આગામી 7 ડિસેમ્બરના રોજ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજાવાનો છે. આ ભવ્ય કાર્યક્રમ માટે અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. જો કે આ કાર્યક્રમની ઘણી બધી વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. અગાઉ શતાબ્દી મહોત્સવનું એક મહિના સુધીનું સફળ આયોજન થયું હોવાના કારણે આ વખતે પણ હરિભક્તોના મનમાં ઉત્કંઠા છે કે કાર્યકર સુવર્ણ મહોત્સવ કેવો હશે? કાર્યક્રમને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે જ્ઞાનનયન સ્વામી પાસેથી કેટલીક જાણકારી મળી છે. BAPS દ્વારા શા માટે કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે? તેનો સર્વપ્રથમ વિચાર મહંત સ્વામીને ક્યારે આવ્યો? આ કાર્યક્રમના વિચારથી લઈને અમલીકરણ સુધીની કેટલીક રસપ્રદ માહિતી તેમણે એક વીડિયોમાં શેર કરી છે. 1972થી કાર્યકરોની નોંધણી શરૂ થઈ, 2022માં 50 વર્ષ પૂરાં થયાં
જ્ઞાનનયન સ્વામી જણાવે છે, શાસ્ત્રીજી મહારાજના વખતમાં પણ ઘણા કાર્યકર હતા. યોગીજી મહારાજના સમયમાં પણ મંડલના પ્રમુખો હતા. વિવિધ સેવાઓમાં હરિભક્તો જોડાતા હતા. પણ પ્રમુખસ્વામી મહારાજે 1972ની સાલમાં પ્રથમ વખત મધ્યસ્થ કાર્યાલયની સ્થાપના કરી અને બધા કાર્યકરોને રજિસ્ટર કરીને સત્તાવાર રીતે વ્યવસ્થા તંત્ર ઊભું કર્યું હતું. જેથી નિયમિત રીતે આ બધા કાર્યકરો પોતપોતાનું ઉત્તરદાયિત્વ નિભાવે અને જે તે મંડલને જે જવાબદારી સોંપવામાં આવી હોય એ સારામાં સારી રીતે પૂરી થાય. 1972માં જે વ્યવસ્થા તંત્ર ઊભું થયું તેને 2022માં 50 વર્ષ પૂરા થયા હતા. એટલે કાર્યકર સુવર્ણ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાવાનો હતો. પરંતુ આ જ સમયગાળામાં એટલે કે 2021માં પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઊજવવાનું આયોજન હતું. કોરોનાના કારણે શતાબ્દી મહોત્સવને 2022માં ઊજવવામાં આવ્યો હતો. શતાબ્દી મહોત્સવ બાદ કાર્યકર સુવર્ણ મહોત્સવની તૈયારી શરૂ થઈ
શતાબ્દી મહોત્સવની ભવ્ય સફળતા બાદ કાર્યકર સુવર્ણ મહોત્સવનું શું કરવું એ વરિષ્ઠ સંતોના મનમાં પ્રશ્ન હતો. બે વિકલ્પો હતા. સામાન્ય રીતે BAPSની અઠવાડિયે સભા થાય એમાં ઊજવી લેવો કે પછી ભવ્ય મહોત્સવ કરવો? મહંત સ્વામી મહારાજના અંગત સેવક ઉત્તમયોગીદાસ સ્વામી જણાવે છે, મહંત સ્વામી જ્યારે બોચાસણમાં હતા ત્યારે મધ્યસ્થ કાર્યાલયના સંતો તેમને પૂછવા આવ્યા કે કાર્યકર સુવર્ણ મહોત્સવ ઊજવવો કે નહીં? ત્યારે મહંત સ્વામીએ આગ્રહપૂર્વક કહ્યું કે આ ઉત્સવ આપણે ઊજવવો જ છે. એ સમયે પહેલીવાર કાર્યકર સુવર્ણ મહોત્સવની જય બોલાવી. ત્યારે મહંત સ્વામીએ કહ્યું, ફરીવાર જય બોલો. જ્ઞાનનયન સ્વામી જણાવે છે કે મહંત સ્વામી મહારાજે એકવાર કાર્યકર સુવર્ણ મહોત્સવ શબ્દ વાપર્યો હતો. ત્યારે સંતોએ પૂછ્યું બાપા એવું કેમ બોલ્યા? તેમણે કહ્યું હતું કે, આ કાર્યકરો સુવર્ણ જેવા છે. મહંત સ્વામીએ પત્ર લખ્યો અને 10 મહિના પહેલાં તૈયારી શરૂ થઈ
અબુધાબીમાં 14મી ફ્રેબ્રુઆરી, 2024ના રોજ BAPSના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હતા. ખૂબ મોટાપાયે આયોજન હતું. ત્યારે એક દિવસ અગાઉ મહંત સ્વામીએ પત્ર લખ્યો. જેમાં કાર્યકર સુવર્ણ મહોત્સવ નિમિત્તે કેવાં-કેવાં આયોજન કરવા એ વિશે વિગતવાર લખ્યું હતું. મહંત સ્વામીએ હરિભક્તોને સંબોધીને લખ્યું હતું, તમારા બધાનું મન અબુધાબીમાં છે પણ મારું મન તમારા બધામાં છે. ધનુર માસના વાક્યો લખવાના હોય તેમાં પણ મહંત સ્વામીએ વારંવાર કાર્યકરોને યાદ કર્યા. તેમણે લખ્યું હતું, “કાર્ય” આગળ હોય અને “કર્તા” પાછળ હોય એ સાચો કાર્યકર્તા, ધણી થઇને સેવા કરે તે સાચા કાર્યકર. 1500થી વધુ બાળકોનું પ્રેઝન્ટેશન, વૈશ્વિક કક્ષાનું લાઇટિંગ
જ્ઞાનનયન સ્વામીએ કહ્યું, હું થોડી મભમમાં જ વાત કરીશ કે કેવો આ ઉત્સવ હશે. કારણ કે અત્યારે રહસ્ય ઉદ્ઘાટિત ન કરી શકાય. પણ તમે જ્યારે જોશો ત્યારે જ માનશો કે તેની ભવ્યતા અને દિવ્યતા કેવી છે. ટૂંકમાં કહું તો સંસ્થાના ઇતિહાસમાં સ્ટેડિયમમાં આ પ્રકારનો મહોત્સવ અગાઉ ક્યારેય થયો નથી. ભારતમાં પણ આવી પ્રસ્તુતિ ક્યારેય થઇ ન હોય એવી પ્રસ્તુતિ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાની છે. તેમણે વધુમાં જણાવ્યું, સામાન્ય રીતે BAPSના કાર્યક્રમમાં બે સ્ટેજ હોય છે. એક પર મહંત સ્વામી અને વરિષ્ઠ સંતો બિરાજમાન થતાં હોય છે. બીજું સ્ટેજ પ્રસ્તુતિ મંચ હોય. આ વખતે અમદાવાદના સ્ટેડિયમમાં પ્રસ્તુતિ મંચ નથી. કારણ કે આખું ક્રિક્રેટનું ગ્રાઉન્ડ જ પ્રસ્તુતિ મંચ બનશે. એમાં 1500થી વધારે બાળકો અભિવાદન કરવા માટે જુદા-જુદા પ્રેઝન્ટેશન અદભુત રીતે રજૂ કરશે. ફક્ત લાઇટિંગની વાત કરવામાં આવે તો વર્લ્ડ કપ જેવી મોટી ઇવેન્ટમાં લાઇટિંગની વ્યવસ્થા કરનાર નમિત કામ્બલી સાથે જ્યારે મિટિંગ થઇ હતી ત્યારે હરિભક્તોએ બધું સમજાવ્યું કે અમે શું-શું વિચાર્યું છે. ત્યારે નમિત કામ્બલી