અમદાવાદમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારે થઈ રહ્યો છે. શહેરમાં થતાં અકસ્માતોમાં રોંગ સાઇડ વાહન ચલાવવાના કારણે અને હેલ્મેટ ન હોવાના કારણે વધારે નુકશાન થાય છે. ત્યારે પોલીસ દ્વારા AI બેઝડ ડેશકેમ લોન્ચ કર્યું છે. અમદાવાદમાં આજથી અલગ-અલગ 32 ગાડી AI કેમેરા સાથે અને 28 પોલીસકર્મીઓ રોડ પર AI કેમેરા સાથે દેખાશે. આ કેમેરા દ્વારા ઓટોમેટિક નિયમોનો ભંગ કરનારને મેમો આપશે. હેલ્મેટ, ટ્રીપલ સવારી અને રોંગ સાઇડ વાહન ચલાવનારને સાંજ સુધીમાં જ મેમોનો મેસેજ મળી જશે. શહેરમાં AI કેમેરા સાથે પોલીસકર્મીઓ જોવા મળશે
અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી હેલ્મેટ વિનાના વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે પોલીસ દ્વારા AI બેઝડ ડેશકેમ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસકર્મીઓને પણ AI બેઝડ કેમેરાવાળો મોબાઈલ આપવામાં આવ્યો છે. જેનાથી માત્ર મોબાઈલ શરૂ કરતા જ ઓટોમેટિક નિયમ ભંગ કરનારને મેમો આપવામાં આવશે. આજથી શહેરના તમામ વિસ્તારમાં ડેશકેમ વાળી ગાડી અને AI કેમેરા સાથે પોલીસકર્મીઓ જોવા મળશે. કેવી રીતે AI કેમેરા કામ કરશે?
AIએ બેઝડ કેમેરાવાળી ગાડી જ્યારે ચાલુ હશે તે દરમિયાન પણ ગાડીની અંદરનો કેમેરો ચાલુ હશે. આ કેમેરામાં જે પણ વાહનચાલકો હેલ્મેટ વિના, રોંગ સાઈડમાં વાહનચલાવતા અને ત્રિપલ સવારીમાં વાહન ચલાવતા રેકોર્ડ થશે તો તે વીડિયોમાંથી AI દ્વારા ઓટોમેટિક નિયમોના ભંગ બદલ ફોટો ક્લિક થશે, તે ફોટો કંટ્રોલ રૂમને મળશે. કંટ્રોલ રૂમ દ્વારા ખરેખર નિયમોનો ભંગ કર્યો છે કે કેમ? તે વેરીફાઈ કરવામાં આવશે. ત્યારબાદ વાહનચાલકને મેસેજ દ્વારા નિયમના ભંગની વિગત અને દંડની રકમ સાથે મેમો મળશે. દિવસ દરમિયાન નિયમનો ભંગ કરનાર વાહનચાલકને સાંજ સુધીમાં મેમો મળશે. આ મેમો વાહન માલિકના મોબાઈલ નંબર પર ટેક્સ મેસેજથી મળશે. કંટ્રોલરૂમ મેમો વેરિફાય કરીને વાહન માલિકોને મોકલશે
આ ઉપરાંત 28 જેટલા ટ્રાફિક પોલીસને કર્મચારીઓને પણ ટ્રાયપોડ અને AI બેઝ કેમેરાવાળો મોબાઈલ ફોન આપવામાં આવ્યો છે. આ પોલીસ કર્મચારીઓ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ વિસ્તારમાં ટ્રાફિક પોઇન્ટ ઉપર હાજર રહેશે. પોલીસકર્મીઓને આપવામાં આવેલા મોબાઈલમાં તેઓ માત્ર એપ્લિકેશન ચાલુ કરશે, ત્યારબાદ એપ્લિકેશન કામ કરે છે કે નહીં? તે જોવાનું રહેશે. આ દરમિયાન AI દ્વારા ઓટોમેટિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોનો મેમો જનરેટ કરવામાં આવશે. આ મેમો પણ કંટ્રોલ રૂમને મળશે અને કંટ્રોલરૂમ દ્વારા મેમો વેરિફાય કરીને વાહન માલિકોને મેસેજ કરવામાં આવશે. ભવિષ્યમાં અન્ય હેડનો પણ ઉમેરો કરાશે
ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના એસજી 1, એસજી 2 ટ્રાફિક પોલીસ સ્ટેશન અને ઇન્ટરસેપ્ટરમાં પ્રાયોગિક ધોરણે ઇન્સ્ટોલ કર્યા હતાં, જેમાં હેલ્મેટના 794, 21 જોખમી રીતે વાહન ચલાવતા વાહનચાલક, 14 ત્રીપલ સવારીમાં વાહન ચલાવતા વાહનચાલક, 4 સીટબેલ્ટ વિનાના વાહનચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ભવિષ્યમાં નો પાર્કિંગ તથા ટ્રાફિક વાયોલેશન અન્ય હેડનો પણ ઉમેરો કરવામાં આવશે. પોલીસ અને લોકો વચ્ચેનું ઘર્ષણ ઘટશે
સામાન્ય રીતે જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા રોડ પર લોકોને નિયમ ભંગ બદલ દંડવામાં આવી રહ્યા હોય છે, ત્યારે અનેક વખત પોલીસ સાથે લોકો બોલાચાલી કરતા હોય છે. પોલીસ પર આક્ષેપ પણ લગાવવામાં આવ્યા હોય છે. ત્યારે હવે AI બેઝડ કેમેરાથી મેમો મળશે, ત્યારે પોલીસ અને લોકો વચ્ચેનું ઘર્ષણ પણ ઘટશે. પોલીસ નિષ્પક્ષ કાર્યવાહી કરી શકશે.