જિલ્લા મથક ભુજ શહેરનો વહીવટ સંભાળતી નગરપાલિકા કચેરી વાર્ષિક કરોડોનો આવક વેરો ધરાવે છે, તેમ છતાં અનેક સ્થળે બિસ્માર રોડ રસ્તા અને ગટર સહિતની મૂળભૂત સેવાઓ પુરી પાડવામાં સફળ થઈ શકી નથી. રેલવે સ્ટેશન પાસે કાયમી ગટર સમસ્યાનો પ્રશ્ન લોકોને અકળાવી રહ્યો છે, ત્યાં હવે શહેરના કેટલાક વિસ્તારમાં ગટરની ચેમ્બર અને વોકળા ઉપરના ભયજનક પુલિયા પ્રજાજનો સાથે અબોલ પશુઓ માટે જોખમ સર્જી રહ્યા છે. આ પ્રકારની બે ઘટનાએ હાલ પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે, જેમાં ભારત નગર વિસ્તારમાં ખુલ્લી ગટર ઉપર દીવાલ વિનાના પુલિયા પરથી પસાર થતો સ્કૂટર ચાલક ગટરના વોકળામાં પડી જતા હાથના ભાગે અસ્થિભંગ જેવી ગંભીર ઈજા પામ્યો હતો. જ્યારે માધાપર નજીક રેલવે લાઈન પાસે નર્મદા પાણીની વાલ્વ માટેની ચેમ્બરમાં એક ભેંસ પડી જતા માલધારી પરિવારને રૂ.2 લાખનું નુકસાન થયું હતું. આ બનાવથી જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ હતી. ભુજ શહેરમાં ગટરની ચેમ્બરના કારણે જોખમ ઉભું થઈ રહ્યું હોવાની ફરિયાદ સામે આવી હતી, આ અંગે ભુજ સુધારાઈ અધ્યક્ષા રશ્મિકાબેન સોલંકીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, પાણીના વાલ્વની ચેમ્બર ઉપરના ઢાંકણા માટેનો કોન્ટ્રાકટ ખાનગી કોન્ટ્રાકટરને હતસ્ક હોવાથી એ તેની જવાબદારીમાં આવે છે, જ્યારે ભારત નગરમાં દીવાલ વગરના ગટર ઉપરના બ્રિજ વિશે પૂછતાં આ મામલે આવતીકાલ સોમવારે તપાસ કરાવી લેવા જણાવ્યું હતું. અલબત્ત શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસકામોની જાહેરાતો જરૂર થતી રહે છે પરંતુ લોકોની અસુવિધાઓ દર વર્ષે યથાવત રહેવા પામી રહ્યા છે.