રાજકોટનાં જામનગર રોડ પરનાં રામપર ખાતે નિરાધાર, નિ:સંતાન વૃદ્ધો માટે દેશનો સૌથી મોટો 7 બિલ્ડીંગ, 11 માળ અને 1400 રૂમનો વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યો છે. જેના લાભાર્થે પ્રસિદ્ધ રામકથાકાર મોરારિબાપુની વૈશ્વિક રામકથા યોજાઈ છે. આ રામકથામાં વિવિધ લોકો જુદી-જુદી રીતે યોગદાન આપી રહ્યા છે. જેમાં કથાનાં સ્થળે ગાંઠિયા અને ચાનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે. આ સ્ટોલમાં સવારે 1 કલાક ગાંઠિયા સહિતનો નાસ્તો અને બપોરે 1 વાગ્યા સુધી ચા તદ્દન ફ્રી આપવામાં આવી રહી છે. જેમાં પાંચાભાઈ દ્વારા 15 કાર્યકરોની ટીમની મદદથી અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવ્યો હતો તેમજ 8 દિવસમાં રંગીલા રાજકોટિયનોને રામકથા 100 કીલોથી વધુ નાસ્તો અને 4 લાખ કપથી વધુ ચા પણ પીવરાવી હતી. 8 દિવસમાં અંદાજે 100 કિલો કરતા વધુ ગાંઠિયાનું વિતરણ
આ સેવાયજ્ઞ અંગે ટીમનાં આગેવાન વિષ્ણુભાઈએ જણાવ્યું હતું કે, બાપુના જે પોગ્રામ હોય ત્યાં અમારા કાકા પાંચાભાઈની આગેવાનીમાં અમારી સેવા અવિરત ચાલે છે અને આ માટે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. આ સાથે જાહેર પોગ્રામ હોય જેમ કે, હવન હોય, કથા હોય તો પણ પાંચાભાઈ ભરવાડ સેવા આપવા જાય છે. પાંચાભાઇ અહીં સવારે ચા પીવડાવતા હતા પણ પછી ભક્તોને જોઇ વિચાર આવ્યો કે, સવાર નાસ્તો રાખું તો સારું. ત્યારબાદ બાપુનાં આશીર્વાદ સાથે બીજા જ દિવસથી 10 કિલો ગાંઠિયા વિતરણ શરૂ કર્યું હતું. જે બાદ અલગ-અલગ નાસ્તો આપવામાં આવ્યો હતો અને 8 દિવસમાં અંદાજે 100 કિલો કરતા વધુ ગાંઠિયા સહિત વિવિધ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચા-નાસ્તાનો ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો
વધુમાં તેઓએ જણાવ્યું કે, રામકથામાં સવારે 6-30થી 7-30 ગાંઠિયા સહિતનો નાસ્તો ભાવિકોને કરાવવામાં આવે છે. જેમાં છેલ્લા દિવસો દરમિયાન દરરોજ 40 કિલો ગાંઠિયા, ટોસ્ટ અને ખારી બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સવારે 6થી બપોરે 1 વાગ્યા સુધી ચા-કોફી પીવડાવામાં આવી હતી. જેમાં દરરોજ 225 લિટર દૂઘ વપરાતું હતું અને દરરોજના 50 હજાર કરતા વધુ લોકો જેમાં કોઈ એક વખત તો કોઈ બે વખત અને કોઈ 5 વખત ચા-કોફી પીવા આવતા હતા. અમારા માત્ર 15 કાર્યકરો દ્વારા અવિરત આ સેવા ચાલુ રાખવામાં આવી હતી. જેનો ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. તમામ ધાર્મિક કાર્યક્રમોમાં આવી સેવાઓ આપે છે
અત્રે ઉલ્લેખનીય છે કે, સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે કરવામાં આવેલી મોરારિબાપુની રામકથાનો આજરોજ છેલ્લો દિવસ છે. જોકે, પ્રથમ દિવસથી જ પાંચાભાઈની ટીમ દ્વારા ભક્તોને દરરોજ મફત ચા/કોફી અને નાસ્તો આપી અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં ભક્તોએ તેનો લાભ લીધો હતો. એ પણ નોંધનીય છે કે, પાંચાભાઈ ભરવાડ દ્વારા માત્ર રામકથા જ નહીં પરંતુ, તમામ ધાર્મિક કાર્યક્રમોમાં આવી સેવાઓ આપવામાં આવે છે અને આ માટે અનેક લોકોનો પણ સહયોગ મળી રહે છે. જેને લઈને આવા ધાર્મિક પ્રસંગો દરમિયાન લોકોને વધુ સારી સુવિધા મળતી હોય છે.