રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે મહત્ત્વનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેચ્યુઇટી તથા અવસાન ગ્રેચ્યુઇટી મહત્તમ 20 લાખની મર્યાદામાં આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેચ્યુઇટી અને અવસાન ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. આ કર્મચારી હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓને નિવૃત્તિ ગ્રેચ્યુઇટી અને અવસાન ગ્રેચ્યુઇટી મહત્તમ 25 લાખની મર્યાદામાં આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયનો લાભ તા. 1 જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને મળશે. જાન્યુઆરીમાં ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ 6 દિવસ પહેલાં સુરતના એક કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર.પાટીલે પ્રદેશ પ્રમુખ તરીકે પોતાની વિદાયના સંકેત આપતાં કહ્યું હતું કે મેં બેવાર રજૂઆત કરી છે કે કોઈને જવાબદારી સોંપવી જોઈએ. નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને મળી છે. જેમને તક મળશે તેમને એડવાન્સમાં અભિનંદન આપું છું અને જેમણે મારી સાથે કામ કર્યું તે બધાનો આભાર પણ વ્યકત કરું છે. પાટીલના આ નિવેદન બાદ ગુજરાતમાં ભાજપના નવા પ્રમુખ ક્યારે આવશે એ અંગે ચર્ચાનો દૌર શરૂ થઈ ગયો છે. જોકે ભાજપના નવા પ્રદેશ પ્રમુખની વરણી થતાં હજી પણ એકાદ મહિનો નીકળી જાય એવી પૂરી શક્યતા છે. જાન્યુઆરીમાં જ ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે. બીજી તરફ કોંગ્રેસ સાથે છેડો ફાડીને આવેલા નેતાઓને પણ ભાજપ સંગઠનમાં મોટું સ્થાન મળે એવી શક્યતા છે. આ ઉપરાંત આગામી સમયમાં સંગઠનમાં આવનારા ધરખમ ફેરફાર બાદ મોટા ભાગના યુવા ચહેરા જોવા મળે તોપણ નવાઈ નહિ. સુરતમાં ત્રણ બાળકીનાં શંકાસ્પદ મોત સુરતના સચિન પાલી ગામમાં રહેતા શ્રમિક પરિવારોની ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત થતા પોલીસ અને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. ત્રણ પૈકીની બે બાળકીઓએ આઈસક્રીમ ખાધો હોવાના કારણે ત્રણેયના મોતને લઈ સસ્પેન્સ સર્જાયું હતું. જો કે, પોલીસની પ્રાથમિક તપાસમાં તાપણા દરમિયાન ધુમાડાના કારણે આ ત્રણેય બાળકીઓના મોત થયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જો કે, મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટમાં જ સામે આવશે. એક જ દિવસમાં એક સાથે ત્રણ ત્રણ પરિવારે પોતાની વ્હાલસોયી દીકરીઓને ગુમાવતા પરિવારજનોમાં આક્રંદ છવાયો છે. ગાદી વિવાદમાં હવે ex.ડેપ્યુટી મેયર VS મહેશગિરિ છેલ્લા ઘણા સમયથી જૂનાગઢમાં અંબાજી મંદિરની ગાદી અને ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ સતત વકરી રહ્યો છે. ત્યારે આ વિવાદ હવે રાજકિય વિવાદ બની રહ્યો છે. થોડા દિવસો પહેલા જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાએ બંને સાધુઓને શાંત રહેવા અપીલ કરી હતી. જે વાતને લઈને રોષે ભરાયેલા મહેશગિરિએ ગિરીશ કોટેચાને આડેહાથ લીધા હતા અને અનેક આક્ષેપો કર્યા હતા. જે સમગ્ર વિવાદ વધતા ગઈકાલે ગીરીશ કોટેચાએ તેના પર લગાવેલા તમામ આક્ષેપોને નકાર્યા હતા અને મહેશગિરીને ખોટી સહીઓનો માસ્ટરમાઈડ કર્યો હતો. જે બાદ ભડકેલા મહંતે આજે જણાવ્યું કે, ‘એ તો બુદ્ધિ વગરનું વ્યક્તિત્વ છે’ ખ્યાતિ કાંડ બાદ પણ એજન્ટોની ‘નવી સ્કીમ’ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડ બાદ રાજ્યભરની હોસ્પિટલો સતર્ક થઇ ગઇ છે. આ દરમિયાન સરકારી હોસ્પિટલમાંથી દર્દીઓને ભોળવીને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જતા