બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચમાં ઈજાગ્રસ્ત જોશ હેઝલવુડનું સ્થાન ઝડપી બોલર સ્કોટ બોલેન્ડ લેશે. આ સિવાય ઓલરાઉન્ડર મિચેલ માર્શ પણ એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના પ્લેઇંગ-11નો ભાગ હશે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે મેચના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. BGTની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. જોશ હેઝલવુડ પિંક બોલથી રમાયેલી આ મેચ પહેલા ઈજાગ્રસ્ત થયો હતો. તેને લો ગ્રેડ લેફ્ટ સાઇડ ઇન્જરી છે (પેટના નીચેના ભાગમાં દુખાવો). હેઝલવુડે પર્થ ટેસ્ટમાં 5 વિકેટ લીધી હતી. બોલેન્ડ 18 મહિના બાદ ટેસ્ટ ટીમમાં પરત ફર્યો
બોલેન્ડ લગભગ 18 મહિના પછી કાંગારૂ ટીમમાં પરત ફર્યો છે. સ્કોટ બોલેન્ડે તેની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2023માં આયોજિત એશિઝ સિરીઝ દરમિયાન રમી હતી, હવે 519 દિવસ બાદ તેને ફરી એકવાર ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના પ્લેઇંગ 11માં સામેલ કર્યો છે. મિશેલ માર્શ સંપૂર્ણપણે ફિટ
પ્રથમ ટેસ્ટ બાદ માર્શની ફિટનેસ પર પણ સવાલો ઉઠી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયન કોચે કહ્યું હતું કે તે સંપૂર્ણ રીતે ફિટ નથી. જોકે, બાદમાં મિચેલ માર્શે પોતે પોતાની ફિટનેસ અંગે અપડેટ આપી હતી અને કહ્યું હતું કે તે સંપૂર્ણપણે ફિટ છે. માર્શની જગ્યાએ ઓલરાઉન્ડર બ્યૂ વેબસ્ટરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જોકે માર્શ હવે બીજી ટેસ્ટ રમશે. ભારતે પ્રથમ ટેસ્ટ 295 રનથી જીતી હતી
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમ 1-0થી આગળ છે. ટીમે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં ચાર દિવસમાં 295 રનથી હરાવ્યું હતું. બોર્ડર-ગાસ્કર ટ્રોફીની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે.