હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર સામાન્ય કેનેડિયનોની વિચારસરણી પર પણ પડી છે. આ જ કારણ છે કે કેનેડામાં ભારતને પસંદ કરનારા લોકોની સંખ્યા વર્ષ 2020માં 56% થી ઘટીને અડધી થઈ ગઈ છે. એંગસ રીડ ઇન્સ્ટિટ્યૂટ (ARI) અને કેનેડાના એશિયા પેસિફિક ફાઉન્ડેશનના સરવે અનુસાર, આજે કેનેડામાં માત્ર 26% લોકો જ ભારત પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે. સરવેમાં 39% કેનેડિયનોનું માનવું હતું કે જસ્ટિન ટ્રુડો જ્યાં સુધી કેનેડાના વડાપ્રધાન છે ત્યાં સુધી ભારત સાથેના સંબંધો સુધરશે નહીં. 34% લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ એવું જ વિચારે છે. સરવે મુજબ, 39% કેનેડિયનો માને છે કે ટ્રુડો સરકાર ભારત સાથેના સંબંધોને સારી રીતે સંચાલિત કરી શકી નથી, જ્યારે 32% લોકો તેનાથી વિપરીત હતા. 29% લોકોનો આ વિશે કોઈ સ્પષ્ટ અભિપ્રાય નહોતો. કેનેડા હજુ પણ રશિયા અને ચીન કરતાં ભારતને પસંદ કરે છે
20 મહિના પહેલા 52% કેનેડિયનોએ કહ્યું હતું કે, ઓટાવા અને નવી દિલ્હીએ એકબીજા સાથે આવશ્યક ભાગીદારો તરીકે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખવા જોઈએ. જો કે હવે આ લોકોની સંખ્યા ઘટીને માત્ર 24% રહી છે. સરવેમાં એ પણ સામે આવ્યું છે કે કેનેડામાં ભારતને હજુ પણ રશિયા અને ચીન કરતાં વધુ સકારાત્મક દૃષ્ટિએ જોવામાં આવે છે. જો કે, નવી દિલ્હીમાં તેમનો વિશ્વાસ માત્ર 28% છે. કેનેડામાં 2025માં સંસદીય ચૂંટણી યોજાવા જઈ રહી છે અને વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીને જીત માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. લોકોના મતે જો કન્ઝર્વેટિવ પાર્ટી જીતશે તો પિયર પોઈલીવરે કેનેડાના વડાપ્રધાન બનશે, જે ફરીથી દ્વિપક્ષીય સંબંધો સુધારવાની તક આપશે. 64% લોકો ભારત સાથે ફરી વાતચીત શરૂ કરવાના પક્ષમાં
તણાવપૂર્ણ સંબંધો હોવા છતાં 64% કેનેડિયનો માને છે કે કેનેડાએ ભારત સાથે ફરીથી વેપાર સંવાદ શરૂ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. લોકોની આ વિચારસરણી પાછળનું મુખ્ય કારણ કેનેડિયન નિકાસ પર 25% ટેરિફ લાદવાની ટ્રમ્પની ધમકી છે. એંગસ રીડ સંસ્થાની સ્થાપના ઓક્ટોબર 2014 માં ડૉ. એંગસ રીડ દ્વારા કરવામાં આવી હતી. તે બિન-લાભકારી સંસ્થા છે. કેનેડા અને સંબંધિત મુદ્દાઓ જેમ કે નાણાં, સામાજિક, શાસન, ચેરિટી, જાહેર વહીવટ, સ્થાનિક અને વિદેશી નીતિ પર કેનેડિયનોના મંતવ્યો એકત્ર કરવા માટે તેની સ્થાપના કરવામાં આવી છે. કેનેડા સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… કેનેડામાં ભારતીય રાજદ્વારીઓનું ઓડિયો-વીડિયો સરવેલન્સ:ખાનગી વાતચીત પણ સાંભળવામાં આવી રહી છે, કેન્દ્રએ સંસદને જાણ કરી વિદેશ મંત્રાલયે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે, કેનેડાના વાનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓના ‘ઓડિયો-વીડિયો’ સંદેશાઓનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને હજુ પણ ચાલુ છે. તેમના અંગત સંદેશાઓ પણ વાંચવામાં આવી રહ્યા હતા. કેનેડાના અધિકારીઓએ ખુદ ભારતીય અધિકારીઓને આ માહિતી આપી છે. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…