ગાંધીનગરમાં દહેજ ભૂખ્યા સાસુ સસરાએ ડેન્ગ્યુની બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ પુત્રની સરભરામાં વ્યસ્ત રહેતી પુત્રવધૂને ત્રાસ આપીને ઘરમાંથી કાઢી હતી. જેનાં પગલે પરિણીતાને રસ્તે રઝળવાંનો વખત આવતા આખરે 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમે સાસુ સસરાને કાયદાનો પાઠ ભણાવવાની ફરજ પડી હતી. ગાંધીનગરમાં રહેતી પરિણીતાના લગ્ન પાંચેક વર્ષ અગાઉ થયા હતા. પતિની આર્થીક સ્થિતિ નબળી હોવાથી ઘરમાં નાના મોટા ઝગડા થયા કરતા હતા. જેનાં કારણે સાસુ સસરા પણ કામ બાબતે વાંધા વચકા કાઢી પુત્રવધૂને મહેણાં ટોણાં માર્યા કરતા હતા. પરંતુ પરિણીતા પિતાના સંતાનનાં ભવિષ્યનું વિચારીને બધો ત્રાસ સહન કરે રાખતી હતી. એવામાં પતિને ડેન્ગ્યુની બિમારીમાં સપડાતા હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. આથી પતિની સેવા ચાકરી કરવા પરિણીતા વહેલી સવારે ઘરના કામકાજ તેમજ રસોઈ બનાવીને પોતાની દીકરીને લઈને હોસ્પિટલ જવા નીકળી જતી હતી. આખો દિવસ હોસ્પિટલમાં પતિની સરભરા પછી ફરી પાછી તે સાસુ સસરાનું જમવાનું બનાવવા ઘરે પરત ફરતી હતી. પરંતુ ઘરે પહોંચતા જ સાસુ સસરા દીકરીની તબિયત વિશે પૂછવાની જગ્યાએ પરિણીતાને કડવા વેણ બોલીને દહેજની માંગણી કરી ત્રાસ આપતા રહેતા હતા. આ બાબતે સાસુ સસરાએ ગાળો ભાંડી તેણીને રાતના સમયે ઘરમાંથી નીકળી જવા મજબૂર કરવામાં આવી હતી. જેનાં કારણે તેણીને રસ્તે રઝળવાંની ફરજ પડી હતી. જે અંગે જાણ થતાં જ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમ પીડિતા પાસે પહોંચી ગઈ હતી. અને તેની આપવીતી સાંભળી સાસુ સસરા પાસે ગઈ હતી. બાદમાં સાસુ સસરાને દહેજ માંગવા મુદ્દે કાયદાકીય પાઠ ભણાવવામાં આવતા બંનેની આંખો ઊઘડી ગઈ હતી. અને બંનેએ પીડિતાને ત્રાસ નહીં આપવાની ખાત્રી આપી હતી.