રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. મોસ્કોમાં એક ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં બોલતા પુતિને કહ્યું કે, ભારતે નાના અને મધ્યમ પાયાના (SME) ઉદ્યોગોની સ્થિર સ્થિતિ જાળવી રાખી છે. વખાણ કરતી વખતે પુતિને ભારતના મેક ઇન ઈન્ડિયા કાર્યક્રમની તુલના રશિયાના આયાત વિકલ્પ કાર્યક્રમ સાથે કરી હતી. પુતિને કહ્યું- વડાપ્રધાન મોદીનો મેક ઈન ઈન્ડિયા નામનો સમાન કાર્યક્રમ છે. અમે ભારતમાં અમારા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપવા માટે પણ તૈયાર છીએ. વડાપ્રધાન અને ભારત સરકાર સ્થિર પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહ્યા છે અને તેનું કારણ એ છે કે ભારતીય નેતૃત્વ ઈન્ડિયા ફર્સ્ટની નીતિને અનુસરી રહ્યું છે અને અમે માનીએ છીએ કે ભારતમાં રોકાણ ફાયદાકારક છે. આ સિવાય પુતિને બ્રિક્સ દેશોમાં તેમના આયાત વિકલ્પ કાર્યક્રમના મહત્વ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે, બ્રિક્સ દેશોમાં નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ અને વિવાદોના નિરાકરણ માટે એક સિસ્ટમ બનાવવાની જરૂર છે. મોદીએ બ્રિક્સ સમિટમાં પણ ભારતના વખાણ કર્યા હતા
તાજેતરમાં કઝાનમાં યોજાયેલી BRICS સમિટમાં પુતિને ભારતની વધતી અર્થવ્યવસ્થાની પણ પ્રશંસા કરી હતી. પુતિને કહ્યું હતું કે, અન્ય દેશો સારા આર્થિક વિકાસની વાત કરે છે, પરંતુ ભારત લાંબા સમયથી સતત તેને હાંસલ કરી રહ્યું છે. પુતિને એક વર્ષ પહેલા ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ (EEF)માં ભારતના મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે પીએમ મોદી મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે સારું કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રશિયાએ સ્થાનિક રીતે બનેલી કારનો ઉપયોગ કરવો જોઈએ. આ મામલે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે એક ઉદાહરણ રજૂ કર્યું છે. પુતિને કહ્યું હતું કે પહેલા આપણા દેશમાં બનતી કાર નહોતી, પરંતુ હવે બનાવીએ છીએ. તે સાચું છે કે તેઓ ઓડી અને મર્સિડીઝ કરતાં ઓછા સારા લાગે છે, પરંતુ તે કોઈ સમસ્યા નથી. આપણે રશિયન બનાવટના વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. આપણે આપણા સાથી દેશ ભારતને અનુસરવું જોઈએ. તેઓ દેશમાં જ વાહનો બનાવી રહ્યા છે અને તેનો ઉપયોગ કરી રહ્યા છે. આપણે નક્કી કરવું જોઈએ કે કયા વર્ગના અધિકારીઓ કઈ કાર ચલાવી શકે છે, જેથી તેઓ ઘરેલુ કારનો ઉપયોગ કરશે.