ગુજરાતમાં વર્ષ 2019-20માં 71499 એચ.આઈ.વી. પોઝિટીવ દર્દીઓએ સારવાર લીધી હતી. 2023-24માં એ સંખ્યા 84537એ પહોંચી છે. જેમાં 40 ટકા મહિલા દર્દી છે. પાંચ વર્ષમાં દર્દીઓની સંખ્યામાં સરેરાશ 18 ટકા જેટલો વધારો નોંધાયો છે. પુરૂષ દર્દીમાં 19.39 ટકા, મહિલામાં 17.92 ટકા અને થર્ડ જેન્ડરમાં 26.57 ટકાનો વધારો નોંધાયો છે. કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કરેલી માહિતી મુજબ વર્ષ 2019-20 થી લઈને 2023-24 સુધીમાં નેશનલ એઈડ્સ એન્ડ એસટીડી કન્ટ્રોલ પ્રોગ્રામ (NACP) હેઠળ દેશમાં સારવાર લેનારા દર્દીઓની સંખ્યામાં 22 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2023-24ના આંકડા મુજબ દેશના કુલ 16.89 લાખ દર્દીઓ પૈકી સૌથી વધુ મહારાષ્ટ્રમાં 2.40 લાખ, આંધ્ર પ્રદેશમાં 2.22 લાખ અને કર્ણાટકમાં 1.90 લાખ નોંધાયા છે. ગુજરાત 85 હજાર જેટલા દર્દી સાથે આઠમા ક્રમે છે. નોંધનીય છે કે, ગત વર્ષે થર્ડ જેન્ડર દર્દીઓની સંખ્યા દેશમાં 6637 જ્યારે ગુજરાતમાં 381 નોંધાઇ હતી. રાજ્યમાં 2023માં 800 લોકોના મોત HIV એસ્ટિમેટ્સ 2023 ફેક્ટશીટ્સ મુજબ, ગુજરાતમાં 1.20 લાખ એચઆઈવીગ્રસ્ત (PLHIV) છે. દેશમાં આ સંખ્યા 25.44 લાખની છે. રાજ્યમાં 2023માં 2671 નવા એચઆઈવીગ્રસ્ત લોકો નોંધાયા, જે 2010ની તુલનામાં 57 ટકાનો ઘટાડો દર્શાવે છે. 2023માં દેશમાં 35866 લોકોએ જીવ ગુમાવ્યો જ્યારે રાજ્યમાં 800 લોકોના મોત થયા હતા. દેશમાં 2023-24માં 6637 થર્ડ જેન્ડરે સારવાર લીધી, ગુજરાતમાં 381 નોંધાયા (સ્રોત: લોકસભા) અહેવાલ મુજબ દેશની તુલનામાં ગુજરાતમાં મહિલા દર્દીઓનું પ્રમાણ 8 ટકા ઓછું નોંધાયું વર્ષ 2023-24માં દેશમાં સારવાર લેનારા કુલ પોઝિટીવ દર્દી પૈકી 48 ટકા મહિલા દર્દી છે. જ્યારે ગુજરાતમાં મહિલા દર્દીનું પ્રમાણ 40 ટકા આસપાસ છે. દેશમાં થર્ડ જેન્ડર 0.39 ટકા જ્યારે ગુજરાતમાં 0.45 ટકા દર્દીએ સારવાર લીધી છે. જ્યારે દેશની તુલનામાં (52 ટકા), ગુજરાતમાં પુરૂષ દર્દીનું પ્રમાણ 59 ટકા જેટલું નોંધાયું છે.