હોવાનો મામલો મહેસાણામાંથી સામે આવ્યો છે. જેને લઇને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં બાઉન્સર રાખવા પડ્યા છે. ગત ગુરુવારથી મહેસાણા સિવિલમાં બે બાઉન્સર રખાયા છે, જેમની કામગીરીનું ઓબ્ઝર્વેશન કરીને એક ડિસેમ્બરથી કાયમી ધોરણે રાખવામાં આવશે અને આગામી સમયમાં જરૂર જણાશે તો 10 જેટલા અન્ય બાઉન્સર પણ ગોઠવવામાં આવશે. હિંમતનગરના પારસ કોર્પોરેશનમાં ITનું સર્ચ-ઓપરેશન રાજ્યભરમાં કાલ સવારથી 36 જેટલા સ્થળે IT વિભાગની ટીમ ત્રાટકી હતી. જેના પગલે ગત સાંજથી હિંમતનગરના બગીચા વિસ્તારમાં આવેલા પારસ કોર્પોરેશનમાં IT વિભાગનું સર્ચ ચાલી રહ્યું છે. અગામી સમયમાં મોટા વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. સર્ચ દરમિયાન એક ગ્રાહક રૂ. 3.50 લાખ લઈને આંગડીયું કરવા આવ્યો હતો. તેની પણ પૂછપરછ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. દીવમાં ફરી એકવાર ભૂલો પડ્યો સિંહ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં વહેલી સવારે મુખ્ય માર્ગ ઉપર સિંહ જોવા મળ્યો હતો. તેણે આમતેમ ભાગવા પ્રયત્ન કર્યા હતો પરંતુ, વાહનોની અવરજવરના કારણે ગભરાઈને દરિયાકાંઠાના વિસ્તાર તરફ દોટ મુકી હતી. હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પી.ટી.જાડેજા સામે મની લોન્ડ્રીંગ એક્ટ હેઠળ ગુનો રાજકોટ ક્ષત્રિય સમાજના અગ્રણી અને ક્ષત્રિય આંદોલનના મોભી પી.ટી.જાડેજા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મનીલોન્ડ્રીંગ એક્ટ અંતર્ગત રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં પી.ટી. જાડેજા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં તેને કારખાનેદારને 60 લાખ રૂપિયા 3 ટકા વ્યાજે લીધા બાદ 70.80 લાખ ચૂકવી દીધા હોવા છતા પઠાણી ઉધરાણી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહિ જામીન પેટે આપેલા મકાનના દસ્તાવેજની ફાઇલ અને ચેક પરત ન આપતા અંતે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 384, 504, 506 તેમજ મનીલેન્ડર્સ એક્ટ કલમ 40, 42 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં USDT ટ્રેડરનું જાહેરમાં અપહરણ સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા કાપડ દલાલ અને USDT ટ્રેડર મુસ્તકીમ ઝુનઝુનીયાનું છરાની અણીએ અપહરણ કરીને તેના બાયનાન્સ એકાઉન્ટમાંથી 32,071 USDT અંદાજે 2.70 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જોકે, અપહરણની સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં પોલીસ પણ હરકતમાં આવી હતી. રાંદેર પોલીસે આ ગુનાખોરી પાછળ કુખ્યાત કૈલાશ ઉર્ફે કેલીયા સહિત ત્રણની ધરપકડ કરી છે. ડૉક્ટરોની અકસ્માત બાદ અવેરનેસ રેલી અમદાવાદની ગુજરાત હાઇકોર્ટ પાસે આવેલા ફ્લાયઓવર બ્રિજ પર 23 નવેમ્બરે અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતાં બે સાઇક્લિસ્ટ ઈજાગ્રસ્ત થયાં હતાં. આ પ્રકારની ઘટનાનું અમદાવાદમાં પુનરાવર્તન ન થાય એ માટે આજે સવારે અમદાવાદ શહેરમાં કાર્યરત સાઇક્લિસ્ટના અલગ અલગ સાત ગ્રુપના 200 સાઇક્લિસ્ટ્સ જોડાયા હતા. તેમણે 25 કિમી સુધી સાઇક્લિંગ કરી લોકોમાં અવેરનેસ લાવવાનો પ્રયાસ કર્યો છે. મહત્ત્વની વાત છે કે અમદાવાદમાં અકસ્માતમાં જે બે સાઇક્લિસ્ટ ઈજાગ્રસ્ત થયાં હતાં તેઓ પણ આજની આ રેલીમાં જોડાયાં હતાં અને વાહનચાલકોને સાઇક્લિસ્ટ્સનું ધ્યાન રાખવા માટે અપીલ કરી હતી. મળતી માહિતી મુજબ, 23 તારીખે અકસ્માત સર્જી ફરાર થયેલા વાહનચાલકને પણ પોલીસે ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.