સુરતના અઠવા પોલીસ મથક વિસ્તારમાં આવેલ કાદરશાની નાળ પાસે 32 વર્ષીય યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે યુવકની લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 32 વર્ષીય યુવક ઘરની બાજુમાં જ આવેલા ઝાડ સાથે લટકી ગયો હતો. ઘર પાસેના ઝાડમાં દોરડું બાંધી યુવકનો આપઘાત
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના અઠવા વિસ્તારમાં કાદરશાની નાળ પાસે એક 32 વર્ષીય યુવાને ઝાડ સાથે દોરડું બાંધી આપઘાત કરી લીધો હતો. આ અંગે માહિતી આપનાર જુબેરશાએ જણાવ્યું હતું કે, મૃતક યુવાનનું નામ ભોલા ઉર્ફે અરુણ છે, જે આશરે 32 વર્ષનો છે. મૃતક ભોલા મારે ત્યાં કામ કરતો હતો અને ઉપર જ રૂમમાં સૂતો હતો. સવારે ઉઠાડવા આવેલા યુવકને લટકતો મળ્યો
આજે સવારે મારો ભત્રીજો અહીં આવ્યો ત્યારે તે હાજર ન હતો. જેથી તેને મને ફોન કરીને જણાવ્યું કે, કાકા ભોલા દેખાતો નથી. જેથી મેં તેને કહ્યું હતું કે, તું ઉપર જઈને રૂમમાં જો એ સૂતો હશે અને તેને ઉઠાડીને કહે કે દુકાન ચાલુ કર. જ્યારે મારો ભત્રીજો ઉપર ગયો ત્યારે તે રૂમમાં ન હતો અને રૂમની બારીમાંથી જોયું તો તે ઝાડ સાથે લટકતો જોવા મળ્યો હતો. જેથી મારા ભત્રીજાએ મને જાણ કરી હતી અને હું તાત્કાલિક જ અહીં પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી
ભોલા ઉર્ફે અરુણે આપઘાત કરી લીધો હોવાની ઘટનાને પગલે અમે તાત્કાલિક જ અઠવા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને ઝાડ પરથી ઉતારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક ભોલા ઉર્ફે અરુણ ખૂબ જ દારૂ પીવાની ટેવ વાળો હતો. આખો દિવસ દારૂના નશામાં જ રહેતો હતો. તેને આપઘાત શા માટે કર્યો તેનું કારણ અકબંધ છે. ભોલાના લગ્ન થઈ ગયા છે અને તેનો પરિવાર તેના વતન રહે છે. હાલ પોલીસે સમગ્ર મામલે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.