ભારતના જસપ્રીત બુમરાહનું નામ નવેમ્બરના ICC પ્લેયર ઓફ ધ મંથ અવોર્ડની રેસમાં જોડાઈ ગયું છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટમાં 8 વિકેટ ઝડપી હતી. બુમરાહની સાથે પાકિસ્તાનના હારિસ રઉફ અને દક્ષિણ આફ્રિકાના માર્કો યાન્સેનને પણ નોમિનેટ કર્યા છે. મહિલા કેટેગરીમાં બાંગ્લાદેશની શર્મિન અખ્તર, ઇંગ્લેન્ડની ડેની વ્યાટ-હોજ અને દક્ષિણ આફ્રિકાની નાદીન ડી ક્લાર્ક નામાંકિત થઈ હતી. મહિલામાં, ત્રણેય નોમિનેશન બેટર્સ માટે ગયા હતા, જ્યારે પુરુષોમાં, ત્રણેય નોમિનેશન બોલરોને મળ્યા હતા. રઉફે ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર ધકેલ્યું હતું
નવેમ્બરમાં, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 ODI અને 3 T-20 સિરીઝ રમાઈ હતી. પાકિસ્તાનના ફાસ્ટ બોલરે 3 ODIમાં 10 વિકેટ ઝડપી હતી, જેની મદદથી ટીમે 22 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં ODI સિરીઝ જીતી હતી. ત્રણેય વન-ડેમાં રઉફે ખતરનાક ગ્લેન મેક્સવેલને પણ પેવેલિયન પરત મોકલી દીધો હતો. રઉફને વન-ડેમાં પ્લેયર ઓફ ધ સિરીઝ પસંદ કર્યો હતો. જે બાદ તેણે 3 T20માં 5 વિકેટ પણ લીધી હતી. એટલે કે નવેમ્બરમાં તેણે 6 મેચમાં 15 વિકેટ ઝડપી હતી. યાન્સેને શ્રીલંકા સામે 11 વિકેટ ઝડપી હતી
સાઉથ આફ્રિકાનો લેફ્ટ આર્મ પેસર માર્કો યાન્સેન અવોર્ડ જીતવાની રેસમાં સૌથી આગળ છે. તેણે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં માત્ર 13 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. જેના કારણે શ્રીલંકા માત્ર 42 રનમાં સમેટાઈ ગયું હતું. તેણે બીજી ઇનિંગમાં ફરી 4 વિકેટ ઝડપી હતી. તેને 11 વિકેટ લેવા બદલ પ્લેયર ઓફ ધ મેચનો અવોર્ડ પણ મળ્યો હતો. ટેસ્ટ પહેલા યાન્સેને ભારત સામેની T-20 શ્રેણીમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્રીજી T20માં તેણે માત્ર 17 બોલમાં 54 રન બનાવ્યા, જ્યારે ચોથી T20માં તેણે 29 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકા બંને મેચ હારી ગયું હતું, પરંતુ યાન્સેનનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે જોરદાર બોલિંગ કરી હતી
જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. રોહિત શર્મા પેટરનીટી લીવ કારણે પર્થમાં મેચ રમી શક્યો ન હતો. પહેલા રમતા ટીમ ઈન્ડિયા માત્ર 150 રન બનાવી શકી, અહીં કેપ્ટન બુમરાહે ટીમને કમબેક કરાવ્યું. તેણે માત્ર 30 રનમાં 5 વિકેટ ઝડપી અને ઓસ્ટ્રેલિયાને 104 રન સુધી ઓલઆઉટ કરી દીધું. ત્યારબાદ બુમરાહે બીજી ઇનિંગમાં 42 રનમાં 3 વિકેટ ઝડપી હતી અને ભારતે 295 રનના વિશાળ અંતરથી મેચ જીતી લીધી હતી. આ પ્રદર્શન માટે બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કર્યો હતો અને ભારતે સિરીઝમાં 1-0થી લીડ મેળવી હતી. મહિલાઓમાં એક પણ ભારતીય સામેલ નથી
ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશની ખેલાડીઓને વુમન્સ પ્લેયર ઓફ ધ મંથ અવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે. નાદિન ડી ક્લાર્કે ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં 80 રન બનાવ્યા અને 4 વિકેટ પણ લીધી. ડેની વ્યાટે દક્ષિણ આફ્રિકા સામે 163.21ના સ્ટ્રાઈક રેટથી 142 રન બનાવ્યા અને તેની ટીમને 3-0થી શ્રેણી જીતવામાં મદદ કરી. જ્યારે શર્મિન અખ્તરે આયર્લેન્ડ સામેની 2 વન-ડેમાં લગભગ 70ની એવરેજથી 139 રન બનાવ્યા હતા. તેણે 96 અને 43 રનની ઇનિંગ્સ રમી, જેણે બાંગ્લાદેશને 3-0થી શ્રેણી જીતવામાં મદદ કરી. ત્યારબાદ ડિસેમ્બરમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં શર્મિને 72 રન બનાવ્યા હતા.