સીરિયામાં બળવાખોર જૂથે દેશના બીજા સૌથી મોટા શહેર અલેપ્પો અને ઇદલિબના અડધાથી વધુ વિસ્તાર પર કબજો કરી લીધો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, બળવાખોર જૂથમાં હયાત તહરિર અલ-શમ (HTS) અને તેની સાથે જોડાયેલા સંગઠનોનો સમાવેશ થાય છે. તેમને અલકાયદાનું સમર્થન છે. 2016માં સીરિયન આર્મીએ બળવાખોરોને ભગાડી મુક્યા હતા. 8 વર્ષમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ વિદ્રોહી જૂથે અલેપ્પો પર કબજો કર્યો હોય. HTSએ 27 નવેમ્બરના રોજ હુમલો કર્યો અને શહેરમાં પ્રવેશ કર્યો અને ઘણી સૈન્ય ઠેકાણાંઓ પર કબજો કર્યો. સીરિયાની સરકારે શનિવારે અલેપ્પો એરપોર્ટ, હોસ્પિટલ અને શહેર સાથે જોડાયેલા તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા. આ દરમિયાન રશિયાએ સીરિયાની સરકારને મદદ કરવાનું શરૂ કરી દીધું છે. મોસ્કો ટાઈમ્સ અનુસાર, શુક્રવારે રશિયન દળોએ બળવાખોરો અને તેમના હથિયારોના ગોડાઉન પર ઘાતક બોમ્બમારો કર્યો હતો. રશિયન સેનાએ છેલ્લા 24 કલાકમાં 23 બળવાખોરોની જગ્યાઓ પર હુમલો કરવાનો અને 200થી વધુ બળવાખોરોને મારવાનો દાવો કર્યો છે. 3 દિવસ પહેલા શરૂ થયેલો આ હુમલો બશર અલ-અસદ સરકાર માટે મોટો પડકાર બની ગયો છે. અથડામણમાં અત્યાર સુધીમાં બંને પક્ષોના 250થી વધુ લોકો માર્યા ગયા છે. સીરિયામાં છેલ્લા ચાર વર્ષમાં આ સૌથી મોટો હુમલો વિદ્રોહી જૂથોએ ફરી એકવાર સીરિયામાં મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં લગભગ 100 લોકોના મોત થયા છે. આ વખતે વિદ્રોહીઓએ અલેપ્પોને નિશાન બનાવ્યું છે. આવી સ્થિતિમાં, જો હુમલાઓ સમયસર રોકવામાં નહીં આવે તો, સીરિયાનું શાસન હયાત તહરિર-અલ-શામના નેતૃત્વવાળા વિપક્ષી જૂથોના હાથે અલેપ્પો જેવા મોટા શહેરને ગુમાવવાની કગારે આવી શકે છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલના સમયમાં સીરિયાનું શાસન નબળું પડ્યું છે અને તેનું સૌથી મોટું કારણ ઈરાનની નબળી પડતી પકડ હોવાનું કહેવાય છે. સીરિયામાં છેલ્લા ચાર વર્ષમાં આ સૌથી મોટો હુમલો કહેવામાં આવી રહ્યો છે. રશિયાએ મદદ મોકલી, ઈરાન પણ મદદ કરી શકે છે રિપોર્ટ મુજબ રાષ્ટ્રપતિ અસદના બે સૌથી મોટા સહયોગી ઈરાન, હિઝબુલ્લાહ અને રશિયા અન્ય એક મામલામાં અટવાયા છે. રશિયા યુક્રેન સામે યુદ્ધ લડી રહ્યું છે, જ્યારે ઈરાન અને હિઝબોલ્લાહ ઈઝરાયલ સાથે સામસામે છે. આ ત્રણેયે અસદ સરકારને ગૃહયુદ્ધનો સામનો કરવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઈરાન માટે સીરિયા મહત્વપૂર્ણ છે કારણ કે ઈરાન હિઝબુલ્લાહ અને હમાસને હથિયારો સપ્લાય કરવા માટે સીરિયાનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં ઈરાન