દારૂ પીવાના પૈસા ન આપતા દારૂડિયાએ છરીના ઘા માર્યા
અમદાવાદમાં દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ નાઈટ હાથ ધરીને ગુનાખોરી પર અંકુશ લાવવામાં આવી રહ્યો હોવાનું બતાવવામાં આવી રહ્યું છે, પરંતુ શહેરમાં ખુલ્લેઆમ હુમલાના બનાવો સામે આવી રહ્યા છે. શાહપુર વિસ્તારમાં દારૂ પીવાના રૂપિયા માંગવા બાબતે એક યુવક પર દારૂડીયાએ છરી વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ માધવપુરા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હુમલા બાદ યુવક હાલ જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડની તજવીજ શરૂ કરી છે શાહપુર વિસ્તારમાં રહેતા હીરાબેન પરમાર રાજસ્થાન હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે અને ગુજરાન ચલાવે છે. હીરાબેન પરમારને બે દિકરા અને એક દીકરી છે. હીરાબેનનો નાનો દિકરો નિકુંજ પરમાર થોડા દિવસ પહેલા પ્રેસમાં નોકરી કરતો હતો, પરંતુ તેણે નોકરી છોડી દીધી હતી અને બે દિવસ પછી ફાર્માસીટીકલ કંપનીમા નોકરી લાગવાનો હતો. ગઇકાલે બપોરે નિકુંજ તેના ઘર પાસે ઉભો હતો ત્યારે હીમાંશુ વાણીયા તેને મળ્યો હતો અને દારૂ પીવાના પૈસા માંગ્યા હતા. નિકુંજ પાસે રૂપિયા નહીં હોવાથી તેણે આપવાનો ઇન્કાર કરી દીધો હતો જેના કારણે હીમાંશુ ગુસ્સે થયો હતો. હીમાંશુ નિકુંજને અપશબ્દો બોલીને ત્યાંથી જતો રહ્યો હતો. રાતે નીંકુજ તેના ઘરની નજીક ઉભો હતો ત્યારે હીમાંશુ ચીક્કાર દારૂ પીધેલી હાલતમાં આવ્યો હતો. નિકુંજ કઇ બોલે તે પહેલા હીમાંશુએ તેને આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા. ગળા તેમજ શરીરના ભાગ પર છરીના ઘા ઝીંકતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. આ ઘટના નિકુંજની માતા હીરાબેન સહિતના લોકોએ જોતા તે દોડી આવ્યા હતા. લોકોનું ટોળુ ભેગુ થઇ જતા હીમાંશુ ત્યાથી નાસી ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત નિકુંજને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને જાણ થતા તે હોસ્પિટલ પહોંચી હતો. હીરાબેનની ફરિયાદના આધારે માધવપુરા પોલીસે હીમાંશુ વાણીયા વિરૂદ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ચાર શખ્સોનો યુવક પર છરી વડે હુમલો
શહેરના બાપુનગર વિસ્તારમાં અઢી મહિના પહેલાની અદાવતને ધ્યાનમાં રાખીને ચાર શખ્સોએ યુવક પર છરી વડે હુમલો કરતા ચકચાર મચી ગઇ છે. યુવક ચા પીવા માટે ટી સ્ટોલ પર ગયો હતો ત્યારે ચારેય શખ્સો વાહનો લઇને આવ્યા હતા અને તને બઉ હવા છે તેમ કહીને બબાલ શરૂ કરી હતી. યુવક કઇ જવાબ આપે તે પહેલા ચારેય શખ્સોએ તેના પર હુમલો કરીને લોહીલુહાણ કરી દીધો હતો. રખિયાલની ચારોડીયા પોલીસ ચોકીની સામે રહેતા મોહમદ શકીલ અંસારી માતા પિતા સાથે રહે છે અને નોકરી કરીને ગુજરાન ચલાવે છે. ગઇકાલે શકીલ બાપુનગર વિસ્તારમાં આવેલી લક્કી ટી સ્ટોલ પર ચા પીવા માટે ગયો હતો. સકીલ ચા પી રહ્યો હતો ત્યારે બે ટુવ્હિલર પર ફૈઝલ, અનસ, એઝાઝ સહિત ચાર લોકો આવ્યા હતા. સકીલ અને ફૈસલ વચ્ચે અઢી મહિના પહેલા બબાલ થઇ હતી. જેની અદાવત રાખીને તમામ લોકો આવ્યા હતા. ફૈઝલે આવતાની સાથે સકીલને અપશબ્દો બોલીને કહ્યું હતું કે, તને બઉ હવા છે. શકીલે અપશબ્દો બોલવાની ના પાડતા ચારેય એકદમ ઉશ્કેરાઇ ગયા હતા. ફૈઝલે તેની પાસે રહેલી છરી કાઢીને શકીલના શરીર પર આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જ્યારે અનસ, ઐજાઝ સહિતના લોકોએ શકીલ પર હુમલો કરી દીધો હતો. શકીલે બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોનું ટોળુ જોઇને ફૈઝલ સહિતના લોકો ત્યાથી નાસી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત શકીલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ બાપુનગર પોલીસને થતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે શકીલની ફરિયાદના આધારે ફૈઝલ, અનસ, ઐઝાઝ સહિતના લોકો વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.