ભારતીય ટીમનો હેડ કોચ ગૌતમ ગંભીર ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. તે મંગળવારે ટીમ સાથે જોડાશે. 26 નવેમ્બરે ગૌતમ એક ફેમિલી ફંક્શનમાં ભાગ લેવા ભારત ગયો હતો. કેનબેરામાં આયોજિત બે દિવસીય પિંક બોલ પ્રેક્ટિસ મેચમાં ગૌતમ ટીમનો ભાગ નહોતો. ભારતે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. ગંભીરની ગેરહાજરીમાં ભારતીય ટીમે અન્ય કોચિંગ સ્ટાફની દેખરેખ હેઠળ તાલીમ લીધી હતી. આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર, રેયાન ટેન ડોશચેટ, બોલિંગ કોચ મોર્ને મોર્કેલે ટીમને તાલીમ આપી હતી. રોહિત 24 નવેમ્બરે ટીમ સાથે જોડાયો હતો. તે પેટરનિટી લિવ પર હતો. રોહિતની પત્ની રિતિકાએ પુત્રને જન્મ આપ્યો છે. રોહિત શર્મા મિડલ ઓર્ડરમાં રમી શકે
બીજી મેચ માટે પ્લેઇંગ 11ની પસંદગી ગંભીર માટે સૌથી મોટો માથાનો દુખાવો બની રહેશે. કેપ્ટન રોહિત શર્માની ટીમમાં પરત ફર્યો છે. પ્રેક્ટિસ મેચમાં શુભમન ગિલે શાનદાર અડધી સદી ફટકારી હતી. ટીમ આ બે ખેલાડીઓને દેવદત્ત પડિકલ અને ધ્રુવ જુરેલની જગ્યાએ પ્લેઇંગ-11માં સામેલ કરી શકે છે. પરંતુ સવાલ એ બને છે કે ટીમનું ઓપનિંગ કોમ્બિનેશન શું હશે. પર્થ ટેસ્ટની બીજી ઇનિંગમાં જયસ્વાલ અને કેએલ રાહુલે બેવડી સદીની ભાગીદારી કરી હતી. પિંક બોલ ટેસ્ટમાં પણ રાહુલ જયસ્વાલ સાથે ઓપનિંગ કરવા આવ્યો હતો. આ મેચમાં રોહિત શર્માએ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી હતી. આવી સ્થિતિમાં એડિલેડ ટેસ્ટમાં ગિલ જયસ્વાલ-રાહુલની ઓપનિંગ જોડી સાથે ત્રીજા નંબર પર બેટિંગ કરી શકે છે અને વિરાટ બાદ મિડલ ઓર્ડરમાં રોહિત બેટિંગ કરી શકે છે. PM-11 ને 6 વિકેટે હરાવ્યું
ગંભીરની ગેરહાજરીમાં, ભારતે બે દિવસીય પ્રવાસ રમતમાં ઓસ્ટ્રેલિયા PM-11 ને 6 વિકેટથી હરાવ્યું. જોકે, પ્રથમ દિવસે વરસાદના કારણે આ બે દિવસીય પિંક બોલની મેચ શરૂ થઈ શકી ન હતી. જે બાદ 1 ડિસેમ્બરે બંને ટીમે 46-46 ઓવરની મેચ રમી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પ્રાઈમ મિનિસ્ટર-11એ ભારતને 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ટીમે 42.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. અંગૂઠાની ઈજામાંથી પરત ફરી રહેલા શુભમન ગિલે ભારત તરફથી સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. જ્યારે હર્ષિત રાણાએ 4 વિકેટ લીધી હતી.