ભગવાન સ્વામિનારાયણે તેમના કચ્છ વિચરણના સમયે ભચાઉ નગરમાં જૈન ઓસવાળ સમાજના વઘાસા અને તેમના બહેન રતનબાના નિવાસસ્થાને પધરામણી કરી હતી. બે સદીના લાંબા સમય બાદ પણ ભચાઉ તથા નવાગામ વસતા નિશર ખુથિયા કુળના જૈન ઓસવાળ સમાજના પરિવારોએ વર્ષો જૂનો સત્સંગ આજેય પણ જાળવી રાખ્યો છે. ત્યારે નગરની મધ્યમાં આવેલા 129 વર્ષ જુના સ્વામિનારાયણ મંદિરના 20માં જીર્ણોદ્ધાર પ્રસંગે ખાસ શ્રીમદ્દ ભાગવત પંચાહ પારાયણનું આયોજન હાથ ધરી મુંબઇ વસતા જૈન ઓસવાળ સમાજના પરિવારો આયોજન વ્યવસ્થા સંભાળી રહ્યા છે. આ અવસરે નગરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં કચ્છભરમાંથી આવેલી વિવિધ રાસ મંડળીઓએ પોતાની કળા રજૂ કરી ઉપસ્થિત સૈ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભચાઉ નગરના માંડવી ચોક સ્થિત સ્વામિનારાયણ મંદિર પાસે મંદિરના 20માં જીર્ણોદ્ધાર પ્રસંગે આયોજિત ભાગવત પારાયણ પંચહ જ્ઞાનયજ્ઞના ત્રીજા દિવસે શાસ્ત્રી સ્વામી દેવનંદન દાસજી અને સ્વામી નિર્ભય જીવન દાસજીએ જીવન કલ્યાણક ઉપદેશો સાથે કથાનું રસપાન કરાવ્યુ હતું. જ્યારે કથાનું સંચાલન પુરાણીસ્વામી કેશવપ્રિય દાસજી કર્યું હતું. કથા પૂર્વે સવારે નગરપાલિકા કચેરી પાસેથી ભવ્ય શોભાયાત્રા સંતો અને સાંખ્યયોગી બાઈઓના આશિષથી પ્રસ્થાન પામી મુખ્ય માર્ગો પર ફરી હતી. વિશાળ શોભાયાત્રાનું સ્વામિનારાયણ મંદિરે સમાપન થયું હતું. કથાના યજમાન પરિવારોમાં નિશર મોંઘીબેન ખાખણ કરશનના પુત્રો દિનેશભાઇ, રમેશભાઈ અને પ્રવીણભાઈએ પોતાના માતા-પિતા, દાદા – દાદીના પુણ્ય સ્મૃતિમાં કથામાં આર્થીક સહયોગ પૂરો પાડ્યો છે. આ પ્રસંગે મુંબઇ વસતા સમાજના ભાવિક લોકોને માદરે વતન લાવી કથાનું રસપાન કરાવવાનો લાભ પણ તેમણે લીધો છે. કથામાં ભુજ યાત્રાધામ સ્વામી નારાયણ મંદિરના સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદન દાસજી, ઉપ મહંત ભગવત જીવન દાસજી, સ્વામી સનાતન દાસજી, પાર્ષદવર્ય જાદવજી ભગત, ભુજ કોઠારી સ્વામી દેવકૃષ્ણ દસજી, સ્વામી કેશવજીવન દાસજી, સ્વામી દેવ પ્રકાશ દાસજી, સ્વામી વિશ્વ લવલ્લભ દાસજી, સ્વામી શાંતિપ્રિય દાસજી વગેરે સંતો અને સાંખ્ય યોગી બાઇઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટી ઘનશ્યામ ખીમજી નિશર, શાંતિલાલ એન ખુથિયા, ઘનશ્યામ પુંજા, બાબુલાલ ખુથિયા, લાલજી કાયા, વિરજી નારણ ખુથિયા, ભગવાનજી નિશર આયોજન વ્યવસ્થા સંભાળી રહ્યા છે.