અમદાવાદ સિવિલ મેડિસિટીની કેડની હોસ્પિટલમાં એપ્રિલ 2023 દરમિયાન વિવિધ 11 કેડર માટે ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી, જેમાં 1,156 ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ પ્રક્રિયાને દોઢ વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી નથી. વારંવાર ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા ગતરોજ (2 ડિસેમ્બર)થી ઉમેદવારો કિડની હોસ્પિટલની બહાર ગાંધી જગ્યા માર્ગે વિરોધ કરી રહ્યા છે. આખીરાત ઉમેદવારો કિડની હોસ્પિટલ બહાર જ બેસી રહ્યા હતાં. આજે બીજા દિવસે પણ વિરોધ યથાવત્ જોવા મળી રહ્યો છે. સતત બે દિવસના વિરોધ બાદ પણ કોઈ અધિકારીએ યોગ્ય ઉત્તર આપ્યો ન હોવાનું ઉમેદવારોનું કહેવું છે. 107 જેટલા ઉમેદવારોને ડિસક્વોલિફાઇ કરી દેવાયા
ગત એપ્રિલ 2023 દરમિયાન યોજાયેલ ભરતી પ્રક્રિયામાં અત્યાર સુધીમાં મેરીટ બહાર પાડવામાં આવ્યું ન હતું. પરંતુ ગતરોજ ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કર્યો હોવાથી સાંજના સમયે મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં પણ 107 જેટલા ઉમેદવારોને ડિસક્વોલિફાઇ કરવામાં આવ્યા હતા. જેનું કારણ પૂછવામાં આવતા જણાવવામાં આવ્યું હતું કે, આ તમામ ઉમેદવારો પાસે પૂરતા ડોક્યુમેન્ટ નથી. સાથે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટમાં પણ યોગ્યતા ન હોવાનું જણાવીને 107 ઉમેદવારોને ગેર લાયક ઠરાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પ્રવેશ ન મળતા ગેટ પર હોબાળો
આ ઉપરાંત અગાઉ 650 બેઠકમાંથી ઘટાડો કરીને 430 બેઠકો રાખવામાં આવી હતી અને ઉમેદવારોની માંગણી પણ સાંભળવામાં આવી રહી નથી. કોઈ પણ અધિકારી ઉમેદવારોને જવાબ આપવા તૈયાર નથી. આજે સવારથી જ તેમને હોસ્પિટલની અંદર પણ પ્રવેશ કરવા દેવામાં આવ્યો ન હોવાથી ઉમેદવારો ઉગ્ર બન્યા હતાં. જેમાં એમ્બ્યુલન્સની સાથેસાથે હોસ્પિટલની અંદર પ્રવેશ કરવા જતાં સિક્યુરિટી દ્વારા પણ તેઓને રોકી દેવામાં આવ્યા હતા. સપના બતાવ્યા હવે નિમણૂક નથી આપતાઃ ઉમેદવાર
ભરતી પ્રક્રિયાનો ભોગ બનેલા રાકેશ પટેલ નામના ઉમેદવારે જણાવ્યું હતું કે, પરીક્ષાના દોઢ વર્ષથી વધુ સમય થયો છતાં કોઈ નિમણૂક કરવામાં આવી રહી નથી. હવે તો જે તદ્દન બેરોજગાર હોય તેમની પણ માનસિક સ્થિતિ અમારા કરતાં સારી હશે. કારણ કે, અમને આટ-આટલા સપના બતાવ્યા બાદ હવે નિમણૂક કરવામાં આવી રહી નથી. પરિવારજનો પણ હવે તો હેરાન થઈ રહ્યા છે. કોઈ યોગ્ય ઉત્તર પણ ન મળતો હોવાથી માનસિક સ્થિતિ ખોરવાઈ ગઈ છે. ‘અમેજ જાણીએ છીએ કે અમારી માનસિક સ્થિતી કેવી છે’
અહીંયા જેટલા પણ ઉમેદવાર છે, તેમાંથી અનેક લોકો કોન્ટ્રાક્ટ ઉપર અથવા તો ખાનગી પ્રેક્ટિસ કરતા હતાં. આ તમામ લોકો પોતાની નોકરી છોડીને ભરતી પ્રક્રિયા માટે તૈયારી કરી છે, પરંતુ કિડની હોસ્પિટલ દ્વારા ભરતી કરવામાં આવી રહી નથી. જ્યારે સરકાર પાસે પહોંચ્યા તો તેમણે જણાવ્યું કે, આ એક અલાયદી સંસ્થા છે. તેઓ પોતે જ ભરતી બાબતે નક્કી કરવાનો અધિકાર ધરાવે છે. હોસ્પિટલ દ્વારા પણ કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી રહી નથી. પરિવારમાં પણ ગામડામાં લોકો સપના સેવીને બેઠા છે કે અમારો દીકરો કે અમારી દીકરી સિવિલ હોસ્પિટલમાં સેવા આપશે. પરંતુ અહીંયા અમેજ જાણીએ છીએ કે અમારી માનસિક સ્થિતી કેવી છે. હવે ઝડપથી નિમણૂક થાય તો રાહતનો શ્વાસ લઈ શકીશુ. સરકાર અને કિડની હોસ્પિટલ પ્રશાસન આપી રહ્યા છે એકબીજાને ખો
કિડની હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયા મામલે ઉમેદવાર પ્રતિનિધિ અને હોસ્પિટલના ડાયરેક્ટર વચ્ચે લગભગ 1 કલાક જેટલા સમય સુધી વાટાઘાટ ચાલી હતી. આમ છતાં કોઈ યોગ્ય નિર્ણય ન આવતા ઉમેદવાર હજુ પણ હોસ્પિટલ પરિસરમાં ધરણા પર બેઠા છે. તથાં જાહેર સ્થળ પર આ રીતે આંદોલન કરવામાં આવતા પોલીસ દ્વારા પણ અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રોશન નામના ઉમેદવારે જણાવ્યું હતું કે, 650 બેઠકોમાંથી પણ ઘટાડો કરીને 430 બેઠકો પર ભરતી યોજવામાં આવશે. પરંતુ તે ક્યારે થશે, તે માટે પણ ડાયરેક્ટર તરફથી કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવતી નથી.