સુરતના કામરેજની કામરેજ હોસ્પિટલમાં ગર્ભમાં જ બાળકનું મોત થયા બાદ પ્રસૂતા માતાનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પ્રસૂતાને દુખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ સાથે તાવ પણ આવતો હોવા છતાં ડોક્ટરે યોગ્ય સારવાર ન કરતા અન્ય હોસ્પિટલ લઈ જવાનું કહી ઉંચા હાથ કરી દીધા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.. ત્યારબાદ અન્ય હોસ્પિટલ પહોંચતા પરિવારજનોને જણાવવામાં આવ્યું હતું કે ગર્ભમાં બાળકનું મોત થયું છે અને માતાની પણ હાલત ખૂબ જ ગંભીર છે. જોકે સારવાર દરમિયાન માતાનું મોત નિપજ્યું હતું. હાલ તો આ મામલે પરિવારજનો દ્વારા ડોક્ટરની બેદરકારી ના કારણે મોત થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ સાથે પરિવારે આક્ષેપ કરતા કહ્યું હતું કે,કામરેજ હોસ્પિટલના ડોક્ટર દ્વારા લેખિતમાં લખી આપવામાં આવ્યું હતું કે તમારે જ્યાં કેસ કરવો હોય ત્યાં કેસ કરવા માટેની પરવાનગી આપવામાં આવે છે. શિરોયા પરિવાર નવા મહેમાનને આવકારવા તૈયારી કરતો હતો
મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લા અને સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલી રાજેશ્વરી રેસિડેન્સીમાં 30 વર્ષીય ગાયત્રી મિત શિરોયા પરિવાર સાથે રહેતી હતી. ગાયત્રી અને મીતના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. નવ મહિના પહેલા ગાયત્રી ગર્ભવતી થતા પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરિવારના એકના એક દીકરાના ઘરે પારણું બંધાવવાનું હતું. જોકે ગત 30 નવેમ્બર ના રોજ ગાયત્રીને પ્રસુતિની પીડા ઉપડી હતી અને આ સાથે તેને તાવ પણ આવી રહ્યો હતો. જેથી પ્રસુતિની સારવાર ચાલી રહેલી કામરેજ હોસ્પિટલ ખાતે ડોક્ટર પાસે ગયા હતા. પરિવારનો ડોકટર પર બેદરકારીનો આક્ષેપ
પરિવારજનો એ જણાવ્યું હતું કે, 30 નવેમ્બરના રોજ જ્યારે ગાયત્રીને દાખલ કરવામાં આવી ત્યારે પ્રસુતિની પીડાને લઈને સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે ડોક્ટરને કંઈ જાણ ન હોય તે રીતની સારવાર શરૂ કરી હતી. ત્યારબાદ તેને તાવ આવતો હોવા છતાં પણ એવું કહ્યું હતું કે આની પ્રસુતિ એક મહિના પછી થશે. આ સાથે જ ઠંડા ઇંજેકસન પણ આપી દીધા હતા. ત્યારબાદ ગાયત્રીની તબિયત લથડવા લાગી હતી. જેથી ડોક્ટરે હાથ ઉંચા કરી દીધા હતા. બાજુમાં આવેલી અન્ય એક હોસ્પિટલ ખાતે પણ લઈ ગયા હતા અને ત્યાં રિપોર્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાં ગાયત્રી ના કિડની અને લીવર ફેલ થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. કામરેજ હોસ્પિટલના ડોક્ટરે લેખિતમાં પણ આપ્યું હતું કે તમારે જ્યાં કેસ કરવો હોય ત્યાં કેસ કરવા માટે અમે પરવાનગી આપીએ છીએ. આ સાથે જ તેને મોટી હોસ્પિટલ લઈ જવા માટે કહી દીધું હતું. જેથી પરિવારજનો ગાયત્રીને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલ લઈને દોડી ગયા હતા. જ્યાં ડોક્ટરો દ્વારા તાત્કાલિક સારવાર આપવાની શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં તપાસ કરતાં ગર્ભમાં રહેલું બાળક ત્રણ દિવસ પહેલા જ મોતને ભેટ્યું હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટરો દ્વારા ગાયત્રીને બચાવવા માટે આઈસીયુ સહિતની સારવાર આપવામાં આવી હતી. બે ડિસેમ્બરના રોજ રાત્રે ગાયત્રીની નોર્મલ ડિલિવરી કરીને મૃત બાળક દીકરાને બહાર કાઢવામાં આવ્યું હતું. જ્યારે આજે સવારે ગાયત્રી નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પરિવારના એકના એક દીકરાના ઘરે પારણું બંધાય તે પહેલા જ ગર્ભમાં જ બાળક ત્યારબાદ માતાનું પણ મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ સાથે જ કામરેજ હોસ્પિટલના ડોક્ટર સામે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. અન્ય કોઈ સાથે આવી ઘટના ન બને તે માટે કામરેજ હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. મૃતકની છેલ્લી ઈચ્છા પણ અધૂરી રહી
પરિવારના સભ્ય એવા રાહુલ શિરોયાએ જણાવ્યું હતું કે ગાયત્રીને જણાવવામાં આવ્યું ન હતું કે તેનું બાળક ગર્ભમાં જ મોતને ભેટ્યું છે. ગતરોજ સાંજે સારવાર દરમિયાન ગાયત્રીએ તેના દીકરાને એકવાર છાતીએ લગાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે પરિવારે એવું કહ્યું હતું કે તેને કાચની પેટીમાં રાખવામાં આવ્યું છે ડોક્ટર જણાવશે ત્યારે તેને તમને આપવામાં આવશે. જોકે ગાયત્રીને છેલ્લી ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તે રીતે સવારે તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ગાયત્રીના પરિવાર દ્વારા કામરેજ હોસ્પિટલના ડોક્ટર સામે બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેને પગલે કામરેજ હોસ્પિટલના ડોક્ટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સંપર્ક કરતા ડોક્ટર હાલ અવેલેબલ ન હોવાનું હોસ્પિટલ ખાતેથી જણાવવામાં આવ્યું હતું.