ઝડપી બોલર નાહિદ રાણા (5 વિકેટ)ની સટિક બોલિંગના આધારે બાંગ્લાદેશે કિંગસ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝને બેકફૂટ પર ધકેલી દીધું છે. સોમવારે મેચના ત્રીજા દિવસે સ્ટમ્પ સુધી બાંગ્લાદેશની ટીમે બીજા દાવમાં 5 વિકેટે 193 રન બનાવી લીધા છે. ઝાકર અલી 29 રને અને તૈજુલ ઈસ્લામ 9 રને અણનમ છે. બાંગ્લાદેશી ટીમે પહેલી ઇનિંગમાં 164 રન બનાવ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝને 146 રનમાં ઓલઆઉટ કરી 18 રનની લીડ મેળવી હતી. હાલમાં ટીમની કુલ લીડ 211 રનની છે. ઝીરો પર પ્રથમ વિકેટ ગુમાવી, શાદમાન-મેહદી ફિફ્ટી ચૂક્યા
બીજી ઇનિંગમાં બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે શૂન્યના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. જ્યારે જાયડેન સિલ્સે મહમુદુલ્લાહ હસન જોયને પ્રથમ ઓવરના પાંચમાં બોલ પર એથેનાઝના હાથે સ્લિપમાં કેચ આઉટ કરાવ્યો હતો. આવી સ્થિતિમાં શાદમાન ઇસ્લામે શહાદત હુસૈન સાથે ઇનિંગને આગળ ધપાવી હતી, પરંતુ તે 46 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન મેહદી હસન મિરાજે 42 રનનું યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ તરફથી શમર જોસેફે બે વિકેટ ઝડપી હતી. જોયડન સિલ્સ, અલ્ઝારી જોસેફ અને જસ્ટિન ગ્રેવ્સે એક-એક વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ 146 રનમાં આઉટ, કેસી કર્ટીએ 40 રન બનાવ્યા
વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ દાવમાં માત્ર 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટૉપ-3 સિવાય ટીમનો કોઈ બોલર ડબલ ફિગર પાર કરી શક્યો નહોતો. ઓપનર ક્રેગ બ્રાથવેટે 39, માઈક લુઈસે 12 અને કેસી કર્ટીએ 40 રન બનાવ્યા હતા. નાહીદ રાણા ઉપરાંત હસન મહમૂદે 2 વિકેટ લીધી હતી. તસ્કીન અહેમદ, તૈજુલ ઇસ્લામ અને મેહદી હસન મિરાજે એક-એક વિકેટ લીધી હતી.