સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વડોલી ગામની સીમમાં ખેડૂતોએ સિંચાઈના પાણી માટે નહેર પર મૂકેલી ત્રણ ઇલેક્ટ્રીક મોટરોની રાત્રે ચોરી ઇસમો ચોરી કરી પલાયન થઈ ગયા હતા. વડોલી ગામે નહેર પર સિંચાઈના પાણી માટે ખેડૂતોએ મૂકેલી મોટરની ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ગતરોજ રાત્રી સમયે વડોલી ગામના ખેડૂત ભુપેન્દ્રસિંહ મહિડા, તખતસિંહ સોલંકી અને કોસાડી ગામના ખેડૂત હનીફ તોસી, સહીત ત્રણ ખેડૂતોની માલિકીની ઈલેક્ટ્રીક મોટરની ચોરી કરી ગયા હતા. સવારે ખેડૂતો ખેતરે ગયા હતા ત્યારે મોટર ત્યાં ન દેખાતા તે ચોરી થઈ હોવાનું જણાયું હતું. જ્યારે એક ચોથી ઈલેક્ટ્રીક મોટર કોઈ કારણોસર ચોર ઈસમો સ્થળ પર પર મૂકીને જતા રહ્યા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ સ્થળ પર મળેલા નિશાન ઉપરથી ચોરી ઇસમો પીક અપ ગાડી લઈને ચોરી કરવા આવ્યાનું ફલિત થઈ રહ્યું છે. બે દિવસ પહેલા માંગરોળના વાંકલ ગામના છ જેટલા ખેડૂતોના ખેતરમાંથી ઈલેક્ટ્રીક મોટરના કેબલ વાયરોની ચોરી ચોર ઇસમો કરી ગયા હતા. દિન પ્રતિદિન તાલુકામાં ઈલેક્ટ્રીક મોટર અને કેબલ ચોરીના બનાવો વધી રહ્યા છે. છતાં અત્યાર સુધી મોટર અને ચોરી કરનારા કોઈ ઈસમ પકડાયા નથી. જેથી ખેડૂતોની ચિંતા વધી રહી છે. હાલના સમયે એક તરફ વધી રહેલી મોંઘવારીમાં ખેડૂતો માટે ખેતી કરવું મુશ્કેલ બન્યું છે. ત્યારે મોંઘા ઇલેક્ટ્રીક મોટર અને અન્ય સામાન ચીજ વસ્તુઓની ચોરી ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. જેથી ખેડૂતો વહેલી તકે આ ચોરીના બનાવો અટકે તેવી માગણી કરી રહ્યા છે.