્રાઇમની ટીમે એકસાથે સંચાલકો તથા તેમના એજન્ટોની 6 જિલ્લામાં આવેલી ઓફિસો પર રેડ કરી હતી. ભાજપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની BZ ફાઇનાન્શિયલ સર્વિસીઝ દ્વારા 36 ટકા વ્યાજ અને ગોવા ફરવાની લાલચો આપી 6000 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. બોલિવૂડ એક્ટર સોનુ સૂદ દ્વારા ભૂપેન્દ્ર ઝાલાનું સન્માન થયેલું છે
ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ઝાલા BZ ફાઈનાન્શિયલના CEO છે અને હાલ ભૂગર્ભમાં ઊતરી ગયા છે. તેમનું બોલિવૂડ એક્ટર સોનુ સૂદ દ્વારા સન્માન પણ થઈ ચૂક્યું છે. માત્ર એટલું જ નહીં, સોનાનો તાજ પહેરવાથી લઈ લેક્સસ અને લેમ્બોર્ગિની જેવી લક્ઝુરિયસ કારના શોખ ધરાવે છે. CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત એજન્ટો ભૂગર્ભમાં
પોલીસના દરોડાના પગલે BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત એજન્ટો ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. જ્યારે 2 બેંક એકાઉન્ટમાંથી રૂ.175 કરોડનાં ટ્રાન્ઝેકશન મળ્યાં છે. સીઆઈડી ક્રાઈમના અધિકારીઓનું કહેવું છે કે થોડા સમય પહેલાં અમને એક નનામી અરજી મળી હતી,. જેમાં બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ અને બીઝેડ ગ્રુપના સીઇઓ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ગુજરાત તેમજ રાજસ્થાનમાં ઓફિસો શરૂ કરી હતી, જ્યાં એજન્ટોની ચેઈન ગોઠવીને રોકાણકારોને ફિક્સ ડિપોઝિટ 3 વર્ષમાં ડબલ કરી આપવાનું કહીને તેમજ રોકાણ પર માસિક 3 ટકા વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ કરાવવામાં આવતું હતું. 2020-21થી પોન્ઝી સ્કિમ ચાલી રહી હતી: એડિશનલ DGP, CID ક્રાઈમ
આ અંગે સીઆઇડી ક્રાઇમના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયને જણાવ્યું કે, લગભગ બે મહિના પહેલા CID ક્રાઇમને માહિતી મળી હતી કે હિંમતનગર, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર અને વડોદરા જિલ્લામાં કોઈ એક સંસ્થા દ્વારા પોન્ઝી સ્કિમ ચલાવવામાં આવી રહી છે. તો અમારી સર્વેલન્સ તપાસમાં જાણવા મળ્યું કે લોકોને છેતરીને પૈસા એકઠાં કરી રહ્યા હતા. તે બાદ અમે મંગળવારે(26 નવેમ્બરે) પાંચ જિલ્લામાં રેડ પાડી હતી. જેમાં BZ ગ્રુપની ઓફિસોમાંથી પોન્ઝી સ્કિમના ડોક્યુમેન્ટસ તેમજ ત્યાં કામ કરતા માણસો મળ્યા હતા. તેમજ સ્થળ પરથી એજન્ટ આનંદ દરજી મળ્યો હતો. જેની પૂછપરછમાં જાણવા મળ્યું કે 2020-21થી પોન્ઝી સ્કિમ ચલાવવામાં આવી રહી હતી. તેના મુખ્ય સુત્રધાર ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા અને તેની મુખ્ય ઓફિસ રણાસણ, તા.તલોદ જિ.સાબરકાંઠામાં આવેલ છે તેમજ દરેક જિલ્લામાં તેની ઓફિસ આવેલી છે. તેમના મુખ્ય ટાર્ગેટ શિક્ષકો અને નિવૃત સરકારી કર્મચારીઓ હતા. એક વર્ષમાં 36% રિટર્નની લાલચ આપવામાં આવતી
