ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે રવિવારે ICCના અધ્યક્ષનું પદ સંભાળ્યું છે. તેમનો કાર્યકાળ આજે પહેલી ડિસેમ્બરથી શરૂ થયો છે. ગ્રેગ બાર્કલેનું સ્થાન લેનાર 36 વર્ષીય જય શાહ ICCના સૌથી યુવા અધ્યક્ષ બન્યા છે. જય શાહે કહ્યું- “મને ICCના અધ્યક્ષ તરીકે ચૂંટવા બદલ દરેકનો આભાર. હું ક્રિકેટને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીશ. અત્યારે ક્રિકેટના મલ્ટીપલ ફોર્મેટને પ્રોત્સાહન આપવું મહત્વપૂર્ણ છે. હું નવી ટેક્નોલોજી લાવવાનો પ્રયાસ કરીશ. રમત, સાથે હું વર્લ્ડ કપ જેવી ઇવેન્ટને પણ ગ્લોબલ માર્કેટમાં લઈ જઈશ.” 2028માં ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ એક મોટી ઉપલબ્ધિ છે. અમે તેને ઓલિમ્પિકથી વૈશ્વિક ઓળખ અપાવીશું અને તેને વધુ દેશોમાં લઈ જવાનો પ્રયાસ કરીશું. જય શાહ ICCના પાંચમા ભારતીય ચીફ બન્યા
જય શાહ પહેલાં 4 ભારતીયો ICC ચીફનું પદ સંભાળી ચુક્યા છે. જગમોહન દાલમિયા 1997 થી 2000 સુધી ICCના વડા, 2010 થી 2012 સુધી શરદ પવાર, 2014 થી 2015 સુધી એન શ્રીનિવાસન અને 2015 થી 2020 સુધી શશાંક મનોહર હતા. 2015 પહેલાં ICC ચીફને પ્રમુખ કહેવામાં આવતા હતા. હવે તેને અધ્યક્ષ કહેવાય છે. જય શાહ સૌથી યુવા અધ્યક્ષ બન્યા
જય શાહ આ વર્ષે 22 સપ્ટેમ્બરે 36 વર્ષના થયા છે. તેઓ 36 વર્ષની વયે 1 ડિસેમ્બરે ICC અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેઓ ICCના 16મા અધ્યક્ષ બન્યા છે. તેમના પહેલા તમામ 15 અધ્યક્ષોની ઉંમર 55 વર્ષથી વધુ હતી. જય શાહ પહેલાં સાઉથ આફ્રિકાના પર્સી સન 2006માં 56 વર્ષની વયે પ્રમુખ બન્યા હતા. તેમનાથી 20 વર્ષ નાના જય શાહ હવે 36 વર્ષની ઉંમરે ICCના સૌથી યુવા અધ્યક્ષ બન્યા છે. બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થયો
ન્યૂઝીલેન્ડના ICC અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થયો છે. ICCએ 20 ઑગસ્ટે કહ્યું હતું કે બાર્કલે સતત ત્રીજી વખત અધ્યક્ષ નહીં બને. તેઓ 2020 થી આ પોસ્ટ પર હતા. જય શાહ ICC અધ્યક્ષ પદ માટે બિનહરીફ ચૂંટાયા હતા. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ મંગળવાર હતી. જય સિવાય આ પદ માટે કોઈ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ન હતી.