અંબાલાલની ડિસેમ્બરમાં ઠંડી વધવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ઠંડી વધવાની આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલના આસપાસના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 12 થી 15 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરી છે. મોરારિ બાપુની રામકથામાં કુલ 120 કરોડનું દાન એકત્ર રાજકોટના જામનગર રોડ પર પડધરી પાસે 30 એકર જગ્યામાં રૂપિયા 300 કરોડના ખર્ચે દેશનું સૌથી મોટું સદભાવના વૃદ્ધાશ્રમ નિર્માણ પામી રહ્યું છે. જેમાં 5,100 નિરાધાર, નિ:સંતાન અને બીમાર વડીલોને આશ્રય આપવામાં આવશે, ત્યારે તેના લાભાર્થે શહેરના રેસકોર્સ મેદાનમાં મોરારિ બાપુની રામકથા આજે સંપન્ન થઈ હતી, ત્યારે આ રામકથામાં 60 કરોડનું દાન એકત્ર થયું હોવાનું સદભાવના વૃદ્ધાશ્રમના મોભી વિજય ડોબરિયાએ જાહેર કર્યું હતું. જોકે, ભૂમિપૂજન વખતે 60 કરોડ એકત્ર થયાનું જણાવ્યું હતું એટલે કે અત્યાર સુધીમાં કુલ 120 કરોડનું દાન પ્રાપ્ત થયું છે. વડોદરાના દાંતના મ્યુઝિમયને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન વડોદરાના દંત ચિકિત્સક ડો. યોગેશ ચંદારાણા અને ડો. પ્રણવ ચંદારાણાએ પોતાના ખિસ્સામાંથી સારો એવો મોટો ખર્ચ કરીને અને દુનિયામાં જ્યાંથી મળી ત્યાંથી દાંતને લગતી, ચિકિત્સાને લગતી, તેના ઇતિહાસ અને ભૂતકાળને લગતી, દાંતની કાળજીને લગતી સાધન સામગ્રી એકત્ર કરીને, અંદાજે 7 હજાર નમૂનાઓ પ્રદર્શિત કરતું દંત જ્ઞાન સમૃદ્ધ સંગ્રહાલય બનાવ્યું છે. ગુજરાત અને એશિયાનું આ એકમાત્ર ખાનગી દંત સંગ્રહાલય છે. આગોતરો સંપર્ક કરી સમય લઈને શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓને કોઈ પ્રવેશ ફી વગર વિનામૂલ્યે તે બતાવી શકે છે. રસ ધરાવતા લોકો પણ એ રીતે એની મુલાકાત લઈ શકે છે. કાકડિયા હોસ્પિ.માં સ્ટેન્ટ મૂક્યા બાદ યુવકનું મોત અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કાકડિયા હોસ્પિટલમાં દર્દીને સ્ટેન્ટ મૂક્યા બાદ તેનું મૃત્યુ થતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા પરમાર અરવિંદભાઈને મોડી રાત્રે દુખાવો થતાં હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવ્યા હતા. આજે સવારે એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂક્યા બાદ તેની તબિયત વધારે બગડી હતી અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, હોસ્પિટલની બેદરકારીથી સ્ટેન્ટ મૂક્યા બાદ તેનું મૃત્યુ થયું છે. જેથી, પરિવારજનોએ હોસ્પિટલ પહોંચી અને હોબાળો મચાવ્યો છે. આ હોસ્પિટલમાં ભાજપના નેતા અને પૂર્વ મંત્રી વલ્લભભાઈ કાકડિયા ટ્રસ્ટી છે. વિરોધીઓને રાદડિયાની ચીમકી રાજકોટ જિલ્લાના જેતપુરના ધારાસભ્ય અને સરકારી આગેવાન જયેશ રાદડિયાનો વધુ એક વખત હુંકાર કરતો વીડિયો સામે આવ્યો છે. જયેશ રાદડિયાએ વધુ એક વખત નામ લીધા વગર વિરોધીઓને આડે હાથ લીધા છે. આ અંગે જાહેર મંચ ઉપરથી તેઓએ જણાવ્યું હતું કે, મને આડા આવવાનું રહેવા દેજો અને નક્કી જ કર્યું હોય આડું આવવા તો તેનો મારે હિસાબ કરવા મેદાનમાં ઊતરવું ન પડે તેનું ધ્યાન રાખજો. ઊતરવું પડે તો પણ મારી તૈયારી છે હું પણ રાજકીય માણસ છું. સાંસદે ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગેરકાયદેસર રેતી ખનન મામલે અધિકારીઓને આડે હાથ લીધા બાદ હવે અંકલેશ્વરમાં આવેલી કામદારો માટે આશીર્વાદ સમાન ESIC હોસ્પિટલના વહીવટકર્તાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં ચાલતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતીના આક્ષેપ કરી આ અંગે શ્રમ રોજગાર મંત્રીને રજૂઆત કરવા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. 15 દિવસે ભાજપનો દુષ્કર્મી કાઉન્સિલર ઝડપાયો આણંદની એક પરિણીતાને પીંખનાર દુષ્કર્મી કાઉન્સિલર દીપુ પ્રજાપતિ પોલીસના હાથે લાગ્યો છે. ગત 16 નવેમ્બરે પરિણીતાને રાતના દસ વાગ્યે પતિ અને બાળકો આઈસક્રીમ લેવા ગયા ત્યારે દીપુ ઘરમાં ઘૂસ્યો હતો. દીપુ પ્રજાપતિએ ઘરમાં ઘૂસીને એકલતાનો લાભ લઇ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન પરિણીતાના પતિ ઘરે આવી જતાં દીપુને પકડી લીધો હતો. બૂમાબૂમ થતાં પરિવારજનો તેમજ આસપાસના રહીશો એકત્રિત થઈ ગયાં હતાં. તે રંગેહાથ ઝડપાયો હતો. ત્યારે તેણે તેના સાગરીતોને બોલાવીને પરિણીતા અને તેના પતિ સહિતનાને માર માર્યો હતો અને ફરાર થઈ ગયો હતો.