તેમને લાલચ આપવામાં આવતી હતી કે ઈન્વેસ્ટમેન્ટ કર્યા બાદ 1 વર્ષ બાદ 36% રિટર્ન આપવામાં આવશે. એગ્રીમેન્ટમાં 7% બતાવવામાં આવતું હતું પરંતુ મૌખિકમાં કહેવામાં આવતું કે મહિને 3% અથવા વાર્ષિક 36% રિટર્ન મળશે. સાથોસાથ જે લોકો ઈન્વેસ્ટ કરે તેને ગીફટરૂપે મોબાઈલ ફોન, ટી.વી સેટ વગેરે વસ્તુઓ આપવામાં આવતી હતી. આ સાથે તેમના જે એજન્ટો હતા તેમને પણ મોટું ઈન્સેટીવ 5%થી લઈને 25% સુધી આપવામાં આવતું હતું. CID ક્રાઈમની ટીમે એક એજન્ટ અને 6 સર્વેલન્સને પકડ્યા
પાંડિયને જણાવ્યું કે, દરેક પોન્ઝી સ્કિમમાં આવું જ હોય છે કે શરૂઆતમાં તુરંત જ પૈસા રિટર્ન આપવામાં આવે જેથી તેઓમાં વિશ્વાસ પેદા અને તેમના મારફતે અન્ય રોકાણકારોને પણ તેમાં જોડાવી શકે. ત્યારબાદ એક સ્ટેજ આવ્યા પછી પૈસા આપવાનું બંધ કરી દે છે. અમને તપાસમાં જાણવા મળ્યું કે લોકો હજુ પણ તેમાં પૈસા આપી રહ્યા છે. જેથી અમારી ટીમે 6 જગ્યાએ રેડ પાડી હતી અને 16 લાખ જેટલી રોકડ રકમ, કોમ્પ્યુટર, ફોન, સ્ટેપ્સ, ડોક્યુમેન્ટસ મળી આવ્યા હતા. હાલમાં CID ક્રાઈમની ટીમે એક એજન્ટ અને 6 સર્વેલન્સને પકડ્યા છે. આમાં કેટલા લોકો સંકળાયેલા છે તે પબ્લિક સામેથી આવશે ત્યારે ખબર પડશે કે કોણ-કોણ જોડાયેલા છે. 5 લાખના રોકાણ પર TV-મોબાઈલ અને 10 લાખ પર ગોવા ટ્રીપ ફ્રી
આ સાથે જુદી જુદી જગ્યાએ ઓફિસો ખોલી જાહેર જનતાના નાણાં ઉઘરાવી રાષ્ટ્રીયકૃત બેન્કો તેમજ અન્ય નાણાકીય સંસ્થા કરતા વધુ ઉંચા વળતરની લાલચો જેવી કે રોકાણકારો જો 5 લાખનું રોકાણ કરે તો તેના પર 32 ઇંચનું ટી.વી. અથવા મોબાઇલ તથા 10 લાખનું રોકાણ કરે તો રોકાણકારને ગોવાનો પ્રવાસ તથા ફીક્સ એફ.ડી અને રોકાણ ઉપર 7% વ્યાજ લેખિતમાં તથા મૌખિક 18% વ્યાજ આપવાની જાહેરાતો આપી રોકાણકારોને વિશ્વાસમાં લેવા માટે શરૂઆતના રોકાણ ઉપર જણાવ્યા મુજબનું વળતર/વ્યાજ/નફો આપી રોકાણકારોનો વિશ્વાસ સંપાદન કરી લઈ આશરે રૂ.6000/- કરોડનું રોકાણ કરાવડાવી તે નાણાંનો રોકાણકારોને એગ્રીમેન્ટ કરી આપી છેતરપીંડી કરી હોવાનું જણાઇ આવ્યું હતું. 175 કરોડના ટ્રાન્જેક્શન તપાસમાં બહાર આવ્યા
બી.ઝેડ ફાયનાન્સીયલ સર્વીસના નામના બેન્ક ખાતાઓની માહિતી મેળવતા જેમાં IDFC બેંક એકાઉન્ટમાં રૂ.75.12 કરોડ તથા ICICI બેંક એકાઉન્ટમાં રૂ.100.20 કરોડ આમ કુલ 175 કરોડના ટ્રાન્જેક્શન જણાઇ આવ્યું હતું. જેમાંથી ઘણા બધા ટ્રાન્જેક્શન શંકાસ્પદ છે. BZ ગ્રુપની પેઢી/કંપનીઓ
(1)ઓફીસ નં-05,ક્રિષ્ણા કોમ્પ્લેક્ષ, રોયલ સ્કૂલની બાજુમાં ગામ- રણાસણ, તા.તલોદ જી.સાબરકાંઠા
(2) બીજો માળ, વ્યાપાર ભવન કોમ્પ્લેક્ષ, બહુમાલી પાસે, ન્યાયમંદિર હિમંતનગર જિ.સાબરકાંઠા
(3) પ્રથમ માળ, અક્ષર આર્કેડ,ટી.બી.રોડ, શિવાલીક પ્લાઝાની સામે વિજાપુર, જિ.મહેસાણા
(4) દુકાન નં.106, સંસ્કૃતી કોમ્પલેક્ષ, આર.બી.એલ બેંકની પાસે, સહયોગ ચાર રસ્તા, હોટલ સાગર ઇનની બાજુમાં તા.મોડાસા જિ.અરવલ્લી
(5) શ્રીજી કોમ્પેક્ષ, ગોકુલ હોટલની સામે, મોડાસા રોડ, માલપુર, જિ.અરવલ્લી
(6) 207, બીજો માળ, વ્હાઇટ હાઉસ, સેકટર-11, જિ.ગાંધીનગર 7 અધિકારીની અલગઅલગ ટીમ બનાવી 7 જગ્યાએ રેડ પાડી
ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા (રહે.ઝાલાનગર, રાયગઢ, તા. હિમંતનગર જી. સાબરકાંઠા)એ તથા તેમના મળતીયાઓએ ભેગા મળી BZ ફાઈનાન્સ સર્વીસ તથા BZ ગ્રુપ બનાવી તે ગ્રુપની બી.ઝેડ ફાયનાન્સીયલ સર્વીસ તથા બી. ઝેડ ઇન્ટરનેશનલ બ્રોકીંગ પ્રા.લી તથા બી.ઝેડ ટ્રેડર્સ તથા બી.ઝેડ ગુપ ઓફ મેનેજમેન્ટ વગેરે નામની અલગ અલગ કંપનીઓ ખોલી રોકાણકારો પાસેથી નાણાં ઉઘરાવવા માટે સરકાર કે આર.બી.આઈ/અધિકૃત સંસ્થા પાસેથી કોઈ પરવાનગી નહીં મેળવી ખૂબ જ મોટા પ્રમાણમાં ચીટ ફંડ ઘોટાળો આચર્યું હોય તેવું અરજીની ખાનગી તપાસમાં જણાઈ આવતા CID ક્રાઇમના 7 અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવી ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા. ગ્રોમોર શૈક્ષણિક કેમ્પસમાં CIDની તપાસ
સીઆઈડી ક્રાઈમની ટીમ ગ્રોમોર શૈક્ષણિક કેમ્પસ પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. ગ્રોમોર કેમ્પસને બીઝેડ ગ્રુપના સંચાલકે એક વર્ષ અગાઉ જ ખરીદ્યુ હતું. સોદો થયા મુજબ પૈસા નહિં ચુકવાતા કેમ્પસ પર મૂળ માલિકોએ કબજો પરત લીધો હતો. જોકે કેમ્પસના કેટલાક હિસ્સાનો વપરાશ ભૂપેન્દ્ર ઝાલા કરતો હોઈ તપાસ હાથ ધરાઈ હતી. તપાસના અંતે વધુ ખુલાસા થવાની સંભાવના સેવાઇ રહી છે. ગ્રોમોર કોલેજ-શાળાના પ્રિન્સિપાલ સહિતના વહિવટી સ્ટાફને હાજર રખાયો હતો. સ્ટાફની હાજરીમાં જ કોલેજ, શાળા, હોસ્ટેલ સહિત વહિવટી ઓફિસમાં મહત્ત્વના દસ્તાવેજો અને અન્ય શંકાસ્પદ વસ્તુઓ મળવાની આશંકાએ સર્ચ હાથ ધરાયું હતું. ભૂપેન્દ્ર ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષમાં ફોર્મ ભરી પાછું ખેંચ્યું હતું
સંચાલક ભૂપેન્દ્ર ઝાલા દરોડાની કાર્યવાહી બાદ ભૂગર્ભમાં ઊતરી ગયો છે. કરોડો રૂપિયાના રોકાણ મેળવી ભૂપેન્દ્ર ઝાલા એકાએક ભૂગર્ભમાં ઊતરતાં રોકાણકારોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ગેરકાયદે રીતે લોભામણી લાલચો વડે રોકાણ કરાવતા હોવાને લઈ CID ટીમે દરોડો પાડી એજન્ટોની પૂછપરછ કરી હતી. બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે ધાર્યો માહોલ નહિ જામતા ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું. ઉમેદવારી ફોર્મ સાથે એફિડેવિટમાં ઈન્કમટેક્સ રિટર્નમાં માત્ર 17.94 લાખની આવક દર્શાવી હતી. વર્ષ 2018-19માં માત્ર 4.98 લાખની આવક હતી, જ્યારે વર્ષ 2021-22માં 9.79 લાખ રૂપિયા આવક હતી. માત્ર નજીવી આવક સામે 6000 કરોડનું રોકાણ મેળવ્યું હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે. સોનુ સૂદે ભૂપેન્દ્ર ઝાલાને સન્માનિત કર્યા હતા
મુંબઈ ખાતે યોજાયેલા BIAA બોલિવૂડ એવોર્ડ કાર્યક્રમમાં બોલિવૂડ એક્ટર સોનુ સૂદે BZ ગ્રુપના સીઇઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાને એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા, સાથે સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સોનુ સૂદને હસ્તકલા આર્ટ ભેટમાં આપી હતી. રોકાણકારોને નાણાં પરત કેવી રીતે મળશે એ મોટો સવાલ
રોકાણકારોનાં નાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યા કે કેમ એની આશંકા હાલ સેવાઈ રહી છે. મહિને એક ટકાના લાલચમાં એજન્ટોએ કરોડોનું રોકાણ કરાવ્યું હતું. રોકાણકારને ત્રણેક વર્ષમાં જ એકના ડબલ કરવાની લોભામણી લાલચ દર્શાવી હતી. મોટી સંખ્યામાં રોકાણકારો ખેડૂતો, શિક્ષકો અને પોલીસકર્મચારીઓ, અધિકારીઓ છે. સતત બીજે દિવસે બીઝેડ ગ્રુપની તમામ ઓફિસોનાં શટર બંધ જોવા મળ્યાં હતાં. પોન્ઝી સ્કીમનો ચાલતો હતો બોગસ ધંધો
આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, હિંમતનગર તાલુકાના એક ગામમાં રહેતા ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા BZ પોન્ઝી સ્કીમના નામે ધંધો શરૂ કરાયો હતો. શરૂઆતમાં તેમણે હિંમતનગર, રણાસણ, ગાંભોઇ, રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં એજન્ટો રોકીને રોકાણકારોને આકર્ષવા માટે પોન્ઝી સ્કીમની સમજ આપવામાં આવતી હતી. રોકાણકારોને દર મહિને તગડું વ્યાજ આપવામાં આવતું હતું. એના લીધે BZ ગ્રુપ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો સુધી પથરાઇ ગયો હતો. મંગળવારે હિંમતનગર સહિત અરવલ્લી અને ઉત્તર ગુજરાતમાં આવેલી BZ ગ્રુપની શાખાઓમાં CID ક્રાઇમે એકીસાથે દરોડો પાડીને દસ્તાવેજી પુરાવા કબજે લઇ લીધા છે. હિંમતનગરની ઓફિસમાંથી 20 લાખ રોકડ અને દસ્તાવેજો મળ્યા