અભિભૂત થઇ ગયા. એમણે કહ્યું, ભારતમાં આવું કામ થતું જ નથી. ઉત્સવના દસ-પંદર દિવસ પહેલાં આટલું ડિટેઇલ પ્લાનિંગ કોઈએ કરી રાખ્યું હોય એવું ક્યારેય થતું નથી. બીજી વાત તેમણે કરી કે 2007માં મને દુબઇમાં એક કામ મળેલું. ત્યારે મેં આ પ્રકારનું થોડું કામ કર્યું હતું. ત્યારથી મારો વિચાર હતો કે બીજીવાર આ લેવલનું, આ ક્વોલિટીનું કામ કરું. પણ કોઈ જગ્યાએ આવી તક મળી ન હતી. પણ અહીંયાં તમારું જે આયોજન છે એનાથી મને પણ તમારી સાથે કામ કરવામાં ખૂબ આનંદ આવશે. એક પ્રસંગને યાદ કરતા જ્ઞાનનયન સ્વામીએ કહ્યું, જ્યારે સંતોએ પૂછ્યું બાપા આ કાર્યકરોને કેવી રીતે વધાવવા છે? મહંત સ્વામીએ ચોખાથી કાર્યકરોને વધાવવાનું નક્કી કર્યું. તેમણે 91 વર્ષની ઉંમરે જાતે ધ્રુજતા હાથે અણીશુદ્ધ ચોખા ફોલ્યા. અમે તેમની આજ્ઞાથી આ કામ કર્યું તો ખબર પડી કે ચોખા ફોલવાનું કાર્ય બહુ શ્રદ્ધાનું ખરું, પણ બહુ અઘરું છે. આમ, એમણે ફોલેલા અણીશુદ્ધ ચોખાથી કાર્યકરોનું અભિવાદન કરવાનું છે. જ્ઞાનનયન સ્વામીએ ગત એપ્રિલ મહિનામાં સાળંગપુર ખાતે ઉજવાયેલા દિવ્ય સંનિધિ પર્વ પછીનો એક કિસ્સો યાદ કર્યો હતો. તેમણે કહ્યું, એ સમયે મહંત સ્વામીને ઘણા બધા હરિભક્તો મળ્યા હતા. આ કાર્યક્રમ પૂરો થયો ત્યારે સંતોએ મહંત સ્વામીને પૂછ્યું કે બાપા, કાર્યકરોને દર્શનનો લાભ આપીને આપને સંતોષ થયો ને?
ત્યારે મહંત સ્વામીએ કહ્યું, ના, મને સંતોષ નથી થયો. બધાને આશ્ચર્ય થયું કે કાર્યકરોને આટલો બધો લાભ મળ્યો છે. બધા કાર્યકરો પોતાની જાતને ધન્ય સમજતા હતા. છતાં મહંત સ્વામી આવું કેમ બોલ્યા?
સંતોએ પૂછ્યું બાપા, કઈ વાતની કસર રહી ગઈ?
મહંત સ્વામી કહે, મારે તો હજુ એકેએક કાર્યકરને ભેટવું છે. એ જ દિવસોમાં મહંત સ્વામી એકવાર એવું પણ બોલ્યા હતા કે, મારા પગ નથી ચાલતા. નહીં તો હું દરેક કાર્યકરના ઘરે પધરામણી કરત.
ત્યારે જ્ઞાનેશ્વર સ્વામીએ કહ્યું, બાપા… આવું મનમાં ના રાખો કે હું કાર્યકરો માટે કંઈ કરી નથી શકતો.
તો મહંત સ્વામીએ કહ્યું હતું, એ તો મનમાં રહેશે જ. 2022માં જ્યારે અમદાવાદમાં શતાબ્દી મહોત્સવ ઉજવાયો ત્યારે તમામ લોકોને પ્રવેશની છૂટ હતી. પરંતુ 7 ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ખૂબ સીમિત સંખ્યામાં જ લોકોને આમંત્રિત કરાશે. BAPS તરફથી મળેલી જાણકારી પ્રમાણે કેવળ સમર્પિત કાર્યકરોને જ પ્રવેશ આપવામાં આવશે. જ્યારે સામાન્ય લોકો અન્ય માધ્યમો થકી આ કાર્યક્રમ નિહાળી શકશે.