સુરતમાં સતત આપઘાતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે કાપોદ્રા વિસ્તારમાં એક યુવકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના ગાર્ડનમાં આવેલા હીંચકાની સાંકળથી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. શાળાના ગાર્ડનમાં આપઘાતના બનાવ લઈને હાલતો સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સ્કૂલમાં રહેલો સિક્યુરિટી ગાર્ડ રજા પર હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્કૂલનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ હેબતાઈ ગયાં
મળતી માહિતી પ્રમાણે, કાપોદ્રા વિસ્તારમાં આવેલા હીરાબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળામાંથી અજાણ્યા વ્યક્તિનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ડો. વિક્રમ સારાભાઈ પ્રાથમિક ક્રમાંક નંબર 136 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુમાર શાળા અને કવિ શ્રી રાજેન્દ્ર શાહ ક્રમાંક નંબર 143 કન્યા શાળામાં સવારે સ્કૂલ ખોલવામાં આવતા જ આ પ્રકારના દૃશ્યો સામે આવ્યા હતા. જેના પગલે સ્કૂલનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ પણ હેબતાઈ ગયા હતા. સ્કૂલમાં આવેલ ગાર્ડનની અંદર હીંચકોની સાંકળ સાથે યુવકે ગળાફાંસો ખાઇ લીધો હતો. પોલીસે યુવકની ઓળખના પ્રયાસો હાથ ધર્યા
શાળાના ગાર્ડનમાં હીંચકાની સાંકળથી આપઘાત કરેલા યુવકનો લટકતો મૃતદેહ જોઈને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના અંગે જાણ થતા કાપોદ્રા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સાંકળથી લટકતા યુવકના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તો કાપોદ્રા પોલીસ દ્વારા યુવકના આપઘાતના મામલે યુવકની ઓળખની દિશા તરફ તપાસ હાથ ધરી છે. મોત પાછળનું કારણ પણ અકબંધ
મળતી માહિતી પ્રમાણે, સ્કૂલની અંદર સિક્યુરિટી ગાર્ડ રજા ઉપર હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન રાત્રિના સમયે આ યુવક સ્કૂલમાં પ્રવેશી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની શક્યતા છે. હાલ તો કાપોદ્રા પોલીસ દ્વારા સીસીટીવીની મદદ લઇ તપાસ ચાલુ કરવામાં આવી છે. યુવકની ઓળખ અને તપાસ બાદ યુવકે કયા કારણે ગળાફાંસો ખાધો એ જાણવા મળશે.