ભાવનગરના હાથબ ગામે ઘરકંકાસનું ગંભીર પરિણામ આવ્યું છે, જ્યાં ખેત શ્રમજીવી પરિવારની પરિણીતાએ દિયર, સાસુ અને સસરાના ત્રાસથી બન્ને પુત્રીઓ સાથે અગ્નિસ્નાન કરી લીધું હતું. ગંભીર હાલતમાં ત્રણેયને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. સમગ્ર મામલે મહિલાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સાસુ-સસરા અને દિયરે પરિણીતાને ત્રાસ આપતાં હતાં
આ બનાવ અંગે ઘોઘા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર, પુત્રીઓ સાથે અગ્નિસ્નાન કરનાર નયનાબેનના પિતા હીરાભાઈ કુકાભાઈ બારૈયાએ ઘોઘા પોલીસ મથકે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે નયનાબેનના લગ્ન આજથી બારેક વર્ષ પહેલાં હાથબ ગામે રહેતા ભાવેશ ભરતભાઈ ગોહિલ સાથે થયા હતા. તેમની આ દીકરીને સંતાનમાં બે દીકરીઓ છે, જેમાં મોટી દીકરી પ્રતીક્ષા (ઉં.વ.9) તથા નાની પુત્રી ઉર્વીશા (ઉં.વ.5) છે. દીકરી અને જમાઈ છેલ્લાં ચાર વર્ષથી સાસુ-સસરા અને દિયરથી અલગ રહે છે. મારી દીકરીએ મને વાત કરી હતી કે દિયર મેહુલ, સાસુ ચકુબેન તેમજ સસરા ભરત પોપટભાઈ ગોહિલ હું ખેતીવાડી કામ કરવા જતી ન હતી, તેથી મને અવારનવાર મેણાં-ટોણાં મારી ત્રાસ આપે છે તેમજ દિયરે માર પણ માર્યો હતો. મહિલા તથા તેની પુત્રીઓ ભડભડ સળગી ઊઠી
ભાવનગર જિલ્લાના હાથબ ગામે આવેલા હાથબ બંગલા પાસે એક વાડીમાં ભાવેશ ભરત ગોહિલ નામનો ખેત શ્રમજીવી યુવાન તેની પત્ની નીતા ઉર્ફે નયના, મોટી પુત્રી પ્રતીક્ષા તથા નાની પુત્રી ઉર્વીશા સાથે રહે છે. ગત સવારના સમયે દિયર, સાસુ-સસરાના ત્રાસથી ભાવેશની પત્ની નીતા ઉર્ફે નયના સૌપ્રથમ તેના ઘરમાં કોઈ જ્વલનશીલ પ્રવાહી લઈને મોટી પુત્રી પ્રતીક્ષા તેમજ નાની પુત્રી ઉર્વીશાને કોળિયાક બાજુ બાવળની કાંટમાં લઈ ગયાં હતાં, જ્યાં તેમના પર જ્વલનશીલ પદાર્થ જેવું પ્રવાહી છાંટી દીધું હતું. એ બાદ ખુદ પર પણ આ પ્રવાહી છાંટી દીવાસળી ચાપી દેતાં મહિલા તથા તેની પુત્રીઓ ભડભડ સળગી ઊઠ્યાં હતાં. ત્રણેય હોસ્પિટલમાં સારવાર હેઠળ, માતાની હાલત ગંભીર
આ બનાવની જાણ પતિ ભાવેશ તથા આસપાસના રહીશોને થતાં સૌ દોડી આવ્યા હતા અને પરિણીતા તેમજ સંતાનો પર લાગેલી આગ બુઝાવી તત્કાલ સારવાર અર્થે સૌપ્રથમ કોળિયાક સીએચસી સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. માતા તથા બંને પુત્રીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જેમાં માતાની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ બનાવની જાણ ઘોઘા પોલીસને થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ભાવેશ તથા અન્ય પરિવારજનોનાં નિવેદનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મહિલાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
બંને પુત્રી સાથે અગ્નિસ્નાન કરનારાં નયનાબેનના પિતા હીરાભાઈ કુકાભાઈ બારૈયાએ તેના દિયર મેહુલ ભરતભાઈ ગોહિલ, સાસુ ચકુબેન ભરતભાઈ ગોહિલ તથા સસરા ભરતભાઈ પોપટભાઈ ગોહિલ વિરુદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.