દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે ‘ખબરદાર જમાદાર!’. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. ખ્યાતિકાંડના કાર્તિક પટેલની પાર્ટી IPS બેડામાં ખૂબ જ ચર્ચામાં
ગુજરાતમાં તાજેતરમાં થયેલા ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ અનેક વ્યક્તિઓ સાથે કાર્તિક પટેલના સંબંધો હોવાનું સામે આવી રહ્યું હતું. તેના ઘરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડી ત્યારે જે દારૂની બોટલો મળી તે જોઇને ત્યાં હાજર પોલીસ પણ એક સમયે ચોંકી ઉઠી હતી. હવે ક્યાંકને ક્યાંક પોલીસને એવી ગુપ્ત માહિતી મળી રહી છે કે કાર્તિકને તો આ અધિકારી સાથે અને પેલા અધિકારી સાથે સંબંધો હતા. તે ઘણી વખત મહેમાનોને આમંત્રિત કરતો હતો. જેમાં કદાચ આઇપીએસ અધિકારીઓ પણ હોય તેવી ચર્ચા છે. એટલું જ નહીં જમીનના મોટા વેપારના કારણે તે અનેક વખત કનેક્ટ થયો હતો. જેથી બીજા મોટા પણ લોકો આર્થિક રીતે કનેક્ટ હોય તેવી હાલ ચર્ચા છે. એક પીઆઇએ કરોડો રૂપિયા બિલ્ડરને આપી વ્યાજના બદલામાં મિલકત પડાવી લીધી
અમદાવાદના એક કેમિકલ માટે બદનામ વિસ્તારમાં ઘણા પોલીસ ઇન્સપેક્ટર ફરજ બજાવી ચૂક્યા છે. અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર ભલે નવા આવે પરંતુ ગેરકાયદેસર કારોબાર અહીંયાનો એક ખેલાડી જ કરે છે. થોડા સમય પહેલાં એક અધિકારી પાસે ખૂબ રૂપિયા હતા. એટલે તેમણે વ્યાજે એક બિલ્ડરને રૂપિયા આપવાનું કહ્યું અને તેમાં ખેલાડીએ કરોડો રૂપિયા એક બિલ્ડરને વ્યાજે અપાવ્યા હતા. અંદાજે 35 કરોડ જેટલી રકમ લેવાની થઈ પરંતુ આ દરમિયાન બિલ્ડર ખખડી ગયો અને તેની પાસે કોઈ રૂપિયા નથી તેવી એક સ્કીમ બનાવી રહ્યો હતો, ત્યારે આ ચારેય ભેજાબાજ અને તેમનો એક ટપોરી જેવા માણસે આ બિલ્ડરના ભાગમાં આવેલી દુકાન, શો રૂમ અને ફ્લેટ તેમની લેણી રકમ કરતાં પણ વધુના પડાવી લીધા હોવાની ચર્ચા છે. હવે આ ખેલાડી બીજા ત્રણ પીઆઇને મદદ કરવા નીકળ્યો પણ તેમાં એક ઉડી ગયા અને બીજા બેના ભાવી અધ્ધરતાલ છે. અમદાવાદમાં મહત્ત્વની જગ્યા પર કોણ બેસશે? શું નેતા કે પછી IPS અધિકારીની ભલામણ ચાલશે
અમદાવાદની એક જગ્યા પર અચાનક બદલી આવી. કદાચ કોઈને અંદાજ પણ નહીં હોય અને તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. હવે આ જગ્યા પર બિરાજમાન થવા પશ્ચિમના એક પીઆઇ પોતે એક સંસ્થા સાથે જોડાયેલા છે તેવી વાતો કરે છે અને તેમની લાઈન ક્લિયર કરવા પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે પૂર્વના એક પીઆઇ પણ આ રેસમાં જોડાયેલા છે. જેમણે પણ આ જગ્યા પર સત્તારૂઢ થવું છે. તેમણે તેમના જુના પરિચિત આઇપીએસ અધિકારી પાસે ભલામણ કરાવી હોવાની પણ ચર્ચા છે. પણ આ વખતે આ જગ્યા પર કોણ સત્તારૂઢ થશે તે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રહે તેવી શક્યતા છે. રાજકોટમાં પૈસા આપો અને મોજ કરો નહીં તો ઓવરટાઈમ કરવા તૈયાર રહો
રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં અધિકારી દ્વારા રૂપિયા લેવામાં આવે છે તેવી ચર્ચા બાદ ઓડિયો ક્લિપ પણ વાઇરલ થઈ હતી. જે બાદ આજે પણ જો નોકરી ન કરવી હોય તો પૂરતા રૂપિયા આપી દેવામાં આવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને જે લોકો રૂપિયા ન આપી પ્રામાણિક રીતે નોકરી કરવા ઇચ્છતા હોય તો તેઓ પાસે ઓવરટાઈમ એટલે કે 12-12 કલાક, ક્યારેક તો 16-16 કલાક નોકરી કરાવવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અયોગ્ય રીતે નોકરી ફાળવવામાં આવતી હોવાથી કર્મચારીઓ IPS સુધી ફરિયાદ કરવા પણ પહોંચ્યા હતા, પરંતુ તેઓની રજૂઆતને નજર અંદાજ કરી દેવામાં આવી હોય તેવું પોલીસકર્મીઓમાં ચર્ચાઈ રહ્યું છે. જો ખરેખર ચર્ચાતી આ વાત વાસ્તવિક રીતે સાચી હોય તો રાજકોટમાં પોલીસ પરિવાર અને પોલીસ વેલ્ફેરની ચિંતા કરતા પોલીસ કમિશનર સાહેબે યોગ્ય રીતે તપાસ કરાવી પોલીસકર્મીઓની સાચી વાતને વાચા આપી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને અન્યાય ન થાય અને સરળતાથી પ્રામાણિક રીતે ફરજ બજાવી શકે તેની કાળજી લેવી જરૂરી છે. અમદાવાદની બહાર બદલી થયેલા ખેલાડીઓ હજી તેમના આકાને છોડી શક્યા નથી
