નવસારી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લામાં ચાલતી ધર્માંતરણ પ્રવૃત્તિ રોકવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. થોડા દિવસ અગાઉ શહેરની ખાનગી શાળાના શિક્ષક અને તેની પત્ની દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ ઉચ્ચારણ કરતાા વીડિયો વાઈરલ થયો હતો. એ મામલે બંને વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી. નવસારી જિલ્લો તાપી જિલ્લાની જેમ ધર્માંતરણમાં આગળ ન વધે એવી ચિંતા સંગઠન વ્યક્ત કરી છે. દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના નેતાએ ભાજપના ધારાસભ્યો પર ધર્માંતરણને લઈને ગંભીર આરોપ લગાવ્યા હતા. તાપી જિલ્લા જેવા હાલ નવસારીના ન થાય એવો અંદેશો પણ વ્યક્ત કરાયો હતો. તાપીમાં ધારાસભ્ય સામે આક્ષેપ
વિશ્વ હિન્દુ પરિષદના સભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તાપી જિલ્લામાં સ્થાનિક ધારાસભ્યો દ્વારા જ ધર્માંતરણ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે, ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થાઓમાં વિશ્વ હિન્દુ પરિષદનો સમાવેશ થાય છે, ત્યારે સંગઠનના આગેવાનો દ્વારા જ ભાજપના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો થતાં જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. નવસારીમાં વાઇરલ થયેલા મુદ્દે પણ આવેદન
નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે હિન્દુ સંગઠનના સભ્યો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. હિન્દુ સંગઠનને ભય છે કે નવસારી જિલ્લો તાપી જિલ્લાની જેમ ધર્મ પરિવર્તનની દિશામાં આગળ ન વધે, થોડા દિવસ અગાઉ નવસારી શહેરમાં આવેલી ખાનગી શાળાના શિક્ષક અને તેની પત્ની દ્વારા બારડોલીના બાબલા ગામ ખાતે યોજાયેલા ખ્રિસ્તી ધર્મના કાર્યક્રમમાં હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરાઈ હતી. એ મામલે બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ થયા બાદ ધરપકડ થઈ હતી. આ મુદ્દો હવે હિન્દુ સંગઠન માટે ચિંતાનો વિષય બનતો જાય છે. નવસારી જિલ્લામાં આવેલા આદિવાસી પંથકમાં ધર્માંતરણ પ્રવૃત્તિ ઘર કરી ગઈ હોય એમ હિંદુ સંગઠનોએ આ પ્રવૃત્તિ પર રોક લગાવવા માટે જિલ્લા કલેક્ટરને આવેદન સ્વરૂપે માગ કરી છે. તાપી જેવી હાલત નવસારીની નહીં થાય ને?
અત્યારસુધી ધર્માંતરણની પ્રવૃત્તિ ડાંગ, વાંસદા,ખેરગામ સહિતના વિસ્તારમાં થતી હતી, પરંતુ હવે આ બધી શહેરી વિસ્તારમાં પણ પ્રવેશી ગઈ છે, જેને લઈને હિંદુ સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે. હિન્દુ સંગઠનોએ આવેદનમાં આક્ષેપ કર્યો છે કે તાપી જિલ્લામાં ધર્માંતરણ પ્રોત્સાહન આપવાનું કાર્ય ભાજપના ધારાસભ્ય અને ભાજપના આગેવાનો જ કરાવી રહ્યા છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે, સાથે જ સારું છે કે નવસારી ભાજપના ધારાસભ્યો આવા કાર્યને પ્રોત્સાહન આપતા નથી, માટે સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી. 80% હિન્દુ લોકો ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થયા
નવસારી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના સભ્ય અશ્વિન બારોટે જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં ધર્માંતરણની પ્રવૃત્તિ ખૂબ મોટા પાયે થઈ રહી છે, ગત દિવસોમાં ગણદેવા ગામમાં કમસે કમ હજાર લોકોને ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે. થોડા દિવસ અગાઉ નવસારી શહેરમાંથી પણ એક દંપતી પકડાયું હતું, જેમણે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરતો વીડિયો વાઈરલ થયો હતો, જેના આધારે પોલીસ કાર્યવાહી થઈ છે. આવેદન આપવાનું મુખ્ય હેતુ એ છે કે નવસારી જિલ્લાની હાલત તાપી જિલ્લા જેવી ન થાય, સાથે જ તાપી જિલ્લામાં 80% હિન્દુ ધર્મના લોકો ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થયા છે, એ માટે ભાજપના ધારાસભ્ય જવાબદાર છે. જોકે નવસારીના ધારાસભ્ય એવા નથી. જો નવસારીમાં ધર્માંતરણની પ્રક્રિયા ન અટકે તો વિશ્વ હિન્દુ પરિષદ પોતાની રીતે કામ કરશે.