સાઉથના સ્ટાર નાગ ચૈતન્ય-શોભિતાના પરંપરાગત રીતે ભવ્ય લગ્ન યોજાયા હતા. આ દંપતીએ હૈદરાબાદના એ જ અન્નપૂર્ણા સ્ટુડિયોમાં લગ્ન કર્યા, જેની સ્થાપના નાગ ચૈતન્યના દાદા અક્કીનેની નાગેશ્વર રાવ દ્વારા 1976માં કરવામાં આવી હતી. બંનેના લગ્નની તસવીરો નાગા ચૈતન્યના પિતા અને સ્ટાર એક્ટર નાગાર્જુને શેર કરી છે. શેર કર્યાના થોડા સમય પછી, લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. એક્ટરના પિતા નાગાર્જુને ફોટા શેર કર્યા છે સાઉથના સુપરસ્ટાર નાગાર્જુને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બંનેની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શોભિતા ગોલ્ડ એમ્બ્રોઇડરીવાળી કાંજીવરમ સિલ્ક સાડી અને હેવી ગોલ્ડ જ્વેલરીમાં જોવા મળે છે, જ્યારે નાગ ચૈતન્ય સફેદ કુર્તા અને ધોતીમાં જોવા મળે છે. મારા માટે આ એક ખાસ અને ભાવનાત્મક ક્ષણ- નાગાર્જુન બંનેના ફોટા શેર કરતા નાગાર્જુને લખ્યું – શોભિતા અને નાગ ચૈતન્યને સાથે મળીને આ સુંદર અધ્યાયની શરૂઆત કરતા જોવું મારા માટે ખાસ અને ભાવનાત્મક ક્ષણ છે. મારા પ્રિય પુત્રને અભિનંદન, અને પ્રિય શોભિતાનું પરિવારમાં સ્વાગત છે. તમે અમારા જીવનમાં પહેલેથી જ ઘણી બધી ખુશીઓ લાવ્યા છો. બંનેએ સાથે મળીને જીલાકારા બેલમની વિધિ કરી હતી
તસવીરોમાં નાગ ચૈતન્ય-શોભિતા તેલુગુ બ્રાહ્મણ વિધિ કરતાં જોવા મળે છે. ધાર્મિક વિધિમાં બંનેએ એકબીજાના માથા પર હાથ મૂક્યાં. આ વિધિને જીલાકારા બેલમ કહેવામાં આવે છે. આમાં વર-કન્યાના હાથમાં જીરું અને ગોળની પેસ્ટ આપવામાં આવે છે. આ ધાર્મિક વિધિમાં બંને એકબીજાના માથા પર પેસ્ટ લગાવેલા હાથ રાખે છે. આ ધાર્મિક વિધિ એટલા માટે કરવામાં આવે છે કે વર અને કન્યા દરેક મુશ્કેલ અને સારા સમયે એકબીજાને ટેકો આપે. એવું પણ માનવામાં આવે છે કે એક-બીજાના માથા પર પેસ્ટ લગાવવાથી વર-કન્યા પોતાના વિચારો અને ભાગ્યને એકબીજા સાથે જોડે છે. તેલુગુ બ્રાહ્મણ રિવાજ મુજબ લગ્ન સાઉથના લગ્નોમાં, વર-કન્યા વચ્ચે પડદો પણ રાખવામાં આવે છે. આ વિધિને તેરાસલા કહેવામાં આવે છે. આ ધાર્મિક વિધિમાં, વર-કન્યા લગ્ન પહેલાં એકબીજાને જોઈ શકતા નથી. જીલાકારા બેલમ વિધિ પછી આ પડદો હટાવવામાં આવે છે, ત્યારબાદ લગ્ન પૂર્ણ માનવામાં આવે છે. ઉપરાંત, સાઉથના લગ્નોમાં, વરરાજા તેની કન્યાને મંગળસૂત્ર પહેરાવે છે અને તેમાં ત્રણ ગાંઠ બાંધે છે. તેનો અર્થ એ છે કે વર વિચાર, શબ્દ અને કાર્યમાં કન્યાને તેની પત્ની તરીકે સ્વીકારે છે. નાગ ચૈતન્ય અને શોભિતાના કપાળ પર પણ પેટા બાંધવામાં આવ્યું હતું, જે લગ્ન સમયે તેલુગુ વર-કન્યાના કપાળ પર બાંધવામાં આવે છે. આ કપલે ઓગસ્ટમાં સગાઈ કરી હતી નાગ અને શોભિતાની સગાઈ ઓગસ્ટમાં થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેની પ્રાઈવેટ સેરેમની નાગા ચૈતન્યના પિતા નાગાર્જુનના ઘરે થઈ હતી. નાગાર્જુનનું ઘર હૈદરાબાદના પોશ વિસ્તાર જુબિલી હિલ્સમાં આવેલું છે. નાગાર્જુને સગાઈની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. લગ્નની ચોથી વર્ષગાંઠ પહેલા લગ્ન તૂટી ગયા.
સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યના લગ્ન 6 ઓક્ટોબર 2017ના રોજ ગોવામાં થયા હતા, પહેલા હિંદુ રીતિ-રિવાજ મુજબ અને પછી 7 ઓક્ટોબરના રોજ ખ્રિસ્તી રિવાજો મુજબ. લગ્ન બાદ સામંથાએ પોતાનું નામ બદલીને અક્કીનેની કરી લીધું હતું. જો કે, અલગ થવાના સમાચાર વચ્ચે, સામંથાએ તેના ટ્વિટર હેન્ડલ પરથી અક્કીનેનીને હટાવી દીધી હતી અને તેને બદલીને સામંથા રૂથ પ્રભુ કરી દીધી હતી. 6 ઓક્ટોબર, 2021ના રોજ બંનેના લગ્નના ચાર વર્ષ પૂરા થવાના હતા, પરંતુ તે પહેલા જ તેઓ અલગ થઈ ગયાં હતાં.