સુરતના એક કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર.પાટીલે પ્રદેશ પ્રમુખ તરીકે પોતાની વિદાયના સંકેત આપ્યા હતા અને ચર્ચાનું કારણ બન્યા હતા ત્યારે હવે કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રી ફરી પરિવાર સાથેના એક વાઈરલ વીડિયોના કારણે ચર્ચાનું કારણ બન્યા છે. કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રી નવા બની રહેલા નિવાસ્થાનમાં નવા મહેમાન લાવ્યા છે, જેનું પરિવાર દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું છે. ગાયોની પૂજા અર્ચના કરીને સ્વાગત કરાયું
કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રીના નવા ઘરે આંધ્ર પ્રદેશથી ખાસ ત્રણ ગાયો લાવવામાં આવી છે. પરિવારના સભ્યો દ્વારા ગાયનું વિધિવત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ત્રણ ગાયને ગૃહ પ્રવેશ કરાવવામાં આવતો હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાટીલ પરિવારના સભ્યો દ્વારા ગાય માતાની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્રણેય ગાયને આરતી કરીને તેમને ફુલહાર કરી ઘરે લાવવામાં આવી હતી. પરિવારજનો જે પ્રકારે તેમને આસ્થાપૂર્વક સ્નેહ કરી રહ્યા છે, તે દૃશ્યો સૌ કોઈના દિલ જીતી લે એવા છે. ગાયનું કદ અને આકાર આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ ગાયને બળદ કરતાં થોડા લાંબા શિંગડા હોય છે
આંધ્ર પ્રદેશની પુંગનુર ગાય એક સ્વદેશી જાતિ છે. આ જાતિની ગાયો દક્ષિણ આંધ્ર પ્રદેશના રાયલસીમા ક્ષેત્રમાં ચિત્તૂર જિલ્લાના પુંગનુર, વાયલાપાડુ, મદનપલ્લે અને પલામનીર તાલુકાઓમાં જોવા મળે છે. આ ગાયોની વામન જાતિનો એક અલગ પ્રકાર છે. તેઓ વિશ્વમાં સૌથી નાના ખૂંધવાળી ગાયો માનવામાં આવે છે. તેમનું નાનું કદ તેમને ઘરે રાખવાનું સરળ બનાવે છે. પુંગનુર ગાયો સફેદ, કથ્થઈ, આછા અથવા ઘેરા બદામી અને કાળી હોઈ શકે છે. આ ગાયોના શિંગડા નાના અને અર્ધચંદ્રાકાર આકારના હોય છે. તેમની લંબાઈ ભાગ્યે જ 10-15 સે.મી. નર (બળદ)માં શિંગડા મોટાભાગે પાછળ અને આગળ વળે છે. ગાયોમાં તેઓ સીધા અને આગળ વળેલા હોય છે. આ ગાયને બળદ કરતાં થોડા લાંબા શિંગડા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના નિવાસ્થાને લાવ્યા બાદ ચર્ચામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉતરાયણના દિવસે દિલ્હી ખાતેના તેમના નિવાસ્થાને આંધ્ર પ્રદેશની પુંગનુર ગાય લાવ્યા હોવાના વીડિયો વાયરલ થયા હતા, જેમાં PM ગાય સાથે સમય પસાર કરી રહ્યા હતા અને તેને સ્નેહ કરી રહ્યા હતા. ત્યારબાદ એકાએક જ આ ગાયને પ્રજાતિ દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી અને ભારે કુતુહલ પણ ફેલાયો હતો કારણ કે, આ પ્રજાતિની ગાય વિશે વધુ લોકોને માહિતી ન હતી. પુંગનુર ગાયની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે
પુંગનુર ગાય ભારતની એક દુર્લભ અને પ્રાચીન ગાયની જાતિ છે. પુંગનુર ગાયની પ્રજાતિ લુપ્ત થવાના આરે છે. તેની સંખ્યા ઓછી હોવાને કારણે તેની કિંમત લાખોમાં છે. આપણા વેદોમાં પણ આ ગાયનો ઉલ્લેખ જોવા મળે છે. પુંગનુર ગાયનો હજારો વર્ષ જૂનો ભવ્ય ઇતિહાસ છે. આ ગાય આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં જોવા મળે છે અને આ ગાયનું નામ આ શહેર પરથી રાખવામાં આવ્યું છે, જેનો પ્રાચીન ઇતિહાસ છે. આ ગાયની કિંમત અંદાજે 1-10 લાખ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. તિરુપતિ બાલાજીમાં પુંગનુર ગાયનું દૂધ ચઢાવવાની પરંપરા
તિરુપતિ બાલાજીમાં કરોડો લોકોની ખૂબ જ આસ્થા છે. શરૂઆતમાં ગાય માત્ર અડધો લીટર જેટલું જ દૂધ આપતી હતી પરંતુ, હવે તે દરરોજ દોઢથી બે લીટર દૂધ આપી રહી છે. જ્યારે લોકો ગાય ખરીદવા પુંગનુરમાં આવ્યા ત્યારે ત્યાંના લોકોએ કહ્યું કે, આ ગાયનું દૂધ તિરુપતિ બાલાજીમાં ચઢાવવામાં આવે છે. તેઓ ધીરે-ધીરે લુપ્ત થઈ રહી હતી પરંતુ, હવે તેમના સંરક્ષણ માટે પ્રયાસો થઈ રહ્યા છે. સરકાર દ્વારા પણ હવે આ ગાયની પ્રજાતિનું સંરક્ષણ સારી રીતે થાય તેના માટે વિવિધ પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.