સરદારધામના ઉપપ્રમુખ અને ભાજપના પૂર્વ કોર્પોરેટર જયંતી સરધારા પર થયેલા હુમલાની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકમાં જ પીઆઇ સંજય પાદરિયા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો, પોલીસની આ ત્વરિત કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠ્યા હતા ત્યારે તબીબી અભિપ્રાય મળતા જ પોલીસ હવે ખૂનની કોશિશની કલમને બદલે મહાવ્યથા મુજબની કલમ રાખવા કોર્ટમાં રિપોર્ટ કરશે તેમજ સરધારાએ કરેલા હુમલામાં પણ પીઆઇ પાદરિયાની ફરિયાદ નોંધાશે. દિવ્ય ભાસ્કરે ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા સાથે આ મામલે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે, ઘટના બાદ હોસ્પિટલના બિછાને પડેલા જયંતી સરધારાએ જે મુજબ તેમના પર હુમલો થયો અને હથિયારના ઘા ઝીંકાયાની વાત કરી હતી જેમના પરથી હુમલાખોર પીઆઇ સંજય પાદરિયા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જોકે આ મામલે તબીબી અભિપ્રાય મળ્યે કલમ હળવી કરવાના સંકેત પણ સાથોસાથ આપવામાં આવ્યા હતા, શુક્રવારે ડોક્ટરનો રિપોર્ટ મળ્યો છે અને તે મુજબ સરધારાને મહાવ્યથા મુજબની ઇજા થઇ છે તેમજ સીસીટીવી ફૂટેજમાં હાલના તબક્કે પણ હથિયાર દેખાતું ન હોવાથી આગામી દિવસોમાં ખૂનની કોશિશની કલમ હટાવી મહાવ્યથાની કલમ હેઠળ ગુનો રાખવા કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે. ઘટના બાદ ફરાર થઇ ગયેલા પીઆઇ સંજય પાદરિયાને સસ્પેન્ડ કરી દેવાયા છે અને હજુ સુધી તે પોલીસને હાથ આવ્યા નથી, ઘટના બાદ અન્ય સીસીટીવી ફૂટેજ ફરતા થયા હતા અને તેમાં સરધારાએ પીઆઇ પાદરિયાનો કાંઠલો પકડ્યાનું અને તેમને લાત મારી હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે, પીઆઇ પાદરિયા વતી તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમના કોઇ સંબંધીએ સરધારા સામે ગુનો નોંધવાની અરજી કરી છે, પોલીસે હજુ સુધી આ મામલે કોઇ કાર્યવાહી કરી નથી, ડીસીપી બાંગરવાએ કહ્યુંહતું કે, પાદરિયા રૂબરૂ આવીને ફરિયાદ કરી શકે છે અથવા તેમના વકીલ ફરિયાદ રજૂ કરશે તે સાથે જ સરધારા સામે પણ ગુનો નોંધવામાં આવશે.