ડાયમંડ ઉદ્યોગમાં 2 વર્ષથી મંદી હોવાથી ઉદ્યોગકારો સતત ફરિયાદ કરતા હતા. તૈયાર હીરાના ભાવમાં 40 ટકા સુધી ઘટાડો થયો છે, જ્યારે રફના ભાવ ઘટ્યા નથી, જેના કારણે વેપારીઓને નુકસાન થાય છે અને માર્કેટ સ્ટેબલ થતું નથી. દરમિયાન રફ ટ્રેડિંગ કરતી ડીબિયર્સે કાચા હીરાના ભાવમાં 10થી 15 ટકાનો ઘટાડો કર્યો છે. આ વખતે કંપનીએ પોલિસી બદલીને સાઇટ હોલ્ડર્સની સંખ્યા યથાવત રાખી છે. ડી-બિયર્સના આ પગલાંને કારણે કાચા હીરાના આંતરરાષ્ટ્રીય બજારોમાં અન્ય સપ્લાયર્સ તેમજ માઇનિંગ કંપનીઓ પર પણ ભાવ ઘટાડવા દબાણ આવશે. અત્યાર સુધી એવું હતું કે, કાચા હીરાના ભાવો ઊંચા હતા અને તેની સામે તૈયાર હીરાના ભાવ નીચે સરકી ગયા હતા. પરિણામે ખોટ જાય તેવી સ્થિતિ હતી. હવે નવી ઇન્વેન્ટરી ખરીદીને ઉદ્યોગકારો, ઝવેરાત ઉત્પાદકો માલ બજારમાં મૂકશે તો નફાનું ધોરણ જળવાઇ રહેશે એ પ્રકારનો ભાવ ઘટાડો કરાયો છે. ક્રિસમસ અને ચીનના નવા વર્ષમાં સારા વેપારની આશા
તૈયાર હીરાનું બજાર અને ભાવ સ્થિર કરવા ડી-બિયર્સે એક ઝાટકે ઘટાડો કરી દીધો છે. આગામી સમયમાં ક્રિસમસ, ચીની નવું વર્ષ બે મોટા ફેસ્ટિવલમાં ડાયમંડ સ્ટડેડ જ્વેલરીની ખાસ્સી ડિમાન્ડ નીકળશે અને હવે તૈયાર હીરા તેમજ જ્વેલરીના ભાવ પણ ઘટશે, જેથી ગ્રાહકોને આકર્ષી શકાશે.