ગાંધીનગરના માર્કેટમાં પ્રતિબંધિત જીવલેણ ચાઈનીઝ દોરી વેચાણ અર્થે પહોંચે એ પહેલાં જ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની ટીમે પુન્દ્રાસણ ચાર રસ્તે વોચ ગોઠવીને ઈકો ગાડીમાંથી 16 હજારથી વધુની કિંમતના ચાઇનીઝ દોરીના રીલ સાથે બે ઈસમોને ઝડપી લેવાયા છે. આ દોરીનો જથ્થો પુન્દ્રાસણનાં ઈસમે મંગાવ્યો હોવાનું તપાસમાં બહાર આવતા તેના વિરુદ્ધ પણ પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આગામી મકરસંક્રાન્તીના પર્વમાં ચાઈનીઝ દોરીથી કોઈ નિર્દોશ વ્યક્તિનો જીવ ન જાય અને શાંતિપુર્ણ તેમજ ભયમુક્ત રીતે ઉજવણી થાય તે હેતુથી કોઇ પણ પ્રકારની સીન્થેટીક દોરી કે જે નાયલોન, સેન્થેટીક મટીરીયલ, સેન્થેટીક પદાર્થથી કોટેડ કરેલ હોય અને નોન બાયોડીગ્રેડેબલ હોય કે જેના ઉપર કાચ અને લોખંડ કે અન્ય હાનિકારક તત્વોનો લેપ ચડાવી દોરા તૈયાર કરેલ હોય તેવા દોરા મેળવવા, સંગ્રહ કરવા, વેચાણ કરવા, ઉપયોગ કરવા, ઉત્પાદન કરવા કે તેનાથી પતંગ ઉડાવવા ઉપર પ્રતિબંધ જાહેર છે. આ કાયદાનો ભંગ કરી જાહેર જનતામાં હાનિ પહોંચી શકે તેવુ કુત્ય કરનાર ઈસમો વિરૂધ્ધ ગાંધીનગર રેન્જ વડા વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીએ પ્રતિબંધિત જીવલેણ ચાઈનીઝ દોરીનુ વેચાણ કરનાર ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સૂચનાઓ આપવામાં આવેલી છે. જે અન્વયે એસઓજી પોલીસની અલગ અલગ ટીમો ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર ઈસમોને ઝડપી લેવા સક્રિય થઈ છે. આ દરમિયાન બાતમી મળેલ કે, બે ઇસમો એક સફેદ કલરની મારૂતી ઇકોમાં ચાઈનીઝ દોરી રાખી કલોલ ખાતેથી પુન્દ્રાસણ ચોકડી બાજુ વેચાણ અર્થે નીકળ્યા છે. જે હકીકતના આધારે એસઓજીએ ઉક્ત સ્થળે વોચ ગોઠવી બાતમી મુજબની કારને રોકી દેવાઈ હતી. જેની તલાશી લેતાં અંદરથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 55 રીલ મળી આવ્યા હતા. જેનાં પગલે ઈકો ગાડીમાં સવાર ઠાકોર રાહુલ ભીખાજી કાનાજી તથા ઠાકોર ભાવેષભાઈ દેવાજી ઉદાજી (રહે. નરસિંહપુરા, ઠાકોર વાસ, તા.કડી) ની ધરપકડ કરી લેવાઈ હતી. જેઓની પૂછતાંછમાં પુન્દ્રાસણ ગામના રાજુ નામના ઈસમની પણ સંડોવણી બહાર આવી હતી. જે અન્વયે એસઓજીએ ત્રણેય ઈસમો વિરુદ્ધ પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.