અમદાવાદમાંથી કેટલાક વિવાદાસ્પદ પોલીસ કર્મચારીઓની શહેર બહાર બદલી કરી દેવામાં આવી છે. આ બદલી થયા બાદ મોટાભાગના પોલીસ કર્મચારીઓએ પોતાના ફોન બંધ કરી દીધા છે, પરંતુ તેઓ કોઈને કોઈ રીતે તેમના પોલીસ ઇન્સ્પેક્ટરના સંપર્કમાં છે અને કારોબારનો હિસાબ તો હજી પણ એ લોકો જ રાખી રહ્યા છે. હવે ગાંધીનગરથી આ લોકોની બદલી થઈ તેમ છતાં પોલીસ ઇન્સ્પેક્ટર હજી તેમને છોડી શકતા નથી. કારણ કે, ક્યાંક તેમનો હાથ દબાયેલો છે અથવા ક્યાંક તેમણે કંઈ પણ થાય તેરા સાથ ન છોડેંગે એવું નક્કી કરી લીધું છે. આ બધાને લીધે અમદાવાદમાં ઘણી જગ્યાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ બગડી હોવાની વાત સપાટી પર આવી હતી. પીઆઇની આંતરિક બદલીમાં ખોટી ભલામણ કરવા ખોટા માણસો પહોંચી ગયા
અમદાવાદમાં તાજેતરમાં કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી હતી. આ પહેલાં કેટલાક એવા લોકો પણ છે જેઓ પોતાને અમદાવાદ શહેરના એક આઇપીએસ અધિકારીના ખૂબ જ નજીકના હોવાનું કહે છે અને તે આઈપીએસ અધિકારી તેમની કાર્ય કુશળતા નહીં પણ વાકપટુતામાં આવી જાય છે. જે વન્સ અપોન અ ટાઈમ કહીને સાહેબને મહત્ત્વની વાત ભુલાવી જાય છે. ત્યારે ભલે સાહેબ પોતાની કુનેહ પૂર્વક ફેરફાર કર્યા પણ બજારમાં આ લોકો શેખી મારતા ફરે છે કે, આપણું સાહેબ રાખે છે. જેમાં એક મોટા ગજાના જાદુગર અને રાજવી પરિવાર સાથે સંકળાયેલા વ્યક્તિ પણ ફાંકા મારતા અટકતા નથી તેવી જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. કાયદો-વ્યવસ્થાનિ સ્થિતિ કથળાતા એજન્સીના એક અધિકારી તુરંત કામે લાગી ગયા
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળાતા ગાંધીનગરથી ખૂબ જ આક્રમ મિજાજમાં આવેલા નેતાએ ખૂબ ઠપકો આપ્યો હતો. અને કોઇપણ વસ્તુ, જગ્યા અને વ્યક્તિ કાયમી નથી તે પણ સમજાવી દીધું હતું. આ બધુ ચાલી રહ્યું હતું ત્યારે ક્યાંક અધિકારી, નાના કર્મચારી અને કેટલાક લોકો વચ્ચે સંકલનનો અભાવ હતો, ત્યારે હવે એજન્સીના એક અધિકારીએ એક લિસ્ટ તૈયાર કર્યું જેમાં તેમણે મોટા લોકોને ફોન કરવાનું શરૂ કર્યું છે. અને એક મેકના સંબંધો આગળ વધારવાની તૈયારી શરૂ કરી દીધી છે. હવે આ જવાબદારી તેમણે જાતે લીધી છે કે, કોઈના કહેવા પર તેમણે લઈ જ લીધી છે તે ખબર પડતી જ નથી. અગાઉ આ અધિકારીની એજન્સીમાં પડિકા પ્રથા શરૂ થઈ પણ તે એકંદરે ફેઈલ જ હોવાની ચર્ચા છે. હવે જોઇએ નવા ટાસ્કમાં તે કેટલા સફળ થાય છે. એક અધિકારીને ટ્રાફિક ચોકીમાં એવો રસ પડ્યો કે ચોકી દીઠ કિંમત નક્કી કરી નાખી
અમદાવાદમાં એક અધિકારીને ટ્રાફિક ચોકીમાં રસ પડવા લાગ્યો છે. આ અધિકારીએ ચોકી દીઠ કિંમત નક્કી કરી છે. જેથી કોઈએ ચોકીમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી હોય તો તેણે અધિકારીને મહિને 1થી 1.50 લાખ આપવા પડે છે. કેટલાક કર્મચારીઓને તો આ અધિકારીના ત્રાસથી ચોકીની નોકરીથી દૂર થવું પડ્યું છે. આ અધિકારી નાના નાના પોલીસકર્મીઓની કામગીરીમાં પણ દખલગીરી કરી રહ્યા છે. વાહન ટોઇંગ કરવાની વેનમાં પણ કોણ રહેશે તે અધિકારી જ નક્કી કરે છે તેના માટે પણ એક કિંમત નક્કી કરવામાં આવી છે. જેથી ચોકી અને વેન બંનેમાં ટેન્ડર સિસ્ટમ ચાલુ થઈ હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે.