બાંગ્લાદેશમાં રાજદ્રોહના આરોપમાં જેલમાં બંધ ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુનો કેસ લડી રહેલા વકીલ પર હુમલો કરવામાં આવ્યો છે. કોલકાતામાં ઇસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે આ દાવો કર્યો છે. રાધારમણ દાસે સોશિયલ મીડિયા પર રમણ રોયની તસવીર સાથેની પોસ્ટમાં કહ્યું- ચિન્મય દાસના વકીલ રમણ રોય પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. તે ICUમાં પોતાના જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તેમની ભૂલ માત્ર એટલી હતી કે તેણે કોર્ટમાં ચિન્મય પ્રભુનો બચાવ કર્યો. કટ્ટરપંથીઓએ તેમના ઘરમાં તોડફોડ કરી અને તેમના પર નિર્દયતાથી હુમલો કર્યો. બાંગ્લાદેશમાં ઇસ્કોનના અગ્રણી ભૂતપૂર્વ નેતા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ગયા મહિને રંગપુરમાં હિન્દુ સમુદાયના સમર્થનમાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યા પછી ઢાકામાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો છે. 26 નવેમ્બરે ઢાકાની કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. તેના જામીન પર આજે વધુ સુનાવણી થશે. ઈસ્કોન કોલકાતાના રાધારમણ દાસે કહ્યું- ભગવો ન પહેરતા, તિલક ભૂસી નાખજો ઈસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે જણાવ્યું હતું કે, ‘લોકોએ મંદિર અને ઘરની અંદર તેમના ધર્મનું પાલન કરવું જોઈએ, પરંતુ બહાર જતી વખતે સાવચેત રહેવું જોઈએ. હું તમામ સાધુઓ અને સભ્યોને સલાહ આપી રહ્યો છું કે સંકટના આ સમયમાં પોતાની સુરક્ષા માટે દરેક શક્ય પ્રયાસો કરે. હું તેમને ભગવો ન પહેરતા, તિલક ભૂસી કાઢજો, તુલસી માળા છુપાવજો અને તમારું માથું ઢાંકીને રાખવાની સલાહ આપું છું.’ ઢાકા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ભારત સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે
સોમવારે રાત્રે બાંગ્લાદેશમાં ઢાકા યુનિવર્સિટીના કેમ્પસમાં સેંકડો વિદ્યાર્થીઓએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ કર્યો હતો. આ વિદ્યાર્થીઓ સોમવારે અગરતલામાં બાંગ્લાદેશના આસિસ્ટન્ટ હાઈ-કમિશનના કેમ્પસમાં તોડીફોડ સામે પ્રદર્શન કરી રહ્યા હતા. બાંગ્લાદેશી અખબાર ડેઇલી સ્ટાર અનુસાર, વિદ્યાર્થીઓએ કહ્યું કે ભારત સરકારે બાંગ્લાદેશ સાથે નહીં પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિ શેખ હસીના સાથે સંબંધો આગળ ધપાવ્યા છે. શેખ હસીનાની સત્તા ગુમાવવાથી ભારત ખુશ નથી. ઢાકામાં ભારતીય હાઈ કમિશનની સુરક્ષા વધારી દેવામાં આવી છે
બાંગ્લાદેશ સરકારે ઢાકામાં ભારતીય હાઈ કમિશનની સુરક્ષા વધારી દીધી છે. ઢાકા મેટ્રોપોલિટન પોલીસના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ નૂર-એ-આલમે કહ્યું કે હાઈ કમિશનની સામે વધારાના દળો તહેનાત કરવામાં આવ્યા છે. નિયમિત ચેકિંગ માટે ચોકીઓ પણ ઉભી કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં ભારતીય ટીવી ચેનલો પર પ્રતિબંધ મૂકવાની માંગ
બાંગ્લાદેશની ઢાકા હાઈકોર્ટમાં તમામ ભારતીય ટીવી ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી રિટ અરજી કરવામાં આવી છે. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, વકીલ અખલાક ભુઈયા દ્વારા કરવામાં આવેલી અરજીમાં સ્ટાર પ્લસ, રિપબ્લિક બાંગ્લા સહિત તમામ ભારતીય ચેનલો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભારતીય ચેનલો પર ઉશ્કેરતા સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. કોણ છે ચિન્મય પ્રભુ?
ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીનું સાચું નામ ચંદન કુમાર ધર છે. તેઓ ચટગાંવ ઈસ્કોનના વડા છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે પીએમ શેખ હસીનાએ 5 ઓગસ્ટ 2024ના રોજ દેશ છોડી દીધો હતો. આ પછી હિન્દુઓ વિરુદ્ધ મોટા પાયે હિંસક ઘટનાઓ બની. આ પછી, બાંગ્લાદેશી હિન્દુઓ અને લઘુમતીઓના હિતોની રક્ષા માટે સનાતન જાગરણ મંચની રચના કરવામાં આવી. ચિન્મય પ્રભુ તેના પ્રવક્તા બન્યા. સનાતન જાગરણ મંચ દ્વારા, ચિન્મયે ચટગાંવ અને રંગપુરમાં ઘણી રેલીઓને સંબોધી હતી. જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. શા માટે ચિન્મય પ્રભુની ધરપકડ કરવામાં આવી?
25 ઓક્ટોબરે સનાતન જાગરણ મંચે 8 મુદ્દાની માંગણીઓ સાથે ચટગાંવના લાલદીઘી મેદાનમાં રેલી યોજી હતી. ચિન્મય કૃષ્ણ દાસે આમાં ભાષણ આપ્યું હતું. આ દરમિયાન કેટલાક લોકોએ ન્યુ માર્કેટ ચોકમાં આઝાદી સ્તંભ પર ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. આ ધ્વજ પર ‘આમી સનાતની’ લખેલું હતું. રેલી બાદ 31 ઓક્ટોબરે બેગમ ખાલિદા જિયાની BNP પાર્ટીના નેતા ફિરોઝ ખાને ચટગાંવમાં ચિન્મય કૃષ્ણ દાસ સહિત 19 લોકો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. તેના પર રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ છે. છેલ્લા દિવસોમાં બાંગ્લાદેશમાં શું થયું? 26 નવેમ્બર
ચિન્મય પ્રભુની જામીન અરજી ફગાવી
ઇસ્કોનના ભૂતપૂર્વ વડા ચિન્યમ કૃષ્ણ દાસ પ્રભુના જામીન ચટગાંવમાં ફગાવી દેવામાં આવ્યા છે. આ પછી કોર્ટ પરિસરની બહાર હિંસા ફાટી નીકળી હતી. જેમાં વકીલ સૈફુલ ઈસ્લામનો જીવ ગયો હતો. ભારતે નારાજગી વ્યક્ત કરી હતી
ચિન્મય પ્રભુની ધરપકડ પર ભારતે નારાજગી વ્યક્ત કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ગુનેગારો મુક્ત રીતે ફરે છે, પરંતુ શાંતિપૂર્ણ બેઠકો દ્વારા યોગ્ય માગણીઓ ઉઠાવનારા ધાર્મિક નેતા વિરુદ્ધ કેસ ચાલી રહ્યા છે. 27 નવેમ્બર ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માંગ
બાંગ્લાદેશ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. અરજી દાખલ કરનાર વકીલે કોર્ટને કહ્યું હતું કે સૈફુલના મોત પાછળ ઈસ્કોનના લોકોનો હાથ છે. આવી સ્થિતિમાં આ સંગઠન પર પ્રતિબંધ મુકવો જોઈએ. આ અરજીમાં ચટગાંવમાં ઈમરજન્સી જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી હતી. 28 નવેમ્બર ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માગણી ફગાવી
28 સપ્ટેમ્બરે ઢાકા હાઈકોર્ટે ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માંગને ફગાવી દીધી હતી. બાંગ્લાદેશની વચગાળાની સરકારે કોર્ટમાં કહ્યું કે અમે ઇસ્કોનની પ્રવૃત્તિઓ સામે જરૂરી પગલાં લીધા છે. આ મુદ્દો સરકારની પ્રાથમિકતા છે. શેખ હસીનાએ ચિન્મયને મુક્ત કરવાની માંગ કરી હતી
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પણ ગુરુવારે ઇસ્કોનના ચિન્મય પ્રભુની ધરપકડની નિંદા કરી હતી અને વચગાળાની સરકારને તેમને તાત્કાલિક મુક્ત કરવા જણાવ્યું હતું. હસીનાએ કહ્યું કે સનાતન ધર્મના એક અગ્રણી નેતાની અન્યાયી રીતે ધરપકડ કરવામાં આવી છે. ઇસ્કોન બાંગ્લાદેશે ચિન્મય પ્રભુ સાથેના સંબંધો તોડી નાખ્યા
ઇસ્કોન બાંગ્લાદેશે ચિન્મય પ્રભુથી પોતાને અલગ કરી દીધા. જનરલ સેક્રેટરી ચારુ ચંદ્ર દાસ બ્રહ્મચારીએ કહ્યું કે ચિન્મયને શિસ્તના ભંગ બદલ સંસ્થાના તમામ હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેઓ તેમના કોઈપણ નિવેદનો અથવા પ્રતિક્રિયાઓની જવાબદારી લેતા નથી. 29 નવેમ્બર ભારતનું ઈસ્કોન ચિન્મય પ્રભુના સમર્થનમાં આવ્યું છે
ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન) ની ભારતીય શાખાએ જણાવ્યું હતું કે ચિન્મય પ્રભુ સંસ્થાના સત્તાવાર સભ્ય નથી, પરંતુ તેઓ તેમના અધિકારો અને વાણી સ્વાતંત્ર્યનું સમર્થન કરે છે. સંગઠને કહ્યું કે અમે ચિન્મય પ્રભુથી પોતાને દૂર કર્યા નથી અને કરીશું પણ નહીં. ભારતે કહ્યું- બાંગ્લાદેશ સરકારે હિન્દુઓની સુરક્ષાની જવાબદારી લેવી જોઈએ
ભારતીય વિદેશ મંત્રાલયે શુક્રવારે ઇસ્કોનના ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ધરપકડ અને બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ પર નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ સાથેના વ્યવહાર પર પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. 30 નવેમ્બર હિન્દુ ધર્મગુરુ શ્યામદાસ પ્રભુની ધરપકડ
ઈસ્કોન સાથે સંકળાયેલા અન્ય એક ધાર્મિક નેતા શ્યામ દાસ પ્રભુની ચટગાંવમાં ધરપકડ કરવામાં આવી હતી. શ્યામ જેલમાં રહેલા ચિન્મય દાસને મળવા ગયા હતા. તેની વોરંટ વગર ધરપકડ કરવામાં આવી હતી. ઇસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા રાધારમણ દાસે આ માહિતી આપી હતી. 1 ડિસેમ્બર બાંગ્લાદેશમાં ઈસ્કોનના 83 સભ્યોએ ભારત જવાનું બંધ કર્યું
બાંગ્લાદેશ ઇમિગ્રેશન પોલીસે માન્ય પાસપોર્ટ અને વિઝા સાથે ભારત જતા ઇસ્કોનના 54 સભ્યોને સરહદ પર રોક્યા હતા. આ લોકો એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારત જઈ રહ્યા હતા. આ અંગે ઈમિગ્રેશન પોલીસનું કહેવું છે કે તેમની પાસે માન્ય પાસપોર્ટ અને વિઝા હોવા છતાં તેમની પાસે સરકારની ખાસ મંજુરી નહોતી. બીજા દિવસે, ઇસ્કોનના 29 લોકોને ભારત આવતા અટકાવવામાં આવ્યા હતા. 2 ડિસેમ્બર મમતાએ બાંગ્લાદેશમાં શાંતિ સેના મોકલવાની માંગ કરી હતી
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ બાંગ્લાદેશમાં શાંતિ સેના મોકલવાની માંગ કરી હતી. મમતાએ કહ્યું કે આ માટે કેન્દ્ર સરકારે સંયુક્ત રાષ્ટ્ર સાથે વાત કરવી જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે પીએમ મોદીએ વિદેશી ધરતી પર અત્યાચારનો સામનો કરી રહેલા ભારતીયોને પાછા લાવવા જોઈએ. ત્રિપુરામાં બાંગ્લાદેશના આસિસ્ટન્ટ હાઈ કમિશનની ઓફિસમાં તોડફોડ
ત્રિપુરાની રાજધાની અગરતલામાં બાંગ્લાદેશના આસિસ્ટન્ટ હાઈ કમિશનની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. હિન્દુ સંઘર્ષ સમિતિના કાર્યકરોએ કાર્યાલયની બહાર દેખાવો યોજ્યા હતા. બાંગ્લાદેશે નારાજગી વ્યક્ત કરી અને ભારત પાસે સંપૂર્ણ તપાસની માંગ કરી.