સાયબર ક્રાઈમના અલગ અલગ રીતે ગુનાઓ બની રહ્યા છે. કપડવંજમાં યુવકે વોટ્સઅપ પર આવેલી અજાણી લીંક ક્લિક કરતા બેંકના ખાતા, ક્રેડિટ કાર્ડમાંથી લાખો રૂપિયા ઉપડી ગયાનો બનાવ સામે આવ્યો છે. ગઠીયાએ લીંક મોકલી રૂપિયા 3.51 લાખ ઉપાડી લેતા જે તે સમયે સાયબર ક્રાઇમ અને એ બાદ ગતરોજ કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મહેમદાવાદ શહેરના મહુધા રોડ પર આવેલી બાપુકાકા સોસાયટીમાં રહેતા 36 વર્ષિય આશિષ જયંતિભાઈ પટેલ પહેલા કપડવંજ ખાતે રહેતા હતા. આ દરમિયાન ગત 6 ફેબ્રુઆરી 2024ના રોજ તેઓ કપડવંજ ખાતે પોતાના ઘરે હાજર હતા. ત્યારે તેમના વોટ્સએપ મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી એક લીંક આવેલી હતી. જે લીંક પર આશિષભાઈએ ક્લિક કરી હતી. જોકે કાઈ બતાવતુ ન હોય તે બહાર નીકળી ગયા હતા. પરંતુ આ પહેલા જ તેમના પત્નીના એકાઉન્ટમાંથી નાણાં ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો. આશીષભાઈ વધુ કાંઈ સમજે તે પહેલાં તેમની પત્નીના ક્રેડિટ કાર્ડમાંથી પણ રૂપિયા ઉપડી ગયા હતા. આ બાબતે તુરંત આશિષભાઈએ સાયબર ક્રાઇમમા ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ બાદ 19 ફેબ્રુઆરીના રોજ પણ બીજા રૂપિયા ઉપડી ગયા હતા. આમ ગઠિયાએ કુલ રૂપિયા 3 લાખ 51 હજાર 691 ઉપાડી લીધા હતા. આ બાબતે જે તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન પર અને એ બાદ ગતરોજ કપડવંજ ટાઉન પોલીસમાં અજાણ્યા મોબાઈલ ધારક સામે તેમણે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.