આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં સરકારી જગ્યામાં મંજૂરી વિના ગેરકાયદેસર રીતે લગાવાયેલા હોર્ડિંગ્સ ઉતારવા ગયેલી પાલિકાની ટીમ ઉપર હુમલો થયાની ઘટના સામે આવી છે. પાંચ જેટલા શખ્સોએ ગમેતેમ અપશબ્દો બોલી પાલિકાની ટીમ સાથે ઝઘડો કર્યો હતો. જે ઉગ્ર બનતાં આ પાંચ પૈકી એક શખ્સે પાલિકના મહિલા ચીફ ઓફિસરને જોરથી લાફો મારી દીધો હતો. જ્યારે, બીજા એક શખ્સે પાલિકાકર્મીને ત્રણથી ચાર લાફા મારી, જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી, સરકારી ફરજમાં અડચણ ઉભી કરી હતી. આ અંગે ચીફઓફિસરની ફરીયાદને આધારે ઉમરેઠ પોલીસે પાંચેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાની ટીમ મંજૂરી વિના લગાવાયેલા હોર્ડિંગ્સ ઉતારવા ગઈ હતી
ઉમરેઠ નગરપાલિકામાં દબાણ શાખામાં ફરજ બજાવતાં કર્મચારી નીતીનભાઈ પટેલ ગતરોજ સાંજના સમયે પોતાની ટીમ સાથે જાગનાથ ભાગોળ ગેટની બાજુમાં નગરપાલીકાની હદમાં ગેરકાયદેસર રીતે લગાવેલુ હોર્ડિંગ્સ (બાગ એ સિરાઝ રેસિડન્સી સોસાયટીના પ્લાન્ટનું એડવવર્ટાઇઝ બોર્ડ) ઉતારવા ગયાં હતાં. તે વખતે જાઈદભાઇ મહેબુબખાન પઠાણ ઉર્ફે અમદાવાદી અને મુસ્તાક મહેમુદમીયા બેલીમ ઉર્ફે મુસો (લંગડો) એકાએક ત્યાં આવી ચડ્યાં હતાં અને આ બોર્ડ કોને પુછીને તમે ઉતાર્યું તેમ કહી ઝઘડો કર્યો હતો અને બસસ્ટેન્ડ સામે ભગવત દલાલ ગેટની પાસે દેવનારાયણ આઈસક્રીમની દુકાનની બાજુમાં આવેલ પાલીકાના સંડાસ-બાથરૂમ આવેલ છે તે કોર્ડન કરેલ જગ્યાની અંદર પણ આવુ જ એડવર્ટાઇઝ બોર્ડ મારેલ છે તે ઉતારી બતાવો તેમ કહ્યું હતું. શખ્સોએ ગમેતેમ અપશબ્દો બોલી ટીમ સાથે ઝઘડો કર્યો
જેથી પાલિકાકર્મી નીતીનભાઈ પટેલ પોતાની ટીમ લઈને તે જગ્યાએ પહોંચ્યા હતાં અને ત્યાં પાલિકાની જગ્યામાં ગેરકાયદેસર રીતે લગાવેલ હોર્ડિંગ્સ ઉતારતા હતાં. તે વખતે આ જાઇદભાઈ મહેબુબખાન પઠાણ ઉર્ફે અમદાવાદી, મુસ્તાક મહેમુદમીયા બેલીમ ઉર્ફે મુસો (લંગડો) તેમજ તોફિક નજીરખાન પઠાણ, જુનેદ ચકલાસી અને ફરીદખાન પઠાણ (ઢુણાદરાવાળો) એ ગમેતેમ અપશબ્દો બોલી નીતીનભાઈ પટેલ અને તેમની ટીમ સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન ઉશ્કેરાયેલા મુસ્તાક મહેમુદમીયા બેલીમ ઉર્ફે મુસો (લંગડો) એ પાલિકાકર્મી નીતીનભાઈનું મોંઢુ પકડી લીધું હતું અને તું ચીફ ઓફીસરને બોલાવ તો જ તને અહીંથી જવા દઈશુ તેવી ધમકીઓ આપી હતી. જેથી નીતીનભાઈએ ફોન કરી ઉમરેઠ નગરપાલિકાના ચીફઓફિસર ભારતીબેન રધુરાઇ સોમાણીને સઘળી હકીકત જણાવી હતી. ઉશ્કેરાયેલા શખ્સે ચીફઓફિસરને લાફો માર્યો
