ત્રિપુરામાં હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ બાંગ્લાદેશી પ્રવાસીઓને ભોજન અને રૂમ ન આપવાનો નિર્ણય લીધો છે. ઓલ ત્રિપુરા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન (ATHROA) એ સોમવારે બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસાને ધ્યાનમાં રાખીને આપાતકાલીન બેઠકમાં આ નિર્ણય લીધો હતો. ATHROAના જનરલ સેક્રેટરી સૈકત બંદોપાધ્યાયે કહ્યું- બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. આવી ઘટનાઓ પહેલા પણ બનતી હતી, પરંતુ હવે હદ વટાવી ગઈ છે. અમે બાંગ્લાદેશમાં લઘુમતીઓ સાથેના વ્યવહારની ટીકા કરીએ છીએ. હોસ્પિટલોએ પહેલાથી જ સારવારનો ઇનકાર કરી દીધો
ત્રિપુરા અને કોલકાતાની હોસ્પિટલોએ પણ બાંગ્લાદેશીઓની સારવાર કરવાનો ઇનકાર કર્યો છે. ત્રિપુરાની ILS હોસ્પિટલે શનિવારે બાંગ્લાદેશીઓની સારવાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. ડૉ.શેખર બંદોપાધ્યાયે કોલકાતાના સિલીગુડીમાં તેમના ખાનગી ક્લિનિકમાં તિરંગા ધ્વજ સાથે સંદેશ લખ્યો હતો- ભારતનો રાષ્ટ્રધ્વજ આપણી માતા જેવો છે. કૃપા કરીને ચેમ્બરમાં પ્રવેશતા પહેલા તિરંગાને સલામી આપો. ખાસ કરીને બાંગ્લાદેશી દર્દીઓ, જો તેઓ સલામ નહીં કરે તો તેમને અંદર આવવા દેવામાં આવશે નહીં. આસિસ્ટન્ટ હાઈ કમિશનમાં ઘૂસણખોરીના કેસમાં 4 પોલીસકર્મીઓ સામે કાર્યવાહી
સોમવારે, ઘણા લોકોએ ત્રિપુરાની રાજધાની અગરતલામાં બાંગ્લાદેશી આસિસ્ટન્ટ હાઈ કમિશનની આસપાસ ચટગાંવ ઇસ્કોનના ભૂતપૂર્વ વડા ચિન્મય પ્રભુની ધરપકડના વિરોધમાં રેલી કાઢ હતી. આ દરમિયાન 50થી વધુ પ્રદર્શનકારીઓ બાંગ્લાદેશના સહાયક હાઈ કમિશનના પરિસરમાં ઘૂસી ગયા હતા. મંગળવારે આ મામલામાં ત્રણ સબ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી બદલ ડીએસપીને પોલીસ હેડક્વાર્ટરમાં રિપોર્ટ કરવા કહેવામાં આવ્યું છે. આ સિવાય વિરોધ કરી રહેલા સાત લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ઘૂસણખોરી બાદ દેશના તમામ આસિસ્ટન્ટ કમિશનની સુરક્ષા વધારી દેવામાં આવી
સોમવારે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ત્રિપુરામાં બનેલી ઘટનાની નિંદા કરવામાં આવી હતી. મંત્રાલયે કહ્યું હતું- અગરતલામાં બાંગ્લાદેશના આસિસ્ટન્ટ હાઈ કમિશનના પરિસરમાં ઘૂસણખોરીની આજની ઘટના ખૂબ જ ખેદજનક છે. રાજદ્વારી અને કોન્સ્યુલર પ્રોપર્ટીને કોઈપણ સંજોગોમાં નિશાન બનાવવી જોઈએ નહીં. વિદેશ મંત્રાલયે દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશન અને દેશભરમાં અન્ય સહાયક આયોગોની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે.