ગાંધીનગરના અડાલજ ખોરજ લિંક બ્રિજ નજીકનાં સર્વિસ રોડ પર બાઈક ચાલક યુવાને પોતાનું બાઇક બેફિકરાઈથી પૂરપાટ ઝડપે હંકારી અન્ય એક બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક ચાલક યુવાનનું માથામાં ભાગે ગંભીર ઈજાઓ થવાથી મિત્રની નજર સામે ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરના અડાલજ ગામ રેવા સ્કાયાલ ફ્લેટમાં રહેતો રામપ્રસાદ શીતલાપ્રસાદ કોળી અમદાવાદનાં ગાંધી આશ્રમમાં પ્લાન્ટેશનના વિભાગમાં પ્રાઈવેટ નોકરી કરે છે. ગઈકાલે સવારે રામ પ્રસાદ અને તેનો મિત્ર રવિ રાધેશ્યામભાઇ વાઘેલા (રહે.રામકૃષ્ણ મિશન આશ્રમ અડાલજ) બાઈક પર નોકરી જવા માટે નિકળ્યા હતા. એ વખતે બાઈક રવિ ચલાવી રહ્યો હતો. દરમિયાન અડાલજ ખોરજ લિંક બ્રિજ નર્મદા મુખ્ય પસાર કરી કેનાલના જમણી બાજુના સર્વિસ રોડ ઉપર આગળ અન્ય એક બાઈક ચાલક જતો હતો. એ વખતે રવિએ બાઈક પૂરપાટ ઝડપે હંકારી આગળ જતાં બાઈકને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં રવિ અને રામપ્રસાદ ઉછળીને નીચે પટકાયા હતા. જ્યારે બીજા બાઈકનો ચાલક પણ રોડ પર પડી ગયો હતો. પરંતુ તે ઊભો થઈને બાઈક લઈને રવાના થઈ ગયો હતો. જ્યારે રામ પ્રસાદની નજર સામે તેના મિત્ર રવિનું માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર મોત નીપજ્યું હતું. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.