ટૂંક સમયમાં સીરિયાને હથિયાર આપી શકે છે. રિપોર્ટ અનુસાર ઈરાન તરફી ઈરાકી મિલિશિયા સીરિયા જઈ શકે છે. આ મિલિશિયાઓમાં કતાઇબ હિઝબુલ્લાહ, અસાઈબ અહલ અલહક, હરકત અલ નુજબાહનો સમાવેશ થાય છે. સીરિયામાં 2011માં ગૃહયુદ્ધ શરૂ થયું હતું સીરિયામાં ગૃહયુદ્ધ 2011માં આરબ ક્રાંતિ સાથે શરૂ થયું હતું. લોકશાહી સમર્થકોએ બશર અલ-અસદની તાનાશાહી સરકાર સામે વિરોધ શરૂ કર્યો, જે 2000થી સીરિયામાં સત્તા પર છે. આ પછી, ફ્રી સીરિયન આર્મી નામના વિદ્રોહી જૂથ તૈયાર થયું. વિદ્રોહી જૂથ બનવાની સાથે, સીરિયામાં ગૃહ યુદ્ધ શરૂ થયું. અમેરિકા, રશિયા, ઈરાન અને સાઉદી અરેબિયા જોડાયા બાદ આ સંઘર્ષ વધુ વધ્યો. આ દરમિયાન આતંકવાદી સંગઠન ISISએ પણ અહીં પગ જમાવ્યા હતા. 2020ના યુદ્ધવિરામ સમજૂતી પછી, અહીં ફક્ત છૂટાછવાયા અથડામણો થઈ છે. યુનાઈટેડ નેશન્સ રિપોર્ટ અનુસાર દાયકાથી ચાલેલા ગૃહ યુદ્ધમાં 3 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા. આ સિવાય લાખો લોકોને વિસ્થાપિત થવું પડ્યું હતું. સીરિયાના ગૃહયુદ્ધમાં અલેપ્પો શહેર નાશ પામ્યું અલેપ્પો શહેર, જેને 1986માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો હતો અને તે વિશ્વના સૌથી જૂના શહેરોમાંનું એક છે, તે 2012 સુધીમાં સીરિયન ગૃહ યુદ્ધનું એક મહત્વપૂર્ણ સ્થળ બની ગયું હતું. સીરિયાનું અલેપ્પો શહેર માત્ર વિશ્વ ધરોહર જ નહીં પરંતુ દેશની અર્થવ્યવસ્થાનું કેન્દ્ર પણ હતું, સુંદર મસ્જિદો અને કલાકૃતિઓથી શણગારેલું આ શહેર તેના જ લોકોએ થોડા જ સમયમાં નષ્ટ કરી દીધું હતું. જુલાઈ 2012 સુધીમાં, અલેપ્પોને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું, જેનો એક ભાગ ફ્રી સીરિયન આર્મીના નિયંત્રણ હેઠળ હતો અને બીજો બશર અલ-અસદના નિયંત્રણ હેઠળ હતો. સરકારને મદદ કરનારા દેશોમાં રશિયા, ઈરાન, ઈરાક, અફઘાનિસ્તાન, લેબેનન અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. તેમજ, વિદ્રોહીઓને અમેરિકા, સાઉદી અરેબિયા અને તુર્કી તરફથી મદદ મળી રહી હતી. તમામ સુંદર કલાકૃતિઓ, મસ્જિદો અને સાંસ્કૃતિક વારસો કે જેના માટે શહેર જાણીતું હતું તે સરકારના હવાઈ હુમલામાં નષ્ટ થઈ ગયું. સીરિયાના ગૃહયુદ્ધને વિગતવાર જાણવા વાંચો આ સમાચાર…. સીરિયન ગૃહયુદ્ધના 12 વર્ષ પૂર્ણ: એકલા અલેપ્પોમાં 51 હજાર લોકો માર્યા ગયા, શહેર ખંડેરમાં ફેરવાઈ ગયું કલ્પના કરો કે તમે જ્યાં જન્મ્યા છો અને જ્યાં તમે તમારું બાળપણ વિતાવ્યું છે તે શહેર કે ગામ ખંડેરમાં ફેરવાઈ જાય છે. જે શેરીઓ એક સમયે બજારની ધમાલથી ગુંજતી હતી તે હવે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગઈ છે અને લોકો પોતાના જ લોકોના જીવ લઈ રહ્યા છે.