ચીફઓફિસર ભારતીબેન તુરંત જ સ્થળ પર પહોંચ્યા હતાં અને પાલિકાની મંજૂરી લીધાં વિના ગેરકાયદેસર રીતે લગાવેલુ હોર્ડિંગ્સ ઉતારી લેવા પાંચેય જણાંને સમજાવ્યાં હતાં. પરંતુ આ પાંચેય શખ્સો ચીફ ઓફિસરની વાત માન્યાં ન હતાં અને અમે બોર્ડ ઉતારીશું નહી અને ઉતારવા પણ દઈશું નહીં, તમારાથી થાય તે કરી લો તેમ કહી ચીફઓફિસર સાથે બોલાચાલી કરવા લાગ્યાં હતાં. આ દરમિયાન જાઇદ મહેબુબખાન પઠાણ ઉર્ફે અમદવાદીએ એકદમ ઉશ્કેરાઈ જઈને ચીફઓફિસર ભારતીબેન સોમાણીના ગાલ ઉપર જોરથી લાફો મારી દીધો હતો. જ્યારે મુસ્તાક મહેમુદમીયા બેલીમ ઉર્ફે મુસા લંગડાએ પાલિકાકર્મી નીતીનભાઈ ભીખાભાઈ પટેલની ફેંટ પકડી ત્રણથી ચાર લાફા મારી દીધાં હતાં અને જો અમારા લગાવેલ બોર્ડ ઉતારશો તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકીઓ આપી પાંચેય જણાં ભાગી ગયાં હતાં. પોલીસે પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો
આ અંગે ઉમરેઠ નગરપાલિકાના ચીફઓફિસર ભારતીબેન રધુરાઇ સોમાણીની ફરીયાદને આધારે ઉમરેઠ પોલીસે જાઇદભાઈ મહેબુબખાન પઠાણ ઉર્ફે અમદાવાદી, મુસ્તાક મહેમુદમીયા બેલીમ ઉર્ફે મુસો (લંગડો), તોફિક નજીરખાન પઠાણ, જુનેદ ચકલાસી અને ફરીદખાન પઠાણ (ઢુણાદરાવાળો) વિરૂદ્ધ બી.એન.એસ એક્ટની કલમ 121(1), 352, 351(3), 54, 189(2), 191(2) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોન્ટ્રાક્ટરના માણસોએ બિભત્સ વર્તન કરી અમારી સાથે મારામારી કરી- ચીફ ઓફિસર
ઉમરેઠ નગરપાલિકાના ચીફઓફિસર ભારતીબેન રધુરાઇ સોમાણી જણાવે છે કે, ઉમરેઠમાં નગરપાલિકાની હદમાં મંજૂરી લીધા વિના લગાવાયેલા હોર્ડિંગ્સ ઉતારવા ગઈકાલે પાલિકાની ટીમ નીકળી હતી. દરમિયાન કોઈ કોન્ટ્રાક્ટરે પોતાના આવાસના હોર્ડિંગ્સ પાલિકાની હદમાં મંજૂરી વિના લગાવેલા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી પાલિકાની ટીમ આ હોર્ડિંગ્સ ઉતારતી હતી. તે દરમિયાન કોન્ટ્રાક્ટરના માણસો એકાએક ત્યાં આવી ચડ્યાં હતાં અને તે લોકોએ અમને હોર્ડિંગ્સ ઉતારવાની ના પાડી હતી. જેથી અમે તેઓને તેમની રીતે હોર્ડિંગ્સ ઉતારી લેવા કહ્યું હતું. દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ આ હોર્ડિંગ્સ તો અહીંયા જ રહેશે તેમ કહી, અમારી સાથે બિભત્સ વર્તન કરી, મારામારી કરી છે.