દિલીપ રાવલ
હવે મા-બાપે પણ પોતાનો પુત્ર પરત આવશે તેવી આશા છોડી દીધી હતી કારણ કે તેના અપહરણને 24 વર્ષનાં વહાણાં વીતી ગયાં હતાં. અમરેલીના લોહાણા પરિવારના પોણા ચાર વર્ષના બાળકનું 24 વર્ષ પહેલાં અપહરણ થયું હતું. હવે આટલાં વર્ષે આ પરિવારને પોતાનું સંતાન પરત મળવા જઇ રહ્યું છે. હરિયાણાથી એક યુવાન પોતાનાં માતા-પિતાને શોધતા ગુજરાત આવ્યો છે. આ યુવાન અપહ્યત જાગૃત અઢિયા જ છે તેની ખરાઇ કરવા પોલીસે ડીએનએ ટેસ્ટ કરાવ્યો છે.
તા. 10/3/2000ને શુક્રવાર, સમય સાંજના 5:30 કલાક. અમરેલીના મણીનગરમાં રહેતા જિતેન્દ્રભાઇ વિઠ્ઠલભાઇ અઢિયાના પોણા ચાર વર્ષના પુત્ર જાગૃતે બાજુના રવિનગરમાં કાકાની સાથે રહેતાં બા પાસે જવાની જીદ કરી. માતા આરતીબેને બાનું ઘર થોડા અંતરે જ હોઈ પુત્રને એકલો જ ત્યાં જવા માટે મોકલી દીધો પરંતુ આ બાળક કયારેય બા સુધી પહોંચી શકયો નહીં. રસ્તામાં જ કોઇએ તેનું અપહરણ કરી લીધું. શહેરમાં હોહા થઈ ગઇ, સમગ્ર તંત્ર બાળકની શોધમાં લાગ્યું પણ ભાળ મળી ન હતી.
7/4/96ના રોજ જન્મેલા જાગૃતના અપહરણકાંડે ગુજરાતભરમાં ચકચાર મચાવી હતી. શહેરમાં અનેક આંદોલનો થયાં, ખાસ તપાસ ટીમો નિમાઈ, ઠેકઠેકાણે આવેદન અપાયાં પરંતુ જાગૃતની ક્યાંય ભાળ ન મળી સમય વીતતો ગયો અને મામલો ઠંડો પડી ગયો. આટલાં વર્ષો પછી પરિવારને હવે પુત્ર પરત આવશે તેવી આશા ન હતી. પરંતુ એક યુવાન જાગૃત બનીને પરિવાર સામે આવીને ઊભો છે. હરિયાણાનો પ્રફુલ ભગવાનદાસ નામનો યુવાન છેલ્લાં બે વર્ષથી ગુજરાતમાં પોતાનાં મા-બાપને શોધી રહ્યો છે. હરિયાણામાં ડેરીનો વ્યવસાય કરતાં પાલક માતા-પિતાએ છેલ્લાં 24 વર્ષથી તેનો ઉછેર કર્યો છે. 24 વર્ષ પહેલાં એક ટ્રકચાલક બાળકને એક ઢાબા પર મૂકી ગયો હતો અને તે ગુજરાતનો છે તેમ કહ્યું હતું. જુદાંજુદાં બે-ત્રણ ઘરે ફર્યા બાદ આખરે આ બાળકનો ઉછેર ભગવાનદાસે કર્યો હતો. બે વર્ષ પહેલાં પાલક માતા-પિતાના અવસાન બાદ યુવાન માતા-પિતાની શોધમાં ગુજરાત આવ્યો અને પોતાનો વીડિયો વાઈરલ કર્યો હતો. હાલમાં 28 વર્ષની ઉંમરના આ યુવાનનો ચહેરો લોહાણા પરિવારને મળતો આવતો હોઈ વીડિયો જોઇને પાડોશી મહિલાએ આ પરિવારને જાણ કરી. જેથી યુવકને અમરેલી બોલાવાયો. જાગૃતને શરીર પર જે નિશાનો હતાં તેવાં જ નિશાનો આ યુવકના શરીર પર પણ છે. જેથી પોલીસે આ યુવાન તથા તેનાં મા-બાપના લોહીના નમૂના લઇ ડીએનએ ટેસ્ટ માટે મોકલ્યા છે. આ યુવાન પરિવાર સાથે આઠ દિવસ રહ્યા બાદ હાલમાં મહારાષ્ટ્ર ગયો છે. યુવક, લોહાણા પરિવાર અને પોલીસ ડીએનએ રિપોર્ટની રાહ જોઇ રહ્યાં છે. જો ડીએનએ રિપોર્ટ મેચ થશે તો આશરે અઢી દાયકા બાદ માસૂમ બાળકમાંથી યુવાન બનેલા જાગૃતને તેનો પરિવાર અને ઘર મળશે. યુવક અને જાગૃત વચ્ચે શું છે સામ્યતા ?
{ જાગૃતને પડી જવાથી કપાળમાં ઇજાનું નિશાન થયું હતું. આ યુવકને પણ કપાળમાં નિશાન છે.
{ જાગૃતના પેટ પર લાખું હતું. જે આ યુવકના પેટ પર પણ છે.
{ યુવકનો ચહેરો લોહાણા પરિવારને મળતો આવે છે.
{ જાગૃતની ઉંમર અત્યારે જેટલી હોવી જોઇએ તેટલી જ આ યુવકની છે.
જાગૃતના અપહરણ વખતે અમરેલી શહેર બંધ અને વિધાનસભા સામે પણ ઉપવાસ આંદોલન થયાં હતાં. અમરેલી શહેર સજ્જડ બંધ રહ્યું હતું અને તેના પરિવારે વિધાનસભા સામે ઉપવાસ પણ કર્યા હતા. તત્કાલીન ગૃહમંત્રી હરેન પંડ્યાએ ગાંધીનગરથી ખાસ તપાસ ટુકડીઓ અમરેલી મોકલી હતી પણ કેસ ઉકેલાયો ન હતો. બે વર્ષથી માતા-પિતાને શોધતો હતો. હરિયાણામાં પાલક માતા-પિતાનું અવસાન અને દૂધની ડેરી બંધ થતાં પ્રફૂલ મા-બાપની શોધમાં ગુજરાત આવી ગયો હતો. બે વર્ષ પહેલાં સુરતમાં રહી શોધખોળ કરી પરંતુ ભાળ ન મળી. બે માસ પહેલાં પોરબંદરના યુ-ટયૂબરની મદદ લીધી તો આ લોહાણા પરિવાર સુધી પહોંચી શક્યો છે. હાલમાં તે હિન્દી અને ત્રુટક ગુજરાતી બોલે છે અને પાલક પિતાના સગાં સાથે મહારાષ્ટ્રમાં રહી ખાનગી નોકરી કરે છે.(ફોટો: જયેશ લીંબાણી)