સુરત શહેરમાં સચિન વિસ્તારના પાલીગામમાં ત્રણ બાળકીઓનાં શંકાસ્પદ મોત થતાં ભારે ચકચાર મચી હતી. ત્રણમાંથી બે બાળકીઓ આઈસ્ક્રીમ ખાધા બાદ ઘર પાસે તાપણું કરતી હતી. દરમિયાન ત્રણેયની તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી બાદ સરકારી હોસ્પિટલોમાં લઈ જવામાં આવી હતી. જ્યાં વહેલી સવારે ટુંકી સારવાર વચ્ચે ત્રણેયના મોત થયા હતા. અરેરાટી ભર્યા બનાવને કારણે મૃતક બાળકીઓનાં પરિવારજનોમાં ભારે ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સિવિલ હોસ્પિટલમાં ત્રણેય બાળકીઓનાં પેનલ પીએમ કરવામાં આવ્યા છે. જેના પ્રાથમિક રિપોર્ટમાં બે બાળકીઓના ફૂડ પોઈઝન સાથે ગૂંગળામણથી મોત અને એકનું ગૂંગળામણથી મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જો કે, ચોક્કસ કારણ જાણવા માટે ત્રણેયના વિશેરાના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા 252 પરિવારનો સર્વે કરાયો છે અને 12 સ્થળો પરથી આઈસક્રીમના નમૂના એકત્ર કરી તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ પોઈઝનીંગ અને ગૂંગળામણથી મોત થયાનું પ્રાથમિક તારણ
પેનલ પોસ્ટમોર્ટમ કરનાર તબીબે જણાવ્યું હતું કે, બે બાળકીઓને ફૂડ પોઈઝન અને ગૂંગળામણ થયું હોવાનું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. અનિતા અને અમ્રિતા બંનેએ આઈસ્ક્રીમ ખાધો હતો. જેથી તેમને ફૂડ પોઈઝન બાદ તાપણું કરતા સમયે ધુમાડાના કારણે ગૂંગળામણ થઈ હોવાની શક્યતા છે. જ્યારે દુર્ગા કુમારીને ધુમાડાના કારણે ગૂંગળામણ થયા બાદ મોત થયું હોવાની સંભાવના છે. ત્રણે બાળકીઓના વિશેરાના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સામે આવશે. શનિવારે ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત થયા હતા
પ્રાપ્ત માહિતી પ્રમાણે, સુરત શહેરના સચીન ખાતે આવેલ પાલીગામમાં અર્જુન ચાલમાં ન્યુ કાલી મંદિર પાસે રહેતા રામપ્રવેશ મહંતોની 12 વર્ષીય પુત્રી દુર્ગાકુમારી અને રામબાલક મહંતોની 14 વર્ષીય પુત્રી અમ્રિતા અને રામપ્રકાશ મહંતોની 9 વર્ષીય પુત્રી અનિતા 29 નવેમ્બરના રોજ બપોરે પોતાના ઘરની પાસે રમતી હતી, આ ત્રણેય બાળકીઓ પૈકી બે બાળકી અમ્રિતા અને અનિતાએ બપોરે ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન આઈસ્ક્રીમ ખાધા બાદ સાંજે સાડા ત્રણથી ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન ઘરની પાસે જ ઠંડીથી બચવા માટે તાપણું સળગાવ્યું હતું.આ દરમિયાન અન્ય બંને બાળકી બે સગી બહેન દુર્ગાકુમારી અને શીલા પણ ત્યાં તાપણા પાસે આવી હતી. બાદમાં તેણીએ આસપાસમાં રહેલુ પ્લાસ્ટિક અને કાગળ સહિતનો કચરો તાપણામાં નાખ્યો હતો. તાપણામાંથી ધુમાડા નીકળતાં તમામ બાળકીઓની હાલત ગંભીર થઈ ગઈ હતી અને જોત જોતામાં તમામને ઉલ્ટી થતાં તેઓ ઘરે પહોંચી હતી. ગંભીર હાલતમાં જોતાં જ ત્રણેયનાં પરિવારજનો દોડતા થઈ ગયા હતા. જે પૈકી દુર્ગાને પહેલા મરોલી ખાતે પ્રાથમિક હેલ્થ સેન્ટર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. અન્ય બાળકી અમ્રિતા અને અનિતાને સારવાર માટે પરિવારજનો ઘર પાસેની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે, ત્રણેય બાળકીના ગતરોજ વહેલી સવારે ટૂંકી સારવાર બાદ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ પાલીગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. આ સિવાય પોલીસ સહિત પાલિકાનો કાફલો પણ દોડતો થઈ ગયો હતો. પોલીસ દ્વારા તમામ બાળકીઓના સિવિલ હોસ્પિટલમાં પેનલ પીએમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ ફુડ પોઈઝનિંગની શક્યતાને ધ્યાને રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ચાર ભાઈ વચ્ચે એક માત્ર એક બહેનનું મોત થયું
સચિનના પાલીગામના અર્જુન ચાલમાં રહેતા રામબાલક મહંતો મજુરી કામ કરીને પરિવારજનોનું ભરણ પોષણ કરે છે, તેમની 14 વર્ષની પુત્રી અમ્રિતાના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, ચાર ભાઈઓ વચ્ચે એકની એક બહેન અમ્રિતાના મોતને પગલે ભાઈઓમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. જ્યારે દુર્ગાને એક ભાઈ અને એક બહેન હોવાનું જાણવા મળ્યું છે અને અનિતાના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને તેને પણ એક ભાઈ અને એક બહેન હોવાનું જાણવા મળ્યું છે. મૃતકો પૈકી બેનાં પરિવારજનો બિહારના મોતિહારના અને રામપ્રકાશ મહતો મુળ નેપાળના વતની હોવાનું જાણવા મળ્યું છે. યોગ્ય સારવાર નહી મળતા બાળાઓએ જીવ ગુમાવ્યાનો આક્ષેપ
સચિન જીઆઇડીસીના નહેરવાળા રસ્તે ઉલ્ટી થતાની સાથે તબિયત લથડતા ત્રણ બાળાના મોત થયા છે. મૃતક 8 વર્ષની અનિતાને સારવારમાં પ્રથમ ઘર નજીકના કલિનીકમાં લઇ જતા ત્યાંના તબીબે તબિયત સારી હોવાનું કહીને સામાન્ય દવા આપીને ઘરે મોકલી આપ્યા. બાદમાં તેણી ઘરમાં જ તરફડવા લાગતા ફરી કલિનીકમાં લઇ જતા તબીબે સારુ હોવાનું કહ્યુ હતું. ત્યાંથી અનિતાને સચિનની ખાનગી હોસ્પિટલમાં લઇ જતા તેણીની શ્વાસ લેવાની તકલીફ પડવા લાગી એટલી હદે તબિયત લથડી ત્યારે તબીબે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાનું કહ્યું હતું. કલાકોની યોગ્ય સારવાર ન મળતા અંતે અનિતાને નવી સિવિલમાં લવાય અને ત્યાં તેણીનું મોત થયું હતું. મૃતક 14 વર્ષિય અમૃતાને પણ પ્રથમ કલિનીક બાદ ખાનગી હોસ્પિટલ લઇ ગયા કલાકોની સારવારમાં તેણીની તબિયત ગંભીર થતા નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની નોબત આવી હતી. અમ્રિતાનું પણ ટૂંકી સારવારમાં મોત થયું હતું. મનપાના આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો
ઘર પાસે જ રમી રહેલી ત્રણ માસુમ બાળકીનોનાં મોતને પગલે સચિન પાલીગામમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે. ઘટનાને પગલે વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. જો કે, આઇસ્ક્રીમ ખાદ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થયું હોવાની શંકા છે. ત્રણ પૈકી બે કિશોરીઓએ આઈસ્ક્રીમનું સેવન કર્યું હતું. જેને પગલે હાલના તબક્કે બેનું ફૂડ પોઈઝન અને ધૂમાડાને કારણે ગુંગળામણ થતા ત્રણ બાળકીનાં મોત નિપજ્યાં હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ ઘટનાને પગલે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી. મનપા દ્વારા સચિન પાણીગામમાં ફુલ 252 પરિવારોને સર્વેમાં આવરી લેવાયા હતા. અને તેમાં 1209 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં સામાન્ય ઝાડા, ઝાડા ઉલટી, તાવ, એ.આર.આઈ કે અન્ય કોઈ બિમારી નોંધાઈ ન હતી. તેમજ 5 સ્થળેથી ક્લોરીન ટેસ્ટ પણ કરાયા હતા અને 6 જગ્યાએથી પાણીના સેમ્પલો લેવાયા હતા. 12 સ્થળો પરથી આઈસક્રીણના નમૂના લેવાયા
આ ઘટના બાદ સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. પ્રારંભિક તબક્કે આઈસ્ક્રીમ ખાધા બાદ ઉલ્ટી મોત નિપજ્યું હોવાની શંકા હતી. બાળકીઓએ આઈસ્ક્રીમ વિશેની તપાસ ચાલુ છે. આ વિસ્તારમાં આઇસ્ક્રીમ વેચતા 12 સ્થળેથી નમૂના પણ લેવાયા હતા. શું આઈસ્ક્રીમમાં નકામી ગુણવત્તાવાળા ઘટકો હતા? અથવા તેને સાચવવાના માર્ગમાં કમી રહી? આરોગ્ય વિભાગની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિવારજનોની પ્રાથમિક પુછપરછ કરી હતી.