હિંમતનગરમાં વ્યાપાર ભવન ખાતે આવેલી બીજે માળની BZની ઓફિસમાં CIDની રેડ સવારથી ચાલી રહી હતી, જેમાં કેટલાક એજન્ટો પણ હતા, જેમની તપાસણી બાદ અંદાજે રૂ. 20 લાખથી વધુ રકમ અને મોટા પ્રમાણમાં દસ્તાવેજો મળ્યા છે, એની કામગીરી મોડીરાત સુધી ચાલી રહી હતી. જ્યારે એક વાહનના દસ્તાવેજો પણ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો CIDની અલગ અલગ ટીમોએ સવારથી હિંમતનગર સહિત ગુજરાતભરમાં રેડ કરી હતી. ગાંધીનગર, વડોદરા, હિંમતનગર, વિજાપુર, મોડાસા, રણાસણમાં CIDનું સર્ચ
આ કંપનીએ રાષ્ટ્રીય કૃત બેંકો તેમજ નાણાકીય સંસ્થાઓ કરતાં પણ વધારે વ્યાજ અને વળતરની લાલચ આપી લોકો પાસેથી રૂ.6 હજાર કરોડ ઊઘરાવી લીધા હતા. CIDની ટીમે આ નનામી અરજીની તપાસ કરતાં કંપનીએ ગુજરાતમાં તલોદ જિલ્લાના રણાસણ, હિંમતનગર, વિજાપુર, મોડાસા, ગાંધીનગર, વડોદરા અને અરવલ્લી જિલ્લાના માલપુરમાં ઓફિસો શરૂ કરી હતી. એજેન્ટોના આધારે સીઆઈડી ક્રાઈમના 50થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓની 7 ટીમે એકસાથે તમામ ઓફિસોમાં દરોડા પાડ્યા હતા, જેમાંથી મોટા ભાગની ઓફિસોમાંથી મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા. 2 બેંક ખાતાંમાં 175 કરોડનાં ટ્રાન્ઝેક્શન મળ્યાં
આ સાથે પોલીસને 2 બેંક એકાઉન્ટ મળ્યાં હતાં. એ બંને બેંક એકાઉન્ટમાં રૂ.175 કરોડનાં ટ્રાન્ઝેક્શન થયાં હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસનું કહેવું છે કે આ તમામ ડોક્યુમેન્ટ્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જરૂર જણાશે તો આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે રાજસ્થાનમાં આવેલી ઓફિસોમાં દરોડા પાડતાં રાજસ્થાન પોલીસ સાથે સંકલન કરી તેમને જાણ કરવામાં આવી હતી. ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ઝાલા બિઝેડ ગ્રુપના સીઇઓ
પોલીસનું કહેવું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અન્ય શહેરો, જિલ્લા તેમજ ગામડાંમાં પણ ઓફિસો શરૂ કરી હતી, જેનું સંચાલન એજન્ટો કરતા હતા, આથી જે ઓફિસોમાં દરોડા પાડવામાં આવ્યા છે એ સિવાયની અન્ય ઓફિસનાં સરનામાં મેળવવામાં આવ્યાં છે. બુધવારે પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવશે. આ સાથે પોલીસે સ્ટાફ મેમ્બર્સની પણ પૂછપરછ શરૂ કરી છે. ઓફિસોમાંથી આ ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા સીઇઓ તેમજ એજન્ટો ફરાર થઈ ગયા
પોલીસનું કહેવું છે કે દરોડામાં એકપણ ઓફિસમાંથી સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે એકપણ એજન્ટ મળ્યા ન હતા. દરેક જગ્યાએથી ઓફિસમાં નોકરી કરતા કર્મચારીઓ મળ્યા હતા, જોકે તેઓ આ કૌભાંડ વિશે કશું જાણતા ન હતા, જેથી પોલીસે ભૂપેન્દ્રસિંહની શોધખોળ શરૂ કરી એજન્ટોનાં નામ – સરનામાં મેળવીને તેમને પકડવા તજવીજ શરૂ કરી હતી.