back to top
Homeગુજરાતઅઢી કરોડ ત્રણ વર્ષમાં જ પાણીમાં:બ્યૂટિફિકેશન કર્યું એ ફ્લાયઓવર નીચે હવે વધુ...

અઢી કરોડ ત્રણ વર્ષમાં જ પાણીમાં:બ્યૂટિફિકેશન કર્યું એ ફ્લાયઓવર નીચે હવે વધુ રૂ. 2.50 કરોડ ખર્ચી ઇન્ડોર સ્ટેડિયમ બનાવશે!, AAPએ કહ્યું- મળતિયા કોન્ટ્રેક્ટરનો કમાવાનો કારસો

સુરત મહાનગરપાલિકાએ આજથી 3 વર્ષ પહેલાં પારલે પોઈન્ટ વિસ્તારમાં ફ્લાયઓવર બ્રિજની નીચે અઢી કરોડ રૂપિયાનો ખર્ચ કરીને બ્યૂટિફિકેશન પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. જેમાં સેલ્ફી પોઇન્ટ, રંગબેરંગી છત્રીઓ, ખુરશીઓ સહિતનું સુશોભન કરવામાં આવ્યું હતું. આજે એજ બ્રિજની નીચે ફરી 2.5 કરોડના ખર્ચે ઈન્ડોર સ્પોર્ટ્સ એક્ટિવિટીના પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. સુરત કોર્પોરેશનના સત્તાધીશો અને ભારતીય જનતા પાર્ટી સુરતની પ્રજાના પરસેવાના પૈસાનો ધુમાડો કરતી હોવાની ચર્ચા શરૂ થઈ છે. ભાજપના ભ્રષ્ટ શાસકોએ ગજવા-ઘરો ભરી લીધાઃ AAP
આ મામલે આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાધવાણીએ જણાવ્યું હતું કે, સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં ઓવરબ્રિજની આસપાસ એટલે કે, તેની નીચે આજથી બે વર્ષ પહેલાં મહાનગરપાલિકાના ભ્રષ્ટ શાસકોએ એ બ્રિજનું બ્યૂટિફિકેશન કરીને ત્યાં સેલ્ફી પોઈન્ટ સહિતનું બધુ ઉભુ કરી અંદાજીત બેથી અઢી કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. આજે એ બ્યૂટિફિકેશન, એ સેલ્ફી પોઈન્ટની હાલત સૌ કોઈ જાણે છે કે શું થઈ છે. હવે પાછું તેમાં નવુ બે-અઢી કરોડની દરખાસ્ત મંજૂર કરી અને ત્યાં ઈન્ડોર ગેમિંગનું આયોજન કરી રહ્યાં છે. ‘બે વર્ષ પછી આ ગેમિંગનું આયોજન પણ રફેદફે કરી દેવાશે’
વધુમાં જણાવ્યું કે, બે વર્ષ પછી આ ગેમિંગનું જે આયોજન છે તેનું પણ રફેદફે કરી દેવામાં આવશે. એટલે કે, સુરતની જનતાના મહેનત-કમાણીના પરસેવાના પૈસા છે, તેનો વેડફાટ કેમ કરવો અને એ પૈસા જુદા-જુદા કામના નામે વાપરી તેમાંથી ભ્રષ્ટાચાર-ખાયકી કેમ કરવી, પોતાના મેળાપણાના કોન્ટ્રેક્ટરો છે તેમને કામ કેવી રીતે આપવું એ ભારતીય જનતા પાર્ટીની નીતિ-રીતિ-પ્રવૃત્તિ બની ગઈ હોય એવી રીતે સુરતની મહાનગરપાલિકાના અને ભાજપના ભ્રષ્ટ શાસકો બેફામ રીતે સુરતની જનતાના લાખો-કરોડો રૂપિયાનો ધુમાડો કરી પોતાના ગજવા અને ઘર ભરી લીઘા. લોકો માટે રમતગમતની વ્યવસ્થા ઉપલબ્ધ થશેઃ જતિન દેસાઈ
આ મામલે એડિશનલ સિટી ઈજનેર જતિન દેસાઇએ જણાવ્યું હતું કે જ્યારે પણ અમે બ્રિજ બનાવીએ ત્યારે ત્યાં પાર્કિંગ અથવા બ્યૂટિફિકેશનનું કામ કરવામાં આવ્યું છે. આ વખતે નવી વિચારધારા સાથે બ્રિજની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈને ધ્યાનમાં રાખીને અનુકૂળતા આધારે ઈન્ડોર ગેમ્સની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે, જેનાથી લોકો માટે રમતગમતની સરળ વ્યવસ્થા ઉપલબ્ધ થશે. ‘2025માં પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાનું આયોજન’
પલિકાએ શહેરના લોકો માટે રમતગમત અને વાંચન માટે અનોખું પ્લેટફોર્મ ઊભું કરવાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધર્યો છે. શહેરના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં શહીદ વીર ભગતસિંહ બ્રિજની નીચે ગુજરાતનું પ્રથમ ઈન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી સેન્ટર ઊભું કરવામાં આવશે. વર્ષ 2025ના પ્રારંભથી આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાનું આયોજન છે. આધુનિક રમતગમત અને વાંચન માટેની સુવિધાઓ
આ સ્પોર્ટ્સ સેન્ટરમાં ટેબલ ટેનિસ, ચેસ, કેરમ બોર્ડ, એરહોકી, સ્નેક એન્ડ લેડર્સ, બોલિંગ જેવી રમતો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ રમત-ગમતની સાથે મનોરંજન માટે રીડિંગ રૂમ અને કાફેટેરિયાની પણ સુવિધા ઉપલબ્ધ રહેશે. બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, વયસ્કો માટે આરામદાયક બેસવાની જગ્યાઓ અને વ્યક્તિગત સામાન સુરક્ષિત રાખવા માટે લૉકર એરિયા પણ ઊભું કરવામાં આવશે. અંદાજે રૂ. 2.5 કરોડનો ખર્ચ થશે
આ પ્રોજેક્ટ માટે અંદાજે રૂ. 2.5 કરોડનો ખર્ચ થવાનો છે. બ્રિજના ત્રણ ખૂણાઓની ફાજલ જગ્યાનો ઉપયોગ કરીને આ સર્વસંમત પ્રોજેક્ટ ડેવલપ કરવામાં આવશે. સુવિધાઓ માટે સભ્ય ફી નક્કી કરવામાં આવશે, જે દરેક માટે સસ્તી અને સરળ રાખવામાં આવશે. બે વર્ષ પહેલાં કરવામાં આવેલા અઢી કરોડના ખર્ચ અને પ્રોજેક્ટની નિષ્ફળતા બાબતે દિવ્ય ભાસ્કરે સવાલ કરતા જતિન દેસાઇએ જવાબ આપવાનું ટાળ્યું હતું અને ગોળ-ગોળ જવાબો આપ્યાં હતાં. પહેલાં પ્રોજેક્ટ નિષ્ફળ ગયો, ત્યાં જ બીજા પ્રોજેક્ટનું કામ શરૂ
ઉલ્લેખનીય છે કે, 3 વર્ષ પહેલા આ જ જગ્યાએ સુરત મહાનગરપાલિકાએ અઢી કરોડ ખર્ચીને બ્રિજના નીચે બ્યૂટિફિકેશનનું કામકાજ કર્યું હતું. આ બ્યૂટિફિકેશનમાં વિવિધ રંગબેરંગી છત્રીઓ લગાવવામાં આવી હતી, પરંતુ થોડા જ દિવસોમાં તે છત્રીઓ ચોરી થવા લાગી. સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં લોકો સેલ્ફી લેવા આવતા નહોતા. બન્ને બાજુ ટ્રાફિકની સમસ્યા હોવાને કારણે અહીં લોકો બેસવા પણ આવતા નહોતા. કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ આ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો હતો. આ જ કારણે હવે કરોડો રૂપિયા ખર્ચીને આ જ બ્રિજ નીચે સુરત મહાનગરપાલિકા ઈન્ડોર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવા જઈ રહી છે. સુરત શહેરમાં લગભગ 121 જેટલા ફ્લાયઓવર બ્રિજ છે, જેમાંથી મોટાભાગના બ્રિજની નીચે પે એન્ડ પાર્કની સુવિધા છે. પરંતુ આ શહેરમાં પ્રથમ વખત એક એવો બ્રિજ હશે, જેના નીચે વિવિધ પ્રકારની ઈન્ડોર ગેમ્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments