રાજ્ય ગૃહમંત્રી દ્વારા આજે સુરત શહેરમાં રાજ્યનો સૌપ્રથમ એન્ટી નાર્કોટિસ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. આજે રાજ્યભરમાં ડ્રગ્સ ખૂબ મોટા પ્રમાણમાં ઝડપાઈ રહ્યું છે. એ પણ વાસ્તવિકતા છે કે, રાજ્યના યુવાનો ડ્રગ્સના રવાડે ચડીને પોતાનું જીવન અંધારામાં ધકેલી રહ્યા છે. ડ્રગ્સના કારણે યુવાનો પોતાની જિંદગીને નરક સમાન બનાવી રહ્યા છે ત્યારે આવા યુવાનોને ફરી એક વખત તમામ પ્રકારની કાઉન્સિલિંગ અને સારવાર આપવા માટેની ઝુંબેશ રાજ્યો ગૃહ વિભાગે શરૂ કરી છે, તેના ભાગરૂપે સુરતમાં પહેલી વખત એન્ટી નાર્કોટિક્સ યુનિટ તૈયાર કરવામાં આવી છે. અહીં જે પણ સારવાર લેવા માટે આવશે તે કોઈપણ વ્યક્તિની માહિતી જાહેર કરવામાં આવશે નહીં. તેમની સામે કોઈપણ પ્રકારના એક્શન પણ લેવામાં આવશે નહીં એટલે ડર્યા વગર આ યુનિટનો વધુમાં વધુ લાભ લેવા માટે રાજ્ય ગૃહમંત્રીએ આવાહન કર્યું હતું. દરેક વ્યક્તિએ કાયદા-વ્યવસ્થાનું પાલન કરવું જરૂરી
રાજ્ય ગૃહમંત્રીએ જણાવ્યું કે, સુરત શહેરમાં જે ક્રાઈમ થઈ રહ્યા છે તે પૈકીના સૌથી વધારે ક્રાઇમ ઉધના, પાંડેસરા, લિંબાયત જેવા વિસ્તારમાં નોંધાઈ રહ્યા છે કોઈપણ મોટી ઘટના બને ત્યારે અહીંથી ક્રાઈમ બ્રાન્ચ સુધી જવામાં સમય વેડફાતો હોય છે, જેને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચનું યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દેશના અલગ-અલગ રાજ્યોમાંથી અહીં લોકો રોજગારી મેળવવા માટે આ વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રીમાં કામ મેળવતા હોય છે. સાથે-સાથે અન્ય રાજ્યના લોકો પણ અહીં ખૂબ મોટી સંખ્યામાં રહે છે. તમામ લોકોએ કાયદા-વ્યવસ્થાનું પાલન કરવું જરૂરી છે અને જો તે કાયદા વ્યવસ્થાનું પાલન ન કરે તો તેને કાયદાનું ભાન કરાવવાની પણ જવાબદારી આપણી છે. ક્રાઈમ બ્રાન્ચ પાંડેસરા યુનિટના લોકાર્પણ બાદ આ વિસ્તારની અંદર પોલીસ ઝડપથી કામગીરી કરી શકે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અસામાજિક અને ગુનાહિત પ્રવૃત્તિ કરનારાઓના વરઘોડા તો નીકળશે જ
વધુમાં તેઓએ જણાવ્યું કે, સુરત શહેરમાં પોલીસ દ્વારા ખૂબ વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે અને હું સ્પષ્ટતા સાથે કહું છું કે, આ વરઘોડા તો નીકળશે જ અને નીકળવા જ જોઈએ. કોઈપણ વ્યક્તિ જાહેરમાં તલવાર લઈને નીકળતો હોય તો તે એક ડગલું પણ ચાલી ન શકે એવી રીતે પોલીસ ટ્રીટમેન્ટ આપે છે. તમે જોયા હશે કે, છેલ્લા ઘણા દિવસોથી વરઘોડા ખૂબ નીકળી રહ્યા છે અને હજી પણ શહેરના ખૂણામાં સંતાયેલા આવા સામાજિક તત્વો કે જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા ડરતા નથી. તેઓને સબક શીખવાડવા માટે વરઘોડા નીકળશે જ અને નીકળતા રહેશે. કન્સલ્ટન્સી એજન્સીની કોઈ જરૂર નથી
ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સરકાર દ્વારા જે પોલિસી બનાવવામાં આવી છે, તે પોલિસીનો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો ખૂબ સારી રીતે લાભ લેશે એવી મને આશા છે પરંતુ, હું એક વાતની ટકોર કરવા માંગુ છું કે કોઈપણ વ્યક્તિ કે જે યોજનાનો લાભ લેવા માંગતી હોય તેણે કન્સલ્ટન્સ વ્યક્તિને રોકીને ખોટો ખર્ચ કરવાની જરૂર નથી. જો તમારી માનસિકતા એવી હશે કે, કન્સલ્ટન્સ દ્વારા આપવામાં આવતા ડોક્યુમેન્ટના આધારે ઝડપથી યોજનાનો લાભ મળશે તો એ વાત ખોટી છે. જે પોલિસી છે તે અંતર્ગતના તમામ નિયમો અને ડોક્યુમેન્ટ જો તમે ફોલો કરશો તો તમને પણ સહજતાથી યોજનાઓનો લાભ મળી જશે. કન્સલ્ટન્સી એજન્સી કે વ્યક્તિને રોકીને ખોટા ખર્ચ કરવાની કોઈ જરૂરિયાત નથી.