‘સાંધા ત્રોડીયા પાંજરાવાળા સાંકળેથી બાઘ છુટ્યા, બાંગ બોલી ગામડાંમાંથીઆ હાકબાક, જુટા સિંહ કાળઝાળ બછુટા પેનાગ જાણે, તૃટા આસમાન કેતા ફુટ્યા જમીતાંક…’ નરવીર રામ વાળા માટે કવિ ગીગા બારોટે લખેલું આ સપાખરૂ આપણે સૌએ રાજભા ગઢવી અને દેવાયત ખવડ જેવા લોક સાહિત્યકારોના મોઢે સાંભળ્યું છે. પણ આવા જ સપાખરા કોઇ 14 વર્ષનો બાળક બોલે તો..? અને એ પણ કે જેનો જન્મ ગુજરાત કે ભારતમાં નહીં પણ પાકિસ્તાનમાં થયો હોય…હાં, આ વાત છે પાકિસ્તામાં જન્મેલા અને તાજેતરમાં પાટડીમાં આવેલા 14 વર્ષના રામદાન દેથાની..કે જેણે ગળથૂંથીમાં સાહિત્યને ઘૂંટી લીધું છે. જેના દુહા-છંદ અને સપાખરા સાંભળીને સૌ કોઇ દંગ રહી જાય છે. આવો વિગતવાર જાણીએ કે માત્ર 14 વર્ષનો આ ટેણિયો કોણ છે.. 77 વર્ષે પરિવાર પાકિસ્તાનથી વતન આવ્યો
વર્ષ 1947માં જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે હિજરતને કારણે હજારો પરિવારો એકબીજાથી વિખુટા પડી ગયા હતા. આમાં એક પરિવાર હતો સુરેન્દ્રરનગર જિલ્લાના પાટડીનો ગઢવી પરિવાર…જે 77 વર્ષે પાકિસ્તાનમાં પોતાની 300 વિઘા જમીન અને સરકારી નોકરી મૂકીને પોતાના વતન પરત આવ્યો છે. આ પરિવારમાં ત્રીજી પેઢીએ પાકિસ્તામાં જન્મેલો અને તાજેતરમાં સપ્ટેમ્બર મહિનામાં જ પરિવાર સાથે પાટડી આવેલો માત્ર 14 વર્ષનો ટેણિયો ગુજરાતી ભાષામાં એવા તે દુહા-છંદ અને સપાખરા કરે છે કે સાંભળીને સૌકોઇ દંગ રહી જાય છે. પાકિસ્તાની આવેલા લોકો પરિવાર-સંબંધીઓની મદદથી રહે છે
ભારત-પાકિસ્તાનું વિભાજન થયું ત્યારે મુળ પાટડીના હરદાનજી દેથા (ગઢવી) પાકિસ્તાન થારપારકર જિલ્લાના નગરપારકરમાં જઇને વસ્યા હતા. જેમનું તાજેતરમાં જ પાકિસ્તામાં નિધન થયું હતું. આ બાદ તેમના પુત્ર નારણદાન દેથા તેમના પરિવાર અને અન્ય 36 લોકો સાથે તાજેતરમાં 1 સપ્ટેમ્બર 2024ના રોજ રોજ ભારતીય એમ્બેસીનો સંપર્ક કરીને પાટડી આવી ગયા છે. પાકિસ્તાનથી આવેલા આ લોકો હાલ પાટડીના જૈનાબાદ રોડ પર અહીં એમના પરિવાર અને સંબંધીઓની મદદથી રહે છે. જેમની નાગરિકતા માટે સરકાર સાથે વાતચીત ચાલે છે. રામદાનના દુહા-છંદ-સપાખરા સાંભળીને દંગ રહી જશો
પાકિસ્તાનના થારપારકર જિલ્લાના નગરપારકરથી પાટડી આવેલા હરદાનજી દેથા પોતે સારી રીતે ગુજરાતી ભાષા જાણતા હતા. પરંતું પુત્ર નારન્નદાન દેથા અને તેમની ત્રીજી પેઢીનો જન્મ પાકિસ્તાનમાં જ થયો હોવાથી તેમના માટે ગુજરાતી બોલવું ઘણું અઘરુ છે. જોકે, આ વચ્ચે નારન્નદાન દેથાનો 14 વર્ષનો પુત્ર રામદાન દેથા ગળથુથીમાં સંસ્કાર મેળવી ગુજરાતી ભાષામાં દુહા-છંદ અને સપાખરા બોલીને ધૂમ મચાવે છે. રામદાન દેથા નામના ટેણિયાએ ધોરણ નવ સુધી અભ્યાસ પાકિસ્તાની સ્કૂલમાં કર્યો છે. જોકે, પાટડી આવ્યા બાદ હજી તેને એડમિશન નથી મળ્યું એના કારણે જાતે અભ્યાસ કરે છે. પરંતુ એની દુહા બોલવાની કલાકારીથી એ સૌ કોઇને પ્રભાવિત કરી દે છે. આઈના આશીર્વાદ વગર આવી રજૂઆત શક્ય નથી: વિષ્ણુદાન ગઢવી
માત્ર 14 વર્ષનો આ ટેણીયો પ્રથમ વખત જ પાકિસ્તાનથી ભારતમાં આવ્યાં બાદ એકી શ્વાસે જ્યારે સ્પષ્ટ રીતે ચારણી છંદો અને દુહા પુકારે ત્યારે હાજર સૌ દંગ રહી જાય છે. આ અંગે પાટડીના વિષ્ણુદાન ગઢવી ગર્વભેર જણાવે છે કે, પાકિસ્તાન થારપારકર જિલ્લાના નગરપારકરમાં જન્મેલો રામદાન જ્યારે ચારણ છંદ અને દુહાની રજૂઆત કરે ત્યારે એ સાંભળતા લાગે કે આઈના આશીર્વાદ વગર આ પ્રકારની રજૂઆત શક્ય નથી. એના બોલમાં વસેલી જગદંબાના દર્શન થયાં વગર ના રહે… રામદાન રાજભા ગઢવી અને કિર્તીદાન ગઢવીનો ચાહક: કનુભાઈ ગઢવી
રામદાનના દુહા વિશે વાત કરતા પાટડી અંધજન મંડળના પ્રમુખ અને સમાજના આગેવાન કનુભાઈ ગઢવી જણાવે છે કે, ચારણી છંદો બોલવા ઘણા અઘરા છે. એમાં સતત બોલવું ચારણ માટે સહજ છે. એનું કારણ અભિવ્યક્તિ તેના લોહીમાં છે ને જન્મજાત શક્તિ હોય તોજ આ પ્રકારની ઉત્તમ રજૂઆત કરી શકે. એના શબ્દ પુષ્પોની સુગંધ સાંભળનારના હૈયામાં ઉગી નીકળે અને તેના મુખમાંથી સહજ વાહ નીકળી જાય. રામદાન રાજભા ગઢવી અને કિર્તીદાન ગઢવીનો ચાહક છે. પાકિસ્તાનમાં રહીને તે ચારણ કલાકારોને સતત સાંભળતો રહ્યો છે. રામદાનના ચહેરા પરનો આત્મવિશ્વાસ અને રજૂઆતની છટા જોતા લાગે છે કે ભવિષ્યમાં આ નાનકડો કલાકાર ચારણી કલાના જગતમાં એક આગવું સ્થાન મેળવશે. આ ગઢવી પરિવાર પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બની
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનથી પાટડી આવેલા આ ગઢવી પરિવારના સભ્યો પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બની છે. જે જયદીપ ગઢવી અને રવિ ગઢવીએ આખી તૈયાર કરી છે. જે ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે.