ઓર્થોપેડિક જગતમાં નવી ટેકનિક, નવી ટેકનોલોજી, નવું વિજ્ઞાન બધું જ નવું આવી રહ્યું છે. ભારતના અને વિદેશના ડોક્ટર્સ એક મંચ પર આવીને આવી રહેલા આમુલ પરિવર્તન વિશે મનોમંથન કરીને દર્દીઓને વધારેમાં વધારે સરળતા રહે તેવા પ્રયાસ કરી રહ્યા છે. આ માટે ભારતના અને અન્ય 7 દેશોના ઓર્થોપેડિક ડોક્ટર્સની ‘ઓર્થોટ્રેન્ડ્સ-2024’ કોન્ક્લેવ અમદાવાદમાં ચાલી રહી છે. 1 ડિસેમ્બર સુધી ચાલનારી શેલ્બી હોસ્પિટલના સહયોગથી યોજાયેલી ત્રિદિવસીય કોન્ફરન્સમાં નિ-રિપ્લેસમેન્ટ, હીપ રિપ્લેસમેન્ટ, ફેકચર જેવા મુદ્દાઓને લઈને ચર્ચા થઈ હતી. વિશ્વભરમાંથી લગભગ 55 ફેકલ્ટી સભ્યો અને 550 થી વધુ વરિષ્ઠ ઓર્થોપેડિક સર્જનો એકત્ર થયા હતા. પશ્ચિમ ભારતની પહેલી બોન હોસ્પિટલ અમદાવાદમાં
શેલ્બી હોસ્પિટલના જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીસના ડાયરેક્ટર અને ઓર્થોપેડિક સર્જન ડો. વિક્રમ શાહે બોન બેન્ક વિશે માહિતી આપતાં કહ્યું કે, અમે ગુજરાતની જ નહીં પણ પશ્ચિમ ભારતની પહેલી કોમ્પ્રેહેન્સિવ બોન બેન્ક ચાલુ કરી છે. આના માટે ગુજરાત સરકારની મંજૂરી લેવામાં આવી છે. આ બોન બેન્કથી દર્દીઓને ફાયદો એ છે કે, દર્દીને ફેક્ચર થયું હોય તો ઓપરેશનની જગ્યાએથી હાડકું કાપવામાં આવે. પછી શરીરમાં બીજી જગ્યાએ કાપો મૂકીને તેના હાડકાંમાંથી માવો લઈને મૂકવામાં આવે. પેશન્ટને બબ્બે સર્જરી કરવી પડે. બોન બેન્કનો ફાયદો એ છે કે, પેશન્ટને એક જ જગ્યાએ સર્જરી કરવી પડે, જ્યાં હાડકું મૂકવાનું છે. બીજો મોટો ફાયદો ખર્ચાનો થાય. કારણ કે, બેની જગ્યાએ એક સર્જરી થાય. પેઈન ઓછું થાય, રિકવરી ફાસ્ટ થાય. એક જ જગ્યાએ ડ્રેસિંગ કરાવવું પડે. 30 નવેમ્બરથી બોન બેન્ક ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં શરૂ થઈ ગઈ છે. આ બેન્ક એવી છે જ્યાંથી દેશભરમાંથી ડોક્ટરો બોન મગાવી શકશે. અમે એકલા જ નહીં વાપરીએ. બધાને આપીશું. એક સમય હતો કે લોકો નિ-રિપ્લેસમેન્ટથી ડરતા હતા
સેલ્બી હોસ્પિટલના હીપ રિપ્લેસમેન્ટના ડાયરેક્ટર ડો. જે.એ. પચોરેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારું મુખ્ય ફોકસ છે કે, નવી જનરેશનને તૈયાર કરવી. સેલ્બી હોસ્પિટલમાં યંગ સર્જન માટે તૈયાર કર્યા છે. 40 વર્ષ પહેલાં હું બોમ્બેમાં સર્જરી કરતો હતો. એ સમય એવો હતો કે મારે પેશન્ટને ની-રિપ્લેસમેન્ટ માટે કરગરવું પડતું હતું. લોકો તૈયાર જ નહોતા થતા. પણ ડો. વિક્રમ શાહે દેશભરમાં એવી અવેરનેસ જગાડવાનું કામ કર્યું કે, તેમણે લોકોમાંથી નિ-રિપ્લેસમેન્ટનો ભય દૂર કર્યો. અમે તેના માટે એક પ્રોટોકોલ બનાવ્યો છે કે, 15-20 મિનિટમાં નિ-રિપ્લેસમેન્ટ થઈ જાય છે અને 30-35 મિનિટમાં હીપ રિપ્લેસમેન્ટ થઈ જાય છે. ત્યારે પેશન્ટને બે-ત્રણ દિવસ હોસ્પિટલમાં રાખવા પડતા હતા. આજે ઓપરેશનના ત્રણ કલાક પછી અમે પેશન્ટને ચલાવીએ છીએ. સીડી ચડાવીએ છીએ. બે દિવસમાં ઘરે મોકલી દઈએ છીએ. ડો. વિક્રમે મને કહ્યું છે કે, પેશન્ટને એ જ દિવસે રજા મળી જાય તેવું કરવું છે. એની શરૂઆત થઈ ગઈ છે. ઓર્થોટ્રેન્ડ્સ-2024નો મુખ્ય હેતુ શું છે?
ઓર્થોપેડિક ડોક્ટર્સ માટે અમદાવાદમાં ત્રણ દિવસીય ઓર્થોટ્રેન્ડ્સ-2024નું આયોજન થયું છે. 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ચાલવારા ઓર્થોટ્રેન્ડ્સમાં 7 દેશના ઓર્થોપેડિક સર્જન ભાગ લઈ રહ્યા છે. અમેરિકા, આફ્રિકા, ઈથોપિયા, નાઈજિરાયા, નેપાળ સહિતના 7 દેશોમાંથી ડોક્ટર્સ આવ્યા છે. આ કોન્ક્લેવમાં નવા સાધનો, નવી ટેકનોલોજી, નવી ટેકનિક શિખવા મળે અને એકબીજાના વિચારોનું આદાન પ્રદાન થાય તેવો આ ઓર્થોટ્રેન્ડનો હેતુ છે. આ અંગેની માહિતી આપતાં ડો. વિક્રમ શાહે કહ્યું હતું કે, નિ-રિપ્લેસમેન્ટનો સક્સેસ રેશિયો 99.6% ટકા છે. નિ-રિપ્લેસમેન્ટ ઘણીવાર ફેઈલ જાય છે અને એક જ પેશન્ટ્સને બે-ત્રણ વાર ઓપરેશન કરવા પડે છે. એનું કારણ શું? જવાબમાં ડો. શાહે કહ્યું કે, આપણે ત્યાં ભોજનમાં પ્રોટીનનો અભાવ છે. યોગાસન કરતા નથી. એકવાર ઓપરેશન કરાવ્યા પછી ના પાડી હોય કે, નીચે પગવાળીને બેસવું નહીં. દેશી ટોયલેટ યુઝ કરવું નહીં તો પણ લોકો માનતા નથી. પોતાનું ધાર્યું જ કરે છે. એટલે ફરીવાર સર્જરી કરવી પડે છે. ત્રીજું કારણ એ છે કે, યંગ જનરેશન વધારે એક્સપર્ટ બને તે જરૂરી છે. કોઈ યંગ ડોક્ટરના હાથમાં અઘરો કેસ આવી ગયો હોય તો પણ આવું બને છે.
આ કોન્કલેવમાં ખાસ કરીને વિટામીન-ઈ પોલિથીન ઈમ્પ્લાન્ટ, નવી હીપ ડિઝાઈન, રોબોટિક સર્જરી સહિતના વિષયો પર નિષ્ણાતોએ ચર્ચા કરી હતી. ઓર્થોટ્રેન્ડ્સમાં ડો. વિક્રમ શાહ અને ડો. જે.એ.પચોરે ઉપરાંત શેલ્બી હોસ્પિટલના ગ્રુપ COO નિશિતા શુક્લા, અમેરિકાથી આવેલા ઓર્થોપેડિક સર્જન ડો. વિલિયમ એન્ડ્ર્યુ હોજ, ડો. રોનાલ્ડ ડેવિડસન ગાર્ડનર, ડો. મેડનિશ રાહુલ પટેલ, ડો. હરબિન્દર ચઢ્ઢાએ પણ મીડિયા સાથે વાતચીત કરી હતી. વધુ માહિતી www.shalby.org વેબસાઈટ પરથી મળી રહેશે.