રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અધ્યાપકોની નોકરી માટે લેવાતી GSET (ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ)નું આજે રાજ્યના 11 શહેરોમાં આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત અલગ અલગ 11 શહેરોમાં અંદાજે 8500 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા કેન્દ્ર પર પેપરની શરૂઆતમાં જ વીજળી ગુલ થઈ જતા પરીક્ષાર્થીઓ પરેશાન જોવા મળ્યા હતા. રાજ્યની યુનિવર્સિટી અને કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા માટે આજે રાજ્યના 11 શહેરોમાં GSET (ગુજરાત સ્ટેટ એલિજિબિલીટ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આજે યોજાઈ રહેલી પરીક્ષામાં લગભગ 8500 ઉમેદવારો પરીક્ષા આપવા જઈ રહ્યા છે. જુદા જુદા વિષય માટે આજે રાજ્યના વિવિધ સેન્ટર ઉપર સવારના 9:30 કલાકથી બપોરે 12:30 કલાક સુધી બે તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે GSET ની પરીક્ષા નું આયોજન કરવામાં આવે છે જેના માટે બેચલર્સ બાદ માસ્ટર્સ કક્ષા સુધી અભ્યાસ કરેલો હોવો જોઈએ અથવા તો માસ્ટર્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો આ પરીક્ષા આપવા લાયકાત ધરાવે છે. રાજ્યભરમાં આજે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા ઈચ્છતા અંદાજિત 8500 ઉમેદવારો GSET ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેના માટે વિવિધ 33 વિષયો માટે આજે પરીક્ષાનું આયોજન થયું છે. અમદાવાદ શહેરમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે આવેલી કે.એસ. સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ખાતે ઉમેદવારો ને સંપૂર્ણપણે તપાસીને પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. જેના માટે ઉમેદવારોએ ફક્ત પેન, હોલ ટિકિટ, આઈડી કાર્ડ અને ટ્રાન્સપરન્ટ વોટર બોટલ લઈ જવાની હતી. પરીક્ષા કેન્દ્ર ઉપર પોલીસ તથા પરીક્ષા આયોજકો દ્વારા દરેક વિદ્યાર્થીને તપાસ્યા બાદ જ પ્રવેશ કરવા દેવામા આવ્યો હતો. અમદાવાદ સેન્ટર ખાતે GSET ની પરીક્ષા આપવા આવેલા ઉમેદવાર ધરતીએ જણાવ્યું હતું કે, ગત વર્ષથી જ ફોરેન્સિક સાયન્સ વિષય ને GSET માં ઉમેરવામાં આવ્યો છે ત્યારથી જ મહેનત કરવાની શરૂઆત કરી હતી અને આજે અહીંયા આ પરીક્ષા આપવા માટે પૂરતી મહેનત સાથે આવી છું. અન્ય એક ખુશ્બુ પરમાર નામના ઉમેદવારે જણાવ્યું હતું કે એન્વાયરોમેન્ટ સાયન્સ માટે GSET ની પરીક્ષા આપી રહી છું. ગત પાછલા વર્ષોના પેપર પેપર માંથી પરીક્ષાની તૈયારી કરી છે. આ વર્ષે કેવું પેપર આવે છે તે જોવું રહ્યું. આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે વાંચન જરૂરી છે આ ઉપરાંત મેં UGC NET ના પુસ્તકો અને બીએસસી તથા એમ એસ સી દરમિયાન જે નોટ્સ બનાવી હતી તેમાંથી પણ વાંચન કર્યું છે. તથા ભવિષ્યમાં પીએચડી નો અભ્યાસ કરીને પ્રોફેસર બનવાની ઈચ્છા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જીસેટ પરીક્ષા કેન્દ્રમાં વીજળી ગૂલ
રાજ્યમાં યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અધ્યાપકની નોકરી માટે જરુરી અને નેટ (નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ) પરીક્ષાના વિકલ્પ તરીકે લેવાતી જીસેટ(ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ)પરીક્ષા આજે લેવામાં આવી હતી. જેમાં રાજકોટમાં 5 કેન્દ્રો પર આ પરીક્ષા ગોઠવાઈ હતી. જેમાં 3,749 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે વિદ્યાર્થીઓને મોબાઈલ સહિતના ઇલેક્ટ્રીક ગેજેટ લાવવાની મનાઈ હતી તો વિદ્યાર્થીઓને કોલેજ બેગ પણ પરીક્ષા કેન્દ્રની બહાર મુકાવવામાં આવી હતી. જોકે અહીં કન્વેશન સેન્ટર પર પરીક્ષા શરૂ થઈ તે પૂર્વે જ વીજળી ગૂલ થઈ ગઈ હતી. જેને કારણે વિદ્યાર્થીઓએ મુશ્કેલી ભોગવી હતી. પરીક્ષા દરમિયાન સેન્ટરની આસપાસ ભીડ જોવા મળી હતી. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં પાંચ સેન્ટર પરથી GSET ની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કન્વેન્શનલ સેન્ટર ઉપરાંત ફાર્મસી ભવન, માતૃ મંદિર અને ગ્રેસ કોલેજની સાથે આત્મીય યુનિવર્સિટીમાં આ પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન દિવ્યભાસ્કર ડિજિટલની ટીમ જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કન્વેન્શનલ સેન્ટર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ત્યારે સામે આવ્યું કે ત્યાં પરીક્ષાના પ્રારંભ પૂર્વે જ વીજળી ગૂલ થઈ ગઈ હતી. જેને કારણે વિદ્યાર્થીઓએ મુશ્કેલી ભોગવી હતી. શિયાળો હોવાથી વિદ્યાર્થીઓને પંખાની તો જરૂર ન પડી હતી પરંતુ ક્લાસમાં લાઈટ ન હોવાથી પરેશાની થઈ હતી. જીસેટની પરીક્ષાનો સમય સવારે 9:30 થી 12:30 વાગ્યા સુધીનો રાખવામાં આવેલો છે. વિદ્યાર્થીઓને સવારે 8:45 વાગ્યાથી પરીક્ષા કેન્દ્રો ઉપર એન્ટ્રી શરૂ કરી દેવામાં આવી હતી. ક્યાં મોટી સંખ્યામાં પરીક્ષા માટે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો. કારણકે આ અધ્યાપક બનવા માટેની પરીક્ષા હતી. આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે જીસેટ અથવા નેટની પરીક્ષા પાસ કરવી જરૂરી માનવામાં આવે છે ત્યારે કન્વેશનલ સેન્ટર સંભાળતા ભગીરથસિંહ માંજરીયાએ જણાવ્યું હતું કે, કન્વેશનલ સેન્ટરમાં યુનિટ 1 માં 509 અને યુનિટ 2 માં 304 વિદ્યાર્થીઓ જીસેટની પરીક્ષા આપી રહ